ગુજરાતની પોલીસ સૌથી વધુ ભ્રષ્ટ છે: રિપોર્ટ

ખાખી વર્દી પર લાગ્યો મોટો દાગ

ગુજરાતની પોલીસ સૌથી વધુ ભ્રષ્ટ છે: રિપોર્ટ

Mysamachar.in-ગાંધીનગરઃ

છેલ્લા કેટલાક સમયથી ગુજરાત સહિત દેશભરમાં દુષ્કર્મ, હત્યા જેવી ગુનાખોરીને કારણે અનેક સવાલો ઉઠી રહ્યાં છે. આટલું ઓછું હોય એમ ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ ઇન્ડિયાએ હાલમાં કરેલા ઇન્ડિયા કરપ્શન સરવે 2019માં એક મોટો ખુલાસો થયો છે, TII દ્વારા 20 રાજ્યમાંથી 2 લાખ લોકોનાં મત જાણવામાં આવ્યા જેમાં જાણવા મળ્યું છે કે ક્યા રાજ્યમાં વધુ ભ્રષ્ટાચાર છે અને પોલીસની કામગીરી કેવી છે. સૌપ્રથમ દેશના ઓછી ઓછા કરપ્ટ રાજ્યમાં ગુજરાતનો સમાવેશ થઇ ગયો છે. સરવેના દાવા પ્રમાણે દેશમાં ગુજરાત, ગોવા, ઓડિશા, કેરળ અને હરિયાણા ઓછા ભ્રષ્ટચાર ધરાવતા રાજ્યો છે. જ્યારે સૌથી વધુ રાજસ્થાનમાં 78 ટકા ભ્રષ્ટાચાર હોવાનું રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.

તો રિપોર્ટમાં એવો પણ ખુલાસો કરવામાં આવ્યો જેનાથી ખાખી વર્દીને મોટો દાગ લાગી જશે, આ દાગ દૂર કરવામાં પોલીસને કદાચ વર્ષો લાગી શકે છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે ગુજરાતની પોલીસ સૌથી વધુ ભ્રષ્ટ છે. ગુજરાતમાં 41 ટકા લોકો કહે છે કે, તેમણે પોલીસને લાંચ આપી છે. જ્યારે 29 ટકા લોકો કહે છે કે તેમણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લાંચ આપી છે. 18 ટકા લોકોનું કહેવું છે કે, તેમણે પોપર્ટી, જમીન સંપાદનને લગતા વિભાગોને લાંચ આપી છે. 12 ટકા લોકો કહે છે કે, અન્ય વિભાગને લાંચ આપી છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પોલીસ સહિત પ્રોપર્ટી, જમીન સંપાદનને લગતા વિભાગો સહિત મ્યુનિસિપલ કોર્પોરેશન, ટેક્સ વિભાગમાં પણ ભ્રષ્ટાચાર વધ્યો છે. આ વિભાગોમાં લોકોએ લાંચ આપીને પોતાનાં કામ કરાવવા પડે છે. ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ ઇન્ડિયાના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં વર્ષ 2018માં 31 ટકા લોકોએ કહ્યું હતું કે, સરકારી કામ માટે લાંચ આપવી પડે છે જે ટકાવારી વર્ષ 2019માં વધીને 48 ટકા થઈ ગઈ છે.