મોદી સ્કુલને દંડ કરવા ગાંધીનગર પહોચી રજૂઆત..

જામનગરના જાગૃત નાગરિકે કરી અરજી 

મોદી સ્કુલને દંડ કરવા ગાંધીનગર પહોચી રજૂઆત..
પ્રતીકાત્મક તસ્વીર

Mysamachar.in:જામનગર:

જામનગર શહેરના લાલપુર બાયપાસ રોડ નજીક નામાંકિત મોદીસ્કુલ મંજુરી વિના જ છ માસથી ધમધમી રહી હતી, છતાં આંખે મોતિયોવાળા શિક્ષણવિભાગને આ શાળા સુજતી નહોતી, અને જેવો માયસમાચારમાં આ અંગેનો અહેવાલ પ્રસિદ્ધ થયો કે શિક્ષણવિભાગને “ના” ગમતા પણ કાર્યવાહી કરવાની ફરજ પડી છે, અને “મોદીસ્કુલ” પાસે મંજુરી ના હોય પહેલા મૌખિક અને બાદમાં લેખિત સૂચના આપીને શાળા બંધ કરાવી અને મંજુરી વિનાની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શાળાની અન્ય બ્રાંચમાં સ્થળાંતર કરવામાં આવ્યાનું જાણવા મળે છે,

એવામાં સરકારના શિક્ષણ વિભાગના નિયમો એવું જણાવે છે કે કોઈપણ શાળા જયારે મંજુરી વિના ચાલે તો પહેલીવાર એક લાખ અને બાદમાં જેટલા દિવસ મંજુરી વિના ચાલે તે તમામ દિવસના એક દિવસ લેખે ૧૦ હજાર દંડ વસુલ કરવાનો થાય છે, ત્યારે જામનગરની આ શાળાએ પણ મહિનાઓ સુધી શિક્ષણકાર્ય કોઈપણ જાતની મંજુરી વિના ચલાવ્યાનું સ્પષ્ટ થઇ ગયું છે, અને જામનગર શિક્ષણાધિકારી પણ આ સત્યથી વાકેફ છતાં શિક્ષણવિભાગને શાળાને દંડ કરવામાં શા માટે દાખલો પડે છે તે સમજાતું નથી, ખરેખર સરકારે બનાવેલા નિયમોને અધિકારીઓએ અનુસરવાના જ હોય છે, પણ આ કિસ્સામાં જામનગર શિક્ષણવિભાગનું “સકારણ” કુણું વલણ શંકા પ્રેરનારું છે, એવામાં જામનગરના એક જાગૃત નાગરિક દ્વારા પણ શાળા સામે એક દિવસના દસ હજાર લેખે દંડ કરવા અને તેમાં કોઈપ્રકારની બાંધછોડ ના કરવા શિક્ષણાધિકારી જામનગર અને શિક્ષણવિભાગ ગાંધીનગર ને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે, અને આ મામલે શિક્ષણાધિકારી કચેરી જામનગર સામે પણ તપાસની માંગ કરવામાં આવી છે.