ત્રિપલ અકસ્માત, એક વાહનમાં પંચર પડતા પાછળ અન્ય 2 વાહન ઘુસી ગયા 

અહી થયો છે આ અકસ્માત...

ત્રિપલ અકસ્માત, એક વાહનમાં પંચર પડતા પાછળ અન્ય 2 વાહન ઘુસી ગયા 

Mysamachar.in-ખેડા:

ખેડા જિલ્લામાં અકસ્માતોની વણથંભી રફતાર અટકવાનું નામ નથી લઈ રહી. ત્યારે આજે વધુ ત્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે, અકસ્માત ઝોન ગણાતા નડિયાદ નજીક આવેલ ગુતાલ બ્રિજ પર વધુ એક ગંભીર ત્રિપલ અકસ્માત બન્યો હતો. બનાવને પગલે થોડાક સમય માટે ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો. જો કે આ અકસ્માતમાં 15 જેટલા લોકોને ઈજાઓ પણ પહોંચી હતી.

નેશનલ હાઈવે નં. 48 પર આવેલ ગુતાલ બ્રિજ પરથી રાજકોટ-પાવાગઢ-બારીયા એસટી બસ પૂરપાટ ઝડપે પસાર થઈ રહી હતી. ત્યારે રોડ પર પંચર પડેલ લાકડા ભરેલ એક આઈશરની પાછળ એસટી બસ અથડાઈ હતી. એસટીની પાછળ આવી રહેલ એક કાર પણ અથડાઈ હતી. બનાવને પગલે એસટીમાં સવાર મુસાફરો, કારમાં સવાર લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા. એસટી બસ આઈશરમાં ઘુસી જવાથી પંદરેક મુસાફરોને શરીરે નાની મોટી ઈજાઓ પહોંચી હતી. બનાવને પગલે કલાક સુધી ટ્રાફિક જામ થયો હતો. સ્થાનિકાએ તુરત જ 108 ને કોલ કરતાં તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતા. બનાવની જાણને પગલે હાઈવે પેટ્રોલિંગ અને નડિયાદ રૂરલ પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે અનેક લોકોને ગંભીર ઈજા અથવા મોત થવાની પણ શક્યતા હતી જો કે સદ્નસીબે તમામ લોકોનો આબાદ બચાવ થતાં તમામે રાહતનો શ્વાસ લીધો હતો.