Mysamachar.in-જામનગર:EXCLUSIVE
વિશ્વભરમાં અનેક “ડે” કેલેન્ડરમા છે તેમાથી હાલના સમયમા કેલેન્ડરમાંથી ઉતરીને સમાજના કોઇ કોઇ હિસ્સા સુધી ઉજવાય પણ છે તો ઘણા આવા ડે યાદ પણ નથી રહેતા પરંતુ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એ “ડે” દરેકના જીવનને સ્પર્શતો લાગણીથી વાત્સલ્યથી સ્નેહથી માંડી ધરા જેવી સહનશક્તિને ખરેખર પૂજવાનો દિવસ છે, હાલારમા અનેક નારી રત્નો છે જેમના જીવન કવન પ્રેરક છે ત્યારે આત્મવિશ્વાસ અને સંકલ્પબળની અનેરી આસ્થા સાથે કાર્યરત જામનગરના સબડીવીઝનલ મેજીસ્ટ્રેટ-શહેર પ્રાંત અધિકારી જેમની પાસે અગાધ સતા અને મેજીસ્ટેરીયલ પાવર હોવા છતા માનવીય સંવેદના અને હકારાત્મક અભિગમ સાથેની વહીવટી સુઝ બુઝ અભ્યાસ અને એક્શનનો સમન્વય છે તે તેમના તાબાના અધીકારીઓ કર્મચારીઓ અને ઉપરી અધિકારીઓ સાથે-સાથે અગણીત અરજદારોને સતત પ્રતિતિ થાય છે, અને એ દરેક કાર્યવાહી કાયદાના દાયરામા કરવાની હોય છે ત્યારે સવાલ થાય ને કે આ સંતુલન સંકલન કેટલુ ગજ્જબનુ હોય..?
પરંતુ આ મહિલા અધિકારી માટે એ બધુ જ સહજ છે અને સિવિલ સર્વિસીઝ ના કારકીર્દી ઘડતરના પ્રારંભીક પડાવ વખતે જ તેમણે સિદ્ધ કરી બતાવ્યુ કે મહિલા શક્તિ અગાધ છે માટે તો તેમને આજના દિવસે નિખાલસ વાત કરતા સાંભળી એક બાબત ચોક્કસ સાબિત થાય છે કે કોઇ તુરંત કઇ પદ નથી મેળવી લેતુ…હા સંકલ્પ-શિક્ષણ-ઇતરપ્રવૃતિ-પરિવારભાવ-કુટુંબ વસાવી તેમા ઓતપ્રોતતા-ઘરની જવાબદારી-અનેક દ્રષ્ટીકોણ સાથે હંમેશા ઉંચુ નિશાન અને સાથે સાથે સફળ અધિકારી…આમ વિવિધ ડાયમેન્શન આ એકજ મહિલા અધિકારીમાં જોવા મળે ત્યારે સહેજે તેમની વાત ને આજના દિવસે mysamachar.in ના વ્યુઅર્સ સમક્ષ મુકવાથી નારી શક્તિના દરેક મહત્વના તબક્કા સાથે સાથે શબ્દો ઉપરની એમની પક્કડ ચિંતન મનન સાથેનો આટલી નાની વયમા સુભગ સમન્વય ખાસ કરી બહેનો જાણે એટલે દરેક તબક્કાનો અલગ અંદાજ મળી શકે છે જે સફળતા તરફ દોરી જાય છે, માટે જ આજે અમે અન્ય કોઈ નહિ પરંતુ જામનગર શહેર પ્રાંત અધિકારી આસ્થા ડાંગર (GAS)ના સફળતાના સુત્રો વ્યુઅર્સ સમક્ષ મુકી રહ્યા છીએ
-શૈક્ષણીક કારકીર્દી થી જ પ્રગતિનો પાયો…હાલ એ જ કાર્યરિતી
પ્રાથમીક માધ્યમીક શિક્ષણ રાજકોટથી પૂર્ણ કરી તેઓ એ નિરમા યુનિવર્સીટી બી.ટેક.ઇન કોમ્પ્યુટર સાયન્સ એન્જીન્યરીંગ પૂર્ણ કર્યું જયારે ધોરણ 8 માં અભ્યાસ કરતા હતા ત્યારે NCC થી દિલ્લી Republic Day Parade માં ગયા હતા અને ત્યાં જઈને તેવોને મનમાં પ્રેરણા જાગી કે ના મારે પણ લોકો માટે કઈક કરવું છે.અને કા તો ડીફેન્સ અને કા તો સિવિલ સર્વિસીસમાં પહોચવું છે, અને તેવોના મનમાં ત્યારથી જ લક્ષ્ય નક્કી થઇ ગયું અને આ લક્ષ્યને પાર પાડવા અથાગ પ્રયાસો કરી રહ્યા હતા આમ કોમ્પ્યુટર એન્જિયરિંગ બાદ તેવોંએ UPSCની તૈયારીઓ શરુ કરી હતી અને તેવોના અથાગ પ્રયાસ અને સતત વાંચન અને લોકો માટે…દેશ માટે …રાજ્ય માટે કઈક કરી છૂટવાની ભાવના સાથે પરિવારનું નામ રોશન કરવાની નેમ આખરે 5 જૂન 2018 માં ફળી અને તેમનું સિવિલ સર્વિસીસમાં જોઈનીંગ થયું, તેવોને પહેલા જ પ્રોબેશન પોસ્ટિંગમાં જામનગર ના કાલાવડ ખાતે મુકવામાં આવ્યા હતા અને ત્યાં તેવોએ પ્રોબેશન પીરીયડ દરમિયાન જ પોતાની કાબેલિયતને કાલાવડ વિસ્તારને પરિચય કરાવી દીધો હતો, જે બાદ તેવો ને ઠીક કોરોના વખતે તત્કાલીન જામનગર શહેર પ્રાંત અધિકારીની અન્યત્ર બદલી થતા તેમના સ્થાને તે સમયે સુઝબુઝ સાથેના સનદી અધીકારી એવા તત્કાલીન કલેકટર રવિશંકર દ્વારા આસ્થા ડાંગરને શહેર પ્રાંત અધિકારીની મહત્વની જગ્યા સોપી હતી….અને હાલ એ જ સફળ કાર્યરિતી દર્શાવે છે કે પરિવાર-શિક્ષકો-સિનિયરો સૌને સન્માન અને આદરથી તેઓ ઘડાયા છે
-“પડકાર નહિ તક” ના સુત્ર એ આ મહિલા અધિકારીની અલગ પ્રતિભા વિકસાવી
સરકારી નોકરી દરમિયાન કેવા પડકારો છે. આ સવાલના જવાબમાં તેવો જણાવે છે કે એક સરકારી અધિકારી તરીકે ઘણા પડકારો છે. પણ સાથે લોકો માટે, કંઇક કરવાની તક મળવાની એક અલગ ભાવના અને આત્માસંતોષ પણ છે. ઘરે જઈને રોજ થાય કે આજે બહુ થાકી ગયા, પણ પછી બીજી જ ક્ષણે યાદ આવે કે પેલા એક માજી ની વિધવા સહાય અપાય ગઈ ને, પેલા એક ઘરડા બાપા ને એની જમીન કોઈ માથાભારે શખ્સએ પચાવી પડેલી એ પાછી અપાવીને, પેલા એક વૃદ્ધ નિરાધાર દંપતીને પોતાના સંતાનો પાસે થી એના ઘરની સંપત્તિ માં હક્ક અપાવ્યો ને તો બસ આ બધો થાક યોગ્ય છે.આમ સિવિલ સર્વિસીસના ટૂંકાગાળામાં આસ્થા ડાંગર પોતાના કામમાં પાવરધા અને ચોક્કસ છે, તે સૌ ઉચ્ચ અધિકારીઓ જાણે છે, આજનું કામ આજે પૂર્ણ ના થાય ત્યાં સુધી ના ઘરે જવાની ચિંતા કે ના જમવાની ચિંતા આ અધિકારી જે મહિલા હોવા છતાં ક્યારેય એ કરી નથી અને આજનું કામ આજે પૂર્ણ કરી અન્ય સરકારી કચેરીઓની જેમ ફાઈલોના થોથા તેમની ચેમ્બર કે કચેરીમાં બિન જરૂરી રીતે ક્યારેય થવા દીધા નથીકેમકે રાજ્યના જવાબદાર અધિકારી તરીકે ચુસ્તફરજ-કાયદા અને હકારાત્મકતાનો સમન્વય તે જ પ્રજાજનોની સેવાની તક છે તેમ પણ આ તકે તેમણે ઉમેર્યુ હતુ
-કોરોના પીકમા અથાગ જહેમત એ અલગ છબી ઉપસાવી
કોરોનાકાળ ફર્સ્ટ વેવ, સેકન્ડ વેવ તમારા માટે કેવા પડકારો હતા તેના જવાબમાં આસ્થા ડાંગર કહે હે કે કોરોનાકાળમાં અસંખ્ય ચુનોતી આવી, પડકારો આવ્યા, અમુક વખતે ખૂબ નિરાશા પણ આવી, પણ લોકો માટે બનતા પ્રયાસો કરવાનો ખુબ સંતોષ છે. આ કાળ મારા કેરિયરમાં બહુ પેહલા આવ્યો ને હમેશાં મારા માનસપટ પર એની છાપ મૂકીને જશે.કારણ કે મને જે જવાબદારીઓ સોંપવામાં આવી હતી તે સુપેરે નિભાવી છે, તેમજ અલગ છબી ઉપસાવી કેમકે આવી મહામારી જેને વિશ્વને હચમચાવ્યુ ત્યારે જામનગર શહેર પ્રાંત અધિકારી તરીકે આ તદન નવા અને કપરા કાળમા સંકલન સાધવુ અને એક્શન લેવા બંને સાવ નવા આયામો હતા આ નવા આયામ વખતે તેમની સુઝબુઝ નો સુપેરે પરિચય થયો છે,
-સફળતામા સૌનો હિસ્સો….પરિવારે કરેલા ઘડતર એ રાષ્ટ્ર ગૌરવ સુધીનુ વિઝન આપ્યુ
એક દીકરીથી લઈને એક અધિકારી તરીકેના તેમના કાર્યકાળમાં તેવો જણાવે છે કે મારી સફળતા સાથે મારા પરિવારજનોનો ખૂબ મોટો ફાળો છે. UPSCની તૈયારીના સમયે મારા માતા પિતા, અને સમૂહ પરિવારના અન્ય સભ્યોનો ખૂબ મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે, જે આજે નોકરી સમયે અહીંયા પણ મારા પતિ નાયબ કલેકટર પાર્થ કોટડીયા અને મારા પરિવારનો અદભુત સપોર્ટ સતત ને સતત રહે છે, જેના લીધે હું મારા પદ ને અને તેના સાથે મળેલી જવાબદારીઓ ને સારી રીતે ન્યાય કરી શકું છું. તો આ તબક્કે એટલું જરૂર કહીશ કે દરેક પરિવાર પોતાની દીકરીઓ વહુઓને યોગ્ય સપોર્ટ પૂરો પાડે તો એ માત્ર તમારી અપેક્ષાઓ પૂર્ણ નહિ કરે, પરંતુ તમારે માટે ગર્વ અને સન્માન પણ પૂરું પાડશે.જેમ મે પેહલા પણ કહ્યું એક સ્ત્રી માં નભ ને પહોંચવાની ક્ષમતા છે અને દરિયો ઓળગવાની પણ, બસ એને જરૂર હોય ત્યાં પાંખો આપણે પૂરી પાડવી પડશે. તો તે માટે ઘડતર થી માંડી રાષ્ટ્ર ગૌરવની ગરિમા દીપી ઉઠે છે,
-સફળતાના સાક્ષી-અધિકારી આસ્થા ડાંગર , બહેનો માટે આજે વિશેષરૂપે કહે છે કે……
આમ જોવા જઈએને તો સ્ત્રીઓ ને ઉજજવાનો કોઈ માત્ર એક જ દિવસ સિમિત ના જ હોય ને કારણ કે તેમની ધીરજ, તેમનો નિશ્ચય, તેમના બલિદાન અને તેમની પ્રેમ કરવાની ક્ષમતા અમર્યાદિત છે! અને એમના પ્રેમ, બલિદાન, ધીરજ, લાગણીઓ, સારસંભાળ ને જો એકાદ દિવસ પૂરતું જ માત્ર યાદ કરીએ તો એ એની સાથે અન્યાય છે! તેમના અસ્તિત્વની તો હર હંમેશ હર પળ ને માટે ઉજવણી થવી જોઈએ એક માતા તરીકે, એક બહેન તરીકે, એક પત્ની એક દીકરી તરીકે! તેને પ્રોત્સાહિત કરીને, તેમના અથાક પ્રયત્નો બદલ એને અભિનંદન આપીને અને આત્મવિશ્વાસથી ભરપુર કરીએ તેમજ સદાય તેમનુ ઋણ સ્વીકારીએ એ જ આજના દિવસની ઉજવણીનો સંકલ્પ હોવો જોઇએ જો કે આ તકે તેમણે ગૌરવભેર જણાવ્યુ કે શાસન પ્રસાશનમા બહેનોની હિસ્સેદારીએ ખરા અર્થમા સમાજમા આદર સાથે ક્રાંતિનો ઉદભવ કર્યો છે આ ઉદભવ અવિરત શિખરો સર કરે તેવા ભાવ સાથે દરેક બહેનોને હંમેશા આગળ ધપવાની અને પોતાની સુઝબુઝ દર્શાવવાની તક સાથે પ્રેરક બનવાની શુભકામનાઓ……તેમજ…..On this Women’s Day, I just want to say to all females, કે પોતાની જાતને ક્યારેય કોઈ સીમાઓથી બાંધતા નહિ. આભ થીએ ઊંચા અને દરિયાથી પણ ઊંડા જવાની ક્ષમતા એક મહિલા ધરાવે છે! અને એ ગગન વિહાર સમાન હોય છે એ અનુભૂતિનો આનંદ આહલાદક હોય છે.