Mysamachar.in-અમદાવાદ
અમદાવાદ શહેરમાં પોલીસકર્મી દારૂની બોટલો સાથે ઝડપાયો છે, ઝડપાયેલો શખ્સ પોલીસ હેડ કોન્સ્ટેબલ વસંત પરમાર છે. કાયદાનો રક્ષક જ કાયદાનો ભંગ કરીને દારૂની હેરાફેરી કરે છે. પાલડી પોલીસને બાતમી મળી હતી કે, એક શખ્સ દારૂનો જથ્થો લઈને પાલડી સુમેરુ ચાર રસ્તાથી પસાર થવાનો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી આ દરમ્યાન એક શંકાસ્પદ એક્ટિવા પસાર થતા પોલીસે ચેકીંગ કર્યું તો દારૂના જથ્થા સાથે વસંત પરમાર ઝડપાયો હતો. પોલીસે તેની પૂછપરછ કરતા વસંત પરમાર પોલીસ કર્મચારી હોવાનું ખુલ્યું હતું. પાલડી પોલીસે દારૂની હેરાફેરીને લઈને પોલીસ કર્મચારીની ધરપકડ કરી છે.
પોલીસ હેડ કોન્સ્ટેબલ વસંત પરમાર ટ્રાફિક વિભાગના ઇગલ પોલીસ ડિવિઝનમાં ફરજ બજાવે છે. છેલ્લા 25 વર્ષથી પોલીસ ખાતામાં ફરજ બજાવતા વસંત પરમારે શોર્ટકટમાં પૈસા કમાવવા દારૂની હેરાફેરી શરૂ કરી હતી. માતાને હાર્ટની તકલીફ હોવાથી બીમારીનો ખર્ચ અને પરિવારનું ગુજરાન ચલાવવા આવું કર્યું હોવાની વાતો ચાલી રહી છે. પાલડી સુવિધા ચાર રસ્તા નજીક, સુમેરુ કોમ્પ્લેક્સ પાસેથી એક્ટિવામાં આગળના ભાગે થેલાની અંદર દારૂની 27 બોટલો સાથે ટ્રાફિક હેડ કોન્સ્ટેબલ પકડાયો છે. જે એક વ્યક્તિ એક્ટિવા પર દારૂનો જથ્થો લઈને પાલડી સુવિધા ચાર રસ્તા પાસેથી પસાર થવાની છે જેના આધારે પોલીસે તેની પાસેથી બોટલ અને એક્ટિવા મળીને કુલ રૂ.42,865નો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.