એક વાર ચોરી કરવી પણ મોટી કરવી, તસ્કરોના હતા આવા સપનાઓ

રાજકોટમાં થી ઝડપાઈ તસ્કર ગેંગ

એક વાર ચોરી કરવી પણ મોટી કરવી, તસ્કરોના હતા આવા સપનાઓ

Mysamachar.in-રાજકોટ

આજ સુધી પોલીસે અનેક ચોરો પકડ્યા હશે અને ચોરોના અલગ અલગ કારનામાઓ પણ જોવા મળતા હશે. પરંતુ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે એક અનોખી ચોર ટોળકીને ઝડપી છે. આ ચોર ટોળકીના ચાર શખ્સોને પોલીસે ઝડપ્યા છે. તેઓની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી હકીકતો પણ સામે આવી છે. જેમાં ગઈકાલે આ ચોર ટોળકી 80 ફૂટ રોડ પર આવેલા ફિલ્ડમાર્શલ નામના કારખાનામાં ચોરી કરે તે પહેલાં જ પોલીસે ચોરોને ઝડપી લીધા છે. આ ચોરોએ જણાવ્યું હતું કે તેમનું સૂત્ર હતું કે, ‘એક વાર ચોરી કરવી પણ મોટી કરવી.’

રાજકોટ શહેરમાં થોડા દિવસો પહેલા બે અલગ અલગ જગ્યાઓ પર ચોરીના બનાવ સામે આવ્યા હતા. જેમાં સોરઠીયાવાડી સર્કલ પાસે આવેલા બેન્ક ઓફ ઇન્ડિયન એ.ટી.એમ.ના બાથરૂમની બારી તોડી, સી.સી.ટી.વી.ના વાયરો કાપી બેંકમાં રહેલી બે લોખંડની પેટીઓ અને અન્ય તિજોરીઓને તોડવાની કોશિશ કરી હતી પણ તે નાકામયાબ રહી હતી. બીજી તરફ મવડી ચોકડી પાસે આવેલી મંન્નપૂરમ ફાઇનાન્સની વંડી ઠેકીને દરવાજાના નખુંચાને તોડી પ્રવેશ કરી જ્યાં સાયરન અને સી.સી.ટી.વી. હતા તે તોડી તિજોરી સાફ કરવાની કોશિશ કરી હતી. જેમાં પણ તેઓ નાકામ રહ્યા હતા. આ ચોર ગેંગના તમામ સભ્યો એ નક્કી કર્યું હતું

કે, ‘એક વખત ચોરી કરવી પણ મોટી ચોરી કરવી.’ આથી તેઓએ કોઈ બેન્ક કે મોટી પેઢીમાં ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો. આ ગેંગે બેન્ક ઓફ ઇન્ડિયા, મંન્નપૂરમ ફાઇનાન્સ કે જ્યાં સોના પર લોનમળતી હોવાથી મોટી સંખ્યામાં રોકડ કે સોનુ મળી શકે એ હેતુથી ગેંગએ ત્યાં ચોરી કરવાનું નક્કી પણ કર્યું હતું.

આરોપી રવિ ચૌહાણ દોઢક વર્ષ પહેલાં ચાપડી-ઊંધિયુંનો ધંધો કરતો હતો ત્યારે તેની સામે આવેલી મોમાઈ ટ્રાવેલ્સની બાજુમાં ચાની દુકાન ધરાવતા અનિલ અને વિશાલ સાથે તેની ઓળખાણ થઈ હતી. પછી આઠેક મહિના પહેલા રવિ, અનિલ ,શાહીલ, વિશાલ અને દિપક મળ્યા હતા. તે દરમ્યાન પવનચક્કીના વ્હીલ ચોરી કરી વેચવાનું વિચાર્યું હતું પણ રવિએ બધાને સલાહ આપી કે નાની ચોરી કરવાને બદલે મોટી ચોરી કરવી અને એક જ વખત ચોરી કરવી એવી સલાહ આપી અને બધા સહમત થયા અને ગેંગની રચના થઈ. આરોપી રવિએ શાદી ડોટ કોમ મારફતે મધ્યપ્રદેશની યુવતી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું જેના માટે પૈસાની જરૂર હતી.

આરોપી અનિલ તાવીયાએ દોઢ મહિના પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા. તેથી તેને પણ પૈસાની જરૂર હતી. બાકીના આરોપીઓ મોજશોખ માટે સાથે ચોરી કરતા હતા. પરંતુ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે તેઓ કોઈ મોટી ચોરીને અંજામ આપે તે પહેલાં જ આ ચોર ટોળકીને ઝડપીને આગળની કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી છે