સતા-લાયકાત વિનાના હજારો TRB જવાનોને આખરે, ઘરે બેસાડી દેવાયા 

રાજયના પોલીસવડાના આ નિર્ણયને કારણે જામનગર સહિત રાજયભરમાં ચકચાર....

સતા-લાયકાત વિનાના હજારો TRB જવાનોને આખરે, ઘરે બેસાડી દેવાયા 
file image

Mysamachar.in-ગાંધીનગર:

રાજયના ગૃહ વિભાગ અને પોલીસવડા દ્વારા એક સરાહનીય નિર્ણય લેવામાં આવ્યો છે. સમગ્ર રાજયના TRB કર્મચારીઓને એક ચોક્કસ વ્યવસ્થા હેઠળ છૂટાં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને પરિણામે કોઈ પણ પ્રકારની સતા ન ધરાવતાં અને અયોગ્ય શારીરિક ક્ષમતા ધરાવતા હજારો TRB કર્મચારીઓને ઘરે બેસવાનો વારો આવ્યો છે. રાજયના પોલીસવડા વિકાસ સહાયની સહીથી 18મી નવેમ્બરે આ પત્ર જાહેર થયો છે જેની નકલો સૌ સંબંધિતોને મોકલવામાં આવી છે. આ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, રાજયમાં ટ્રાફિક નિયમનની વ્યવસ્થામાં આશરે 9,000 જેટલાં TRB કર્મચારીઓની માનદ સેવા લેવામાં આવે છે.  

આ TRB કર્મચારીઓ અંગે પત્રમાં જણાવાયું છે કે, એક જ વ્યક્તિ લાંબા સમય સુધી એક જ જગ્યાએ ટ્રાફિક બ્રિગેડમાં ફરજો બજાવે તે વહીવટી દ્રષ્ટિએ યોગ્ય અને ઈચ્છનીય નથી.  ટ્રાફિક બ્રિગેડના જે સભ્યોએ 10 વર્ષ પૂર્ણ કરેલાં છે તેઓને 30-11-2023 સુધીમાં ટ્રાફિક બ્રિગેડની કામગીરીઓમાંથી મુક્ત કરવાના રહેશે. જે સભ્યોએ પાંચ વર્ષ પૂર્ણ કરેલાં છે તેઓને 31-12 સુધીમાં છૂટા કરવાના રહેશે. જે સભ્યોએ ત્રણ વર્ષ પૂર્ણ કરેલાં છે તેઓને 31 માર્ચ સુધીમાં છૂટા કરવામાં આવશે.  

આ ઉપરાંત પત્રમાં જણાવાયું છે કે, મુક્ત કરવામાં આવેલા આ કર્મચારીઓની ફરીથી નિમણૂંક ન થાય તે જોવાનું રહેશે. આ ઉપરાંત મુક્ત કરવામાં આવેલાં કર્મચારીઓને સ્થાને ખાલી જગ્યાઓ ભરવા માટેની પ્રક્રિયા સમયમર્યાદામાં થાય તે પણ સૌ સંબંધિતોએ જોવાનું રહેશે. અત્રે ઉલ્લેખનિય છે કે, ટ્રાફિક પોલીસને મદદરૂપ થતાં આ કર્મચારીઓ પાસે કેસ કરવા સહિતની કોઈ પણ સતાઓ હોતી નથી. તેઓએ ટ્રાફિક નિયમનમાં માત્ર મદદ કરવાની હોય છે. હાલમાં આ 9,000 પૈકી 6,300 જેટલાં કર્મચારીઓને છૂટા કરવામાં આવશે. 

અમુક જિલ્લાઓમાં આ કર્મચારીઓને ટ્રાફિક વોર્ડન તરીકે પણ ઓળખવામાં આવે છે. રાજયમાં આ કર્મચારીઓની કામગીરીઓને કારણે અનેકવખત પ્રશ્નો પણ ઉભાં થતાં રહે છે. સરકાર હવે ટ્રાફિક બ્રિગેડના આ કર્મચારીઓની શારીરિક યોગ્યતા સંબંધે પણ ફેરવિચારણા કરશે એમ માનવામાં આવે છે. પોલીસમાં લોકરક્ષક દળ, SRP, જેલ સિપાહી અને વનવિભાગમાં બીટ ગાર્ડ જેવી જગ્યાઓ માટે અત્યાર સુધી અલગઅલગ પરીક્ષાઓ લેવામાં આવતી હતી, સરકાર વિચારણા કરી રહી છે કે, આ બધી જ પરીક્ષાઓ સમાન ધોરણે એક જ વખત લેવામાં આવે. 

CM લેવલેથી સૂચના આવ્યા બાદ, ગૃહ સચિવ અને મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ કક્ષાએ આ અંગે એક બેઠક યોજાઈ હતી. ત્યારબાદ, મુખ્યમંત્રીના અધ્યક્ષપદે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી અને સરકારના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે પણ આ મુદ્દે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે જો કે કોઈ જાહેરાત કરવામાં આવી નથી પરંતુ સૂત્રોના હવાલે કેટલીક બાબતો બહાર આવી છે. 

પોલીસ ભરતીમાં ઉમેદવારે સતત પાંચ કિલોમીટર દોડવાનું હોય છે. જયારે વનવિભાગની બીટ ગાર્ડની ભરતીમાં માત્ર દોઢ કિલોમીટર જ દોડવાનું હોય છે. આ પદ્ધતિમાં બદલાવ આવી શકે છે, બંને વિભાગો માટે એક જ સ્થળે એક જ પરીક્ષા લેવાનો વિકલ્પ આવી શકે છે. 

આ ઉપરાંત સરકારના સૂત્રો જણાવે છે કે, આ પ્રકારની વિવિધ ભરતી પ્રક્રિયાઓ દરમિયાન કેટલાંક કોચિંગ ક્લાસીસની ભૂમિકાઓ શંકાસ્પદ હોવાનું પણ બહાર આવ્યું છે. આ બાબત ટાળવા ભરતીની પ્રક્રિયા જ સરળ બનાવી નાંખવામાં આવશે જેથી ઉમેદવારોએ કલાસીસ પર નિર્ભર ન રહેવું પડે. આ ઉપરાંત વર્ગ-3ની કેટલીક નોન ટેકનિકલ સરકારી પરીક્ષાઓની ભરતીના લેખિત પરીક્ષાઓના માપદંડોમાં પણ ફેરફારની વિચારણાઓ ચાલી રહી છે, જેથી ઉમેદવારોએ કોચિંગ મેળવવા નાણાં ખર્ચવા ન પડે.