Mysamachar.in-ગાંધીનગર
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિશ્વ સિંહ દિવસની રાજયના વન વિભાગ દ્વારા થયેલી ઉજવણીમાં ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સથી સહભાગી થતાં એશિયા ખંડની શાન-સોરઠના સાવજના જતન સંવર્ધન, સંરક્ષણ અને જનજીવનમાં સ્વીકૃતિની જાગરૂકતા વ્યાપક બનાવવા પ્રેરક આહવાન કર્યુ હતું. ગુજરાતનું સદનસીબ અને ગૌરવ છે કે એશિયાટીક લાયનની વિરાસત ગુજરાત ધરાવે છે. સોરઠ-ગીર પ્રદેશના આ સાવજની સાથે સ્થાનિક લોકો સહિત સૌના ભાવાત્મક જોડાણ, સિંહ જતન માટે યોગદાન અને સાર્થક પ્રયાસોને પરિણામે રાજ્યમાં સિંહોની સંખ્યામાં પાછલા વર્ષોમાં 29 ટકા જેટલો વધારો થયો છે 2015માં 529 સિંહ હતા તે વધીને હવે 674 થયા છે એમ તેમણે ઉમેર્યુ હતું. આ વૃદ્ધિ સ્પષ્ટ સૂચવે છે કે સૌરાષ્ટ્રમાં માનવ વસ્તી સાથે સિંહોનો ઉછેર, જનજીવનમાં સ્વીકૃતિની વ્યવસ્થા એ માનસિકતા બની ગઇ છે.
મુખ્યમંત્રીએ સિંહની આપણી સંસ્કૃતિમાં જે મહત્તા છે તે વર્ણવતા ઉમેર્યુ કે, આપણે ત્યાં નરસિંહ અવતાર છે અને સિંહને શક્તિ ભક્તિના પ્રતિક તરીકે પૂજનીય સ્વીકૃતિ મળેલી છે. એટલું જ નહિ, ભારતના રાજચિન્હ-એમ્બલમમાં પણ સિંહના મૂખની પ્રતિકૃતિ દર્શાવાયેલી છે. વિજય રૂપાણીએ રાજ્યમાં સિંહના વિચરણ-હર ફરનો વિસ્તાર ગીરના જંગલોથી વિસ્તરીને ચોટીલા, સાયલા, અમરેલી, ભાવનગર જેવા સ્થળો જિલ્લાઓ મળી 30 હજાર ચોરસ કિલોમીટર થયો છે તેની પણ ભૂમિકા આપી હતી. સિંહ દર્શન માટે આવતા પ્રવાસીઓને સરળતાએ સિંહ જોવા મળે અને ગીર જંગલ સિવાયના વિસ્તારોમાં પણ સિંહ દર્શનની પ્રવાસન પ્રવૃત્તિ વિકસે તે માટે અમરેલીના આંબરડી અને જૂનાગઢના ઇન્દ્રેશ્વર પાસે લાયન સફારી વિકસાવવામાં આવી રહ્યા છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ લાયન પ્રોજેકટ અન્વયે આગામી વર્ષોમાં રેસ્કયુ સેન્ટર્સ હોસ્પિટલ, લેબોરેટરી, બ્રિડીંગ સેન્ટર, સિંહોની સારવાર સુશ્રુષા માટે સારવાર કેન્દ્રોમાં માળખાકીય સુવિધાઓ, રેડિયો કોલર અને મોર્ડન ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગી કરી સિંહ સંરક્ષણ અને સંવર્ધનની કડી મજબૂત બનાવવામાં આવશે.સાસણગીર ખાતે આગામી સમયમાં સ્ટેટ ઓફ ધ આર્ટ હોસ્પિટલ અને ડિસીઝ ડાયસ્ટિક એન્ડ રિસર્ચ સેન્ટરની સ્થાપના કરવાની નેમ છે.