Mysamachar.in-અમદાવાદ:
જે રીતે રાજ્યમાં મોટા પ્રોજેક્ટ અને આંતરમાળખા પાછળ વિકાસ થાય છે એ સમગ્ર પ્રોજેક્ટની કિંમત વસુલ કરવા એન્ટ્રી ફીથી લઈને પાર્કિંગ ચાર્જ સુધી કુલ ખર્ચો ખિસ્સુ ફાડી નાંખે છે. કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી તૈયાર થયું ત્યારે પણ વ્યક્તિદીઠ ખર્ચો દરેક પરિવારને પોસાય એમ ન હતો. હવે મહાનગર અમદાવાદમાં સાયન્સ સિટી તૈયાર થઈ ગયું છે. જેની દરેક ગેલેરીની ફી અને થિએટર્સ ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે.
સાયન્સ સિટીની મુલાકાત લેનારા દરેક વ્યક્તિએ રૂ.3070 ચૂકવવાના રહેશે. પહેલા એન્ટ્રી ફી રૂ.20 હતી જે વધારી રૂ.50 કરી દેવાઈ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ લોકાર્પણ કરી રોબોટિક અને નેચરપાર્કની શરૂઆત કરી દીધી છે.અહીં એક્વાટિક ગેલેરીમાં દેશનું સૌથી મોટું એક્વેરિયમ તૈયાર કરવામાં આવ્યું છે. જેના જુદા જુદા 68 ટેન્કમાં શાર્ક જેવી શિકારી માછલીઓના દર્શન થશે. આ માટે ખાસ એક અંડર વોટર કેનાલ પણ તૈયાર કરવામાં આવી છે. જેમાં 188 પ્રજાતિની 11000થી વધારે માછલીઓ છે. ખર્ચ પર નજર કરીએ તો એન્ટ્રી ફી રૂ.50, એક્વાટિક ગેલેરીના રૂ.200, 5ડી થિએટરના રૂ.150, રોબોટિક ગેલેરીના રૂ.250, 3ડી સ્કેનર પ્રિન્ટરના રૂ.500, રોબો પેઈન્ટરના રૂ. 200, વીઆર કારના રૂ.200, એઆર હોકીના રૂ.50, વીઆર સિનેમાના રૂ.200, જુરાસિક વર્લ્ડ ગેમ્સ રૂ.200, એઆર શૉ રૂ.200, મેડિકલ એપ્લિેશન રૂ.200, એજ્યુકેશન એપ્લિકેશન રૂ.200, વોક થ્રુ ગેમ રૂ.200, શુટિંગ ગેમ રૂ.200, થ્રીલ રાઈડ્સ રૂ.30, મિશન ટુ માર્સના રૂ. 40. આ તમામ વસ્તુઓ ફરવી હોય તો રૂ. 3070 ખર્ચવા પડે એમ છે. એ પણ વ્યક્તિદીઠ.
આ અંગે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે, માત્ર ચાર વ્યક્તિનો પરિવાર આ વિઝીટ માટે જાય તો રૂ.7400નો ખર્ચો થાય છે. આટલી મોંઘી ફી ગરીબ અને મધ્યમ વર્ગને પોસાય એમ નથી. આ વર્ગનો કોઈ વ્યક્તિ વિઝીટ તો દૂર આ બાજુ ડોકાવવાની પણ હિંમત ન કરી શકે. આ વિઝિટ ફીમાં વધારો નહીં પણ ઉઘાડી લૂંટ છે. સાયન્સ સિટીના મૂળ હેતુંની હત્યા કરી દેવામાં આવી છે. લોકશાહીનું ગળું દબાવીને બિઝનેસ મોડલ આધારિત કંપની રાજ લાવવાનું આ કાવતરૂ છે.