એમ્બ્યુલન્સ અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3ના મોત 

ગંભીર મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ 

એમ્બ્યુલન્સ અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3ના મોત 

Mysamachar.in-મોરબી:
મોરબી જીલ્લાના હળવદ પાસે સુંદરગઢ ગામ નજીક ડમ્પર અને એમ્બ્યુલન્સ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં મોરબીથી અમદાવાદ કોરોનાની સારવાર માટે એમ્બ્યુલન્સમાં જઇ રહેલા પિતા-પુત્ર અને એમ્બ્યુલન્સચાલક સહિત ત્રણના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજયા હતા, બનાવની જાણવા મળતી વિગતો મુજબ આજે મોરબી ખાતે રહેતા અલીમોહમ્મદ ભાઈ રહેમતુલ્લાભાઈ અબ્બાસી  જેઓ કોરોનાથી સંક્રમિત થતા મોરબીથી એમ્બ્યુલન્સમાં તેઓ અને તેમનો દીકરો અને દીકરાની વહુ અને એમ્બ્યુલન્સ ચાલક સહિત ચાર લોકો અમદાવાદ જઈ રહ્યા હતા. ત્યારે બપોરના ત્રણ વાગ્યાની આસપાસ હળવદ-મોરબી રોડ પર આવેલા સુંદરગઢ ગામ નજીક હળવદ તરફથી આવતા ડમ્પર અને એમ્બ્યુલન્સ વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં ઘટનાસ્થળે જ એમ્બુલન્સ ચાલક સહિત ત્રણના મોત નીપજ્યા ઘટનાની જાણ થતા પોલીસકાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.