ભારે વરસાદને કારણે 15 લોકો વાહન સાથે તણાયા, અહીં તળાવમાં શહેર હોય એવી સ્થિતિ

વળાંકમાં આવેલા નાલામાંથી 5 વાહનો અને 12 જેટલા લોકોને સુરક્ષિત સ્થાને ખસેડાયા

ભારે વરસાદને કારણે 15 લોકો વાહન સાથે તણાયા, અહીં તળાવમાં શહેર હોય એવી સ્થિતિ

Mysamachar.in-વલસાડ:

શનિવારે પડેલા વરસાદને કારણે અનેક જગ્યાએ મોટું નુકસાન થયું છે. વીજ થાંભલા પડી જવાને કારણે અનેક વિસ્તારમાં ધોળા દિવસે અંધારપટ્ટ જોવા મળ્યો. તંત્રની પ્રિ મોન્સુલ કામગીરીમાં થતી લોલમલોલ ઉઘાડી પડી ગઈ છે. વૃક્ષો પડી જવાને કારણે અનેક રસ્તાઓ પર વાહનચાલકો પરેશાન થયા છે. પણ આ બધા કરતા પણ સૌથી ખરાબ અને ભયંકર સ્થિતિ વલસાડ જિલ્લાની થઈ છે. જ્યાં માત્ર બે કલાકમાં આઠ ઈંચ વરસાદથી તળાવમાં જાણે શહેર ઊભું હોય એવી સ્થિતિ જોવા મળી હતી. વલસાડ જિલ્લાના સરીગામમાં 15 લોકો વાહન સાથે તણાઈ ગયા હતા. રવિવારે મેઘરાજાનું રૌદ્રરૂપ જોવા મળ્યું હતું. માત્ર ચાર કલાકમાં અહીં 10 ઈંચ જેટલો વરસાદ થતા સ્થળ ત્યાં જળ જેવું ચિત્ર જોવા મળ્યું છે. અનેક એવા વિસ્તારોમાં કમર સુધીના પાણી ભરાઈ ગયા હતા. આ ઉપરાંત અનેક એવા મોટા વાહન પાણીમાં તરતા જોવા મળ્યા છે.

કાર અને બાઈક સાથે કુલ 15 લોકો તણાઈ જતા ફાયર વિભાગે રેસક્યુ ઑપરેશન કર્યું છે. આ મામલે ફાયર વિભાગના અધિકારી સનત સોનીએ જણાવ્યું કે, અમને ભિલાડ પોલીસ મથકેથી ફોન આવ્યો હતો. જ્યારે અમુક લોકો કાર અને બાઈક સાથે પાણીના વહેણમાં તણાયા હતા. ટીમે યુદ્ધના ધોરણે કામગીરી કરી બે બાઈક ચાલક અને એક વ્યક્તિને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે. જ્યારે વેસ્ટર્ન અને મદુરા કંપનીના વળાંકમાં આવેલા નાલામાંથી 5 વાહનો અને 12 જેટલા લોકોને સુરક્ષિત સ્થાને ખસેડાયા છે. ભારે વરસાદને કારણે શરદ શિંદે નામના વ્યક્તિની કાર વેગનર પાણીમાં તણાઈ હતી. જે પછીથી સાંજના સમયે ઘટના સ્થળથી એક કિમી દૂરથી મળી આવી હતી. સરીગામ બાયપાસ પાસે મદુરા કંપનીની બાજુમાં એક કુદરતી વહેણ છે. જ્યાં એક નાનો બ્રીજ બનાવવામાં આવ્યો છે. જ્યાં પાણી ભરાતા દર વર્ષે અનેક લોકો પરેશાન થાય છે. રસ્તાનો ક્યાસ કાઢી ન શકવાના કારણે આ લોકો તણાયા હતા. વરસાદની આ તોફાની ઈનિંગમાં ચારેકોર જળભરાવનું ચિત્ર સામે આવ્યું હતું. વલસાડમાં આભ ફાટ્યુ હતું. જ્યાં બે કલાકમાં સવા 8 ઈંચ વરસાદ ખાબક્યો છે.