જોખમી ડ્રાઈવિંગ કરનારાઓ ચેતી જાય, 'પાસા' માં ફીટ કરી દેવામાં આવશે....

રાજયનો આ પ્રકારનો પ્રથમ કેસ, 27 વર્ષનો આરોપી 'પાસા' હેઠળ જેલમાં

જોખમી ડ્રાઈવિંગ કરનારાઓ ચેતી જાય, 'પાસા' માં ફીટ કરી દેવામાં આવશે....
Symbolice image

Mysamachar.in:સુરત

જોખમી, ઉતાવળિયું અને ધૂમ સ્ટાઈલ ડ્રાઈવિંગ ઘણાં લોકો માટે, ખાસ કરીને યુવાનોમાં એક પ્રકારનો શોખ હોય છે. ઘણાં યુવાનો આ પ્રકારનાં ક્રેઝને કારણે બેફામ રીતે વાહન ચલાવતાં હોય છે અને તેમાં નાનાંમોટાં અકસ્માતો પણ સર્જાતા હોય છે. પરંતુ હવે આ પ્રકારનું જોખમી ડ્રાઈવિંગ અકસ્માતનાં કેસમાં વાહનચાલકને મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે. આ પ્રકારનાં અકસ્માત સર્જનાર વાહનચાલકને 'પાસા' હેઠળ જેલમાં પણ મોકલી શકાય છે. રાજયનો આ પ્રકારનો પ્રથમ કેસ નોંધાઈ ચૂકયો છે.

સુરતમાં આવો પ્રથમ કેસ નોંધાયો છે. 27 વર્ષનાં એક કસૂરવાર વાહનચાલકને 'પાસા' હેઠળ અમદાવાદની સાબરમતી જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. આમ તો આ કેસ 3 વર્ષ જૂનો છે. જેમાં આરોપી વાહનચાલક વિરુદ્ધ હવે 'પાસા'ની કલમો હેઠળ પણ કામ ચલાવવામાં આવ્યું છે. આરોપીનું નામ સાજન પટેલ છે.

સાજન નામનાં આ શખ્સે 2020માં બેફામ ડ્રાઈવિંગ કરી એક અકસ્માત સર્જયો હતો. આ શખ્સે પોતાની કાર ધૂમ સ્ટાઈલથી BRTS ટ્રેક પર દોડાવી હતી. અને અકસ્માત સર્જી ત્રણ સ્કૂટરચાલકોને હડફેટમાં લઈ લીધાં હતાં. આ અકસ્માતમાં સુરતનાં કાપોદરા પોલીસ મથક હેઠળનાં એક વિસ્તારમાં કુલ 6 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. તપાસ દરમિયાન જાણકારી મળી હતી કે, અકસ્માત સમયે આ કારચાલક નશામાં હતો. જે પોતાનાં મિત્રને ત્યાંથી ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત બનેલો.

અકસ્માત બાદ આ શખ્સને લોકોએ ખૂબ જ મેથીપાક ચખાડયો હતો અને ત્યારબાદ અદાલતનાં આદેશથી તેને ન્યાયિક હીરાસતમાં રાખવામાં આવેલો. આ કસ્ટડી પૂર્ણ થતાં તેને પોલીસે અટક કર્યો. આ અકસ્માતની તપાસ દરમિયાન એ પણ જાહેર થયેલું કે, આ શખ્સ બેફામ ડ્રાઈવિંગ કરવા ટેવાયેલો છે. ભૂતકાળમાં પણ તેનાં વિરૂદ્ધ આ પ્રકારનાં કેસ સુરત તથા આણંદ ખાતે નોંધાયા હતાં. સુરત પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરએ આ શખ્સની વિરુદ્ધ 'પાસા' હેઠળ કાર્યવાહી કરી, આ શખ્સને અમદાવાદની સાબરમતી જેલમાં મોકલી આપ્યો છે.