ખંભાળિયામાં ભારે વરસાદે શું કર્યું નુકશાન.? આ સાથે જ દ્વારકા જીલ્લાની તમામ અપડેટ આ રહી

ક્યાં કેટલો વરસાદ ક્યાં ડેમમાં કેટલું પાણી આવ્યું..?

ખંભાળિયામાં ભારે વરસાદે શું કર્યું નુકશાન.? આ સાથે જ દ્વારકા જીલ્લાની તમામ અપડેટ આ રહી
તસ્વીર:કુંજન રાડિયા

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે રવિવારે મેઘરાજાએ મનમુકીને વરસવાની સાથે તેમનું રૌદ્ર સ્વરૂપ પણ દેખાડ્યું હતું. આ સાથે ખંભાળિયા પંથકમાં સાંબેલાધારે સાંજે બે કલાકમાં બાર ઈંચ સહિત 24 ઈંચ જેટલો વરસાદ વરસાવી દેતા અનેક સ્થળોએ ખાના-ખરાબીના દ્રશ્યો જોવા મળ્યા હતા. ખંભાળિયા શહેર તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ત્રાટકેલા આ મુશળધાર વરસાદે વ્યાપક ખાનાખરાબી સર્જી દીધી હતી. ગાજવીજ અને પવન સાથે વરસેલા વરસાદથી લોકોમાં ભયનું મોજુ પ્રસરી ગયું હતું. ખંભાળિયા તાલુકામાં ગઈકાલે રવિવારે સવારથી ઘટાટોપ વરસાદી વાતાવરણ વચ્ચે સવારે ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. આટલું જ નહીં, ગઈકાલે સાંજે વંટોળિયા જેવા પવન તથા ગાજવીજ સાથે ત્રાટકેલા બે કલાકમાં બાર ઈંચ વરસાદથી ઠેર-ઠેર પુરના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અનેક લોકોની ઘરવખરી ડૂબી ગઈ હતી.

ખંભાળિયાના પોશ વિસ્તાર એવા રામનાથ સોસાયટી તથા નજીકના નારાયણનગર વિસ્તારમાં ગોઠણડૂબ પાણી ભરાયા હતા. જેના પગલે નારાયણનગરના એક વિસ્તારમાં કમરબુડ પાણીથી ત્રણ મોટરકાર ડૂબી ગઈ હતી. એટલું જ નહીં, આ વિસ્તારના કેટલાક નિચાણવાળા ભાગોમાં પણ પાણી ભરાઈ ગયા હતા. આજ રીતે શક્તિનગર તથા બંગલાવાડી વિસ્તાર તથા ગોવિંદ તળાવના નીચાણવાળા વિસ્તારોમાં ઉપરવાસથી વિપુલ પ્રમાણમાં પાણી આવતા આશરે 50 જેટલા ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. આ જ રીતે યોગેશ્વરનગર વિસ્તારમાં પણ અને ઘરોમાં પાણી ભરાઈ જતા આ વિસ્તારના રહીશો ભારે હાલાકીમાં મુકાઈ ગયા હતા.

ખંભાળિયા પંથકમાં ગઇકાલે સવારથી શરૂ થયેલા વરસાદ મોડી રાત્રી સુધી અવિરત રીતે વરસ્યો હતો બપોરે તથા રાત્રીના સમયે થોડો થોડીવાર મેઘરાજાએ પોરો ખાધા બાદ આજે સવારથી વરસાદી વિરામ રહ્યો હતો.જો કે ઘટાડો વરસાદી વાતાવરણ હજુ પણ યથાવત છે. ભારે વરસાદના પગલે ખંભાળિયામાં આશરે બે ડઝન જેટલા જવાનોની એનડીઆરએફની ટુકડી પણ બોલાવવામાં આવી છે.ખંભાળિયા તાલુકામાં ગઈકાલે સવારથી શરૂ થયેલા આ વરસાદે આજે સવારે દસ વાગ્યા સુધીમાં 24 ઇંચ પાણી વરસાવી દીધું હતું આ સાથે મોસમનો કુલ વરસાદ 778 મીમી નોંધાયો છે.

-ખંભાળિયાના નારાયણ નગર વિસ્તારમાં તળાવ ભરાયું: ત્રણ મોટરકાર ડૂબી

ખંભાળિયાના પોશ વિસ્તાર એવા રામનાથ સોસાયટી નજીક આવેલા નારાયણનગર ખાતે ગઈકાલના ભારે વરસાદના કારણે વ્યાપક પાણી ભરાયા હતા. આ વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્ષ વિસ્તારમાં તળાવ જેવી પરિસ્થિતિ સર્જાતા આ વિસ્તારમાં પાર્ક કરીને રાખવામાં આવેલી ત્રણ મોટર કાર ડૂબી ગઇ હતી. આ ઉપરાંત આ વિસ્તારમાં નાની-મોટી નુકશાની થયાનું પણ જાણવા મળેલ છે.

-ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ: ઘી ડેમ તથા સિંહણ ડેમમાં છ- છ ફુટ નવું પાણી આવ્યું

ખંભાળિયા શહેર તથા તાલુકામાં ગઈકાલે શરૂ થયેલો આ વરસાદ સાર્વત્રિક અને મૂશળધાર વરસ્યો છે. આ ભારે વરસાદના પગલે ખંભાળિયા શહેરને પાણી પૂરું પાડતા ઘી ડેમમાં છ ફૂટ નવું પાણી આવતા ઘી ડેમની સપાટી 16 ફુટ સુધી પહોંચી છે  આ ઉપરાંત ખંભાળીયા જામનગર માર્ગ પર આવેલા મહત્વના એવા સિંહણ ડેમમાં પણ વધુ છ ફૂટ પાણી આવી જતા ડેમની સપાટી પણ 15 ફૂટ સુધી પહોંચી છે. આ વરસાદ સરકારી ચોપડે ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે 47 મીમી, વચલા બારા ગામે 50 મિલીમીટર , બજાણા ગામે 42 મીમી,  અને ભીંડા ગામે 150 મિલીમીટર જ્યારે દ્વારકાના ઓખામંડળમાં 20 મીમી તથા ભાણવડ તાલુકાના વેરાડ ગામે 80, પાછતર150 મીમી,  મોડપર ગામે 120 મીમી, મોરઝર 70 મીમી, ગુંદા ગામે 90 મીમી, ઉપરાંત કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે 275, લાંબા ગામે 310, રાણ ગામે 196, દેવળીયા ગામે 220, ગઢકા ગામે 212, ભોગાત ગામે 377 અને મોટા આસોટા ગામે 275 મીલીમીટર નોંધાયો છે સાર્વત્રિક વરસાદના પગલે ખંભાળિયા શહેર, તાલુકા ઉપરાંત જિલ્લાના મોટાભાગના જળાશયો તરબતર બન્યા છે. અને પીવાના પાણીનો પ્રશ્ન હલ થઈ ગયો છે.

-ખંભાળિયાના દાતા ગામે પુલના જોડાણ પાસે ભંગાણ: પુર જેવી પરિસ્થિતિ સર્જાઈ.

ખંભાળિયા જામનગર હાઈવે પાર આવેલા દાતા ગામે ગઈકાલે આશરે પંદર ઈંચ સુધીનો વરસાદ વરસ્યાં ગ્રામજનો દ્વારા જાણવા મળેલ છે આ ભારે વરસાદના કારણે દાતા ગામ પાસે નેશનલ હાઈવેને જોડતો પુલ ગત વર્ષે બનાવવામાં આવ્યું છે આ પંથકમાં ગઇકાલના અતિભારે વરસાદના કારણે ફૂલ અને રસ્તાને જોડતા જોડાણમાં બંગાળ સર્જાતા મોટું બાકોરું પડી ગયું હતું અને આને કારણે થોડો સમય વાહન વ્યવહાર પણ અટકી ગયો હતો જોકે હાલ કામચલાઉ રીતે વ્યવહાર પૂર્વવત કરાયો છે. આ પરિસ્થિતિ વચ્ચે ગઈકાલે નવા બનેલા નાના પુલના કારણે અગાઉ કદી ન બન્યું ગામમાં પાણી ઘુસી ગયા હતા અને અનેક ઘરોમાં પાણી ભરાઈ જતા ઘરવખરી તણાઈ ગઈ હતી. આટલું જ નહીં, કેટલાક આસામીઓના બકરા પણ પાણીમાં તણાઈ ગયા હોવાનું સ્થાનિકો દ્વારા જાણવા મળેલ છે.આમ, દાતા ગામે અતિવૃષ્ટિ જેવા વરસાદના કારણે વ્યાપક નુકશાની પણ થવા પામી છે.ખંભાળિયામાં સુખનાથ મંદિર પાસે પુલમાં વ્યાપક નુકશાની*

- નવી બનેલી રેલિંગ તથા પુલ પરનો સી.સી. રોડ ધોવાયો..!! -

ખંભાળિયામાં સલાયા ગેઈટ વિસ્તારમાં આવેલા સુખનાથ મહાદેવના મંદિર પાસે નદી પરના પુલમાં તાજેતરમાં જ પાલિકા તંત્ર દ્વારા જરૂરી સમારકામ હાથ ધરાયું હતું. તે ગઈકાલના આ વરસાદમાં સંપૂર્ણપણે ધોવાઈ ગયું હતું. સુખનાથ મહાદેવ મંદિરની બાજુમાં આવેલા પુલ પરથી ગઈકાલે ભયાવહ પાણી વહેતા આ વિસ્તારમાં આ પુલ પર બનાવવામાં આવેલી સિમેન્ટ કોંક્રિટ ની રેલીંગ પાણીમાં વહી, નદીમાં પહોંચી ગઈ હતી. આટલું જ નહીં, વજનદાર મનાતા સી.સી.રોડ પણ જડમૂળથી નીકળીને નદીના પાણીમાં ખાબક્યા હતા. આના અનુસંધાને આ પુલ પરનો વાહન વ્યવહાર બંધ થઇ ગયો હતો. નવાઈની બાબત તો એ છે કે આશરે છએક માસ પૂર્વે બનેલા સી.સી.રોડ તથા સિમેન્ટ કોન્ક્રીટની દિવાલ જાણે પ્લાસ્ટીકની જેમ પાણી વહી જતા કામગીરી સામે આ વિસ્તારના રહીશોમાં પ્રશ્નાર્થ વ્યાપ્યો છે.

-ખંભાળિયા ની મહાપ્રભુજી બેઠક પાસેથી ઘોડાપૂર વહ્યા: દિવાલ ધરાશાયી

ખંભાળિયા શહેર તથા આજુબાજુના વિસ્તારોમાં ગઈકાલે વરસેલા મુશળધાર વરસાદના કારણે અહીંના ધરમપુર વિસ્તારમાંથી વ્યાપક પ્રમાણમાં જળરાશિ વહેતા ખંભાળિયાના પાદરમાં આવેલી પ્રાચીન અને સુવિખ્યાત શ્રી મહાપ્રભુજીની બેઠકમાં વિપુલ પ્રમાણમાં પાણી ઘૂસી ગયા હતા. સાંજે બેઠકજીમાં ચારથી પાંચ ફૂટ જેટલું પાણી ભરાઈ આવતા આ સ્થળે ભારે કફોડી હાલત થઈ હતી. આટલું જ નહીં, નદીના વહેણમાં અને નિર્માણાધિન પુલ પાસેથી ગ્રામ્ય વિસ્તારોના ઝાડી-ઝાંખરા બેઠકમાં તણાઈ આવ્યા હતા. આ ભયાવહ પુર ના કારણે નજીક આવેલા પુલની રેલિંગ તૂટી ગઈ હતી અને આ વિસ્તારના એક આસામીની દિવાલ પણ ધરાશાયી થઈ ગઈ હતી. આ ઉપરાંત ઘરમાં પણ નુકશાની થવા પામી હતી. ગત સાંજે આ વિસ્તારમાં જાણે ઘૂઘવતો દરિયો વહેતો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. બેઠકમાં પાણી તથા કીચડના કારણે આજરોજ ભાવિકો માટે દર્શન બંધ રાખવામાં આવ્યા હતા. જોકે આ વિસ્તારમાં ભયાવહ પુરના પાણી રાત્રે ઓસરી જતા પરિસ્થિતિ કાબૂમાં આવી ગઈ હતી. છેલ્લા કેટલાક વર્ષોથી ચોમાસામાં સર્જાતી આ કફોડી હાલત આગળના વિસ્તારોમાં નદીના વહેણમાંને બંધ કરતા થયેલા દબાણોને જવાબદાર ગણવામાં આવે છે.

-ખંભાળિયામાં ભારે વરસાદના કારણે નગરપાલિકાના નવા નકોર ટ્રેક્ટર પર વૃક્ષ ખાબક્યું

ખંભાળિયા શહેરમાં ગઈકાલે સાંબેલાધારે વરસાદ વરસતા અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થવાના બનાવો બન્યા હતા. શહેરની મધ્યમાં આવેલા મ્યુનિસિપલ ગાર્ડનમાં રાખવામાં આવેલા ખંભાળિયા નગરપાલિકાના એક નવા નકોર ટ્રેક્ટર પર તોતિંગ વૃક્ષ ધરાશાયી થતા ટ્રેક્ટરના આગલા ભાગને વ્યાપક નુકશાની થવા પામી હતી.