'ભૂલ'થી ઝેરી દવા-ફિનાઈલ પી લેનારાઓ હવે ફાયદામાં.....

જિલ્લાકક્ષાના એક ગ્રાહક તકરાર નિવારણ ફોરમે ચુકાદામાં કહ્યું કે...

'ભૂલ'થી ઝેરી દવા-ફિનાઈલ પી લેનારાઓ હવે ફાયદામાં.....
symbolice image

Mysamachar.in-સુરત:

ભૂલથી ઝેરી દવા કે ફિનાઈલ પી લેનારાઓની સંખ્યા ઘણી છે  ! પોલીસ રેકર્ડને ધ્યાનમાં લેતાં જોઈ શકાય છે કે, આવા ભૂલકણાં લોકોની સંખ્યા ઘણી છે  ! જેમાં 20 વર્ષની યુવતી પણ હોય શકે અથવા કોઈ પણ વયના સ્ત્રી પુરુષોનો સમાવેશ થતો હોય શકે છે. આ આખો મામલો પોલીસ સાથે તો સંકળાયેલો છે જ, ઘણાં કેસમાં વીમા કંપનીઓ પણ આમાં સંકળાયેલી હોય શકે છે. ઘણાં આવા કેસમાં વીમા કંપનીઓ કહેતી હોય છે કે, આ આપઘાત પ્રયાસનો મામલો છે. અકસ્માત નથી. કલેઈમ પાસ ન કરી શકાય.

પરંતુ તાજેતરમાં સુરત ગ્રાહક તકરાર નિવારણ ફોરમ સમક્ષ એક કેસ આવ્યો. આ કેસમાં ફોરમે આપેલો ચુકાદો પીડિતની ફેવરમાં છે. વીમા કંપનીએ કલેઈમની રકમ ચૂકવવી એવો આદેશ થયો છે.  આ કેસમાં ફરિયાદી દંપતિ રૂપિયા પાંચ લાખની some assured વીમાપોલીસી ધરાવતું હતું. તે દરમિયાન ફરિયાદી લક્ષ્મીબહેને 2018ના જૂનમાં પોતાની બિમારી સમયે, રોજિંદી દવાને બદલે બાજુમાં પડેલી અન્ય શીશીમાંથી ઝેરી દવા ભૂલથી પી ગયા હતાં  ! (રોજિંદી દવાઓ સાથે ઝેરી પ્રવાહી રાખવાનું હોય  ?!) બાદમાં તેઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવેલી.

બાદમાં આ દંપતિએ કુલ રૂપિયા 1.89 લાખનો વીમાની રકમનો દાવો સારવાર ખર્ચ પેટે કર્યો હતો. વીમા કંપનીએ કહ્યું: આ આપઘાતનો પ્રયાસ છે. વીમાના દાવામાં શરતભંગ છે. કંપનીએ દાવો નકારી કાઢયો. બાદમાં આ મામલો તકરાર નિવારણ ફોરમમાં દાખલ થયો. દંપતિના વકીલે દલીલો કરી કે, ઝેરી દવા ભૂલથી પિવાઈ હતી. સારવાર કરનાર તબીબે પણ આ વાતને સમર્થન આપ્યું છે. વીમા કંપનીએ તપાસ કર્યા વગર અનુમાનના આધારે દાવો નકારી કાઢયો છે. ફોરમે આ દંપતિને દાવાની રકમ વ્યાજ સહિત ચૂકવવા તથા હાલાકી અને અરજી ખર્ચ પણ ચૂકવવા વીમા કંપનીને હુકમ કર્યો.