જામનગર સંસદીય મતવિસ્તારને અછતગ્રસ્ત જાહેર કરવા સાંસદએ C.Mને કરી રજૂઆત

અનિયમિત અને અપૂરતો થયો છે વરસાદ

જામનગર સંસદીય મતવિસ્તારને અછતગ્રસ્ત જાહેર કરવા સાંસદએ C.Mને કરી રજૂઆત

mysamachar.in-જામનગર:

જામનગર-દ્વ્રારકાના સાંસદ પૂનમબેન માડમએ તેમના સંસદીય મતવિસ્તારને અછતગ્રસ્ત જાહેર કરવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીને ગત તા.૨૨ ના પ્રદેશ કારોબારી વખતે જરૂરી નિર્ણય લેવા રૂબરૂ ભારપૂર્વક ભલામણ સાથે માંગણી કરી છે તેમજ વિસ્તૃત વિગત સાથે પત્ર પાઠવીને પણ માંગણી કરી છે,

જામનગર જીલ્લામાં,દેવભૂમિ દ્વારકા જીલ્લામાં તેમજ ૧૨-જામનગર લોકસભાના સંસદીય મતવિસ્તાર હેઠળ આવતા મોરબી જીલ્લાના ૧૬ ગામોમાં આ વખતે ચોમાસામાં એક તો અનિયમિત વરસાદ થયો અને બીજી તરફ અપુરતો વરસાદ થયો હોય તેમજ તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની ખૂબ જ ખેંચ હોય આ સંજોગોમાં નહિવત વરસાદના કારણે પાક નિષ્ફળ જવાની ગંભીર ભીતી સેવાઇ રહી છે તદઉપરાંત પશુઓ માટે ઘાસચારો ન હોવાના કારણે ઘાસચારાની તંગી સર્જાયેલ છે અને ખેડૂતો-માલધારીઓને પશુધન સાચવવું મુશ્કેલ બની રહેલ છે ઓછા-નહિવત વરસાદના કારણે જમીનના પાણીના તળ ઊંડા ગયેલ હોય સ્થાનિક સ્ત્રોતમાં પાણી ન હોવાથી પીવાના પાણીની પણ તંગી સર્જાય તેમ છે,

ત્રણેય જીલ્લાઓના ગ્રામ્ય વિસ્તારોમાથી જનપ્રતિનિધિઓ,આગેવાનો,ગ્રામજનો તરફથી આવી પરિસ્થિતી અંગે રજૂઆતો પૂનમબેન માડમને મળતી હોય આ તમામ રજૂઆતોને ગંભીરતાથી લઈ સંસદસભ્ય પૂનમબેન માડમએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ રૂબરૂ અને પત્રથી રજૂઆત કરી જામનગર જીલ્લાને,દેવભૂમિ દ્વારકા જીલ્લાને તથા મોરબી જીલ્લાના ૧૬ ગામોને અછતગ્રસ્ત જાહેર કરવા અને તે અન્વયે પશુપાલકોને પશુઓ માટે ઘાસચારાની તેમજ પીવાના પાણી અંગે જરૂરી વ્યવસ્થા ગોઠવવા તેમજ અછતગ્રસ્ત વિસ્તાર માટે મળવાપાત્ર તમામ લાભો મળી રહે તે માટે જરૂરી નિર્ણય લેવા ભારપૂર્વક રજૂઆત કરી છે.