એક એવું હનુમાનજી મંદિર નિર્માણ થવા જઈ રહ્યું છે જ્યાં માત્ર રોટલી અને રોટલાનો ચઢશે પ્રસાદ

શ્રદ્ધા સાથે જીવદયાનું પણ કેન્દ્ર આ મંદિર બનશે

એક એવું હનુમાનજી મંદિર નિર્માણ થવા જઈ રહ્યું છે જ્યાં માત્ર રોટલી અને રોટલાનો ચઢશે પ્રસાદ

My samachar.in:પાટણ

પાટણ ખાતે એક અનોખા મંદિરનું નિર્માણ થવા થઇ રહ્યું છે. જેના કારણે શ્રદ્ધા સાથે જીવદયાનું પણ કેન્દ્ર આ મંદિર બનશે, પાટણ શહેરની સેવાભાવી સંસ્થા સિદ્ધહેમ સેવા ટ્રસ્ટ દ્વારા શહેરનાં હાંસાપુર લીંક રોડ પર અશોક વાટીકામાં રોટલીયા હનુમાનજી દાદાનાં ભવ્ય મંદિર નિર્માણનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. રોટલીયા હનુમાનજી મંદિર નિર્માણનો મુખ્ય ઉદ્દેશ મુંગા જીવોની આંતરડી ઠારવાનો છે અને એ માટે જ આ મંદિરે ભક્તજનો દર્શને આવે ત્યારે દાદાને પ્રસાદ તરીકે માત્ર રોટલા કે રોટલી જ ચઢાવી શકાશે. પ્રસાદ રૂપે એક્ઠા થયેલા રોટલા-રોટલી સાંજે જિલ્લાની વિવિધ સીમ વિસ્તાર કુતરા, વાંદરા સહિત મુંગા પશુ-પક્ષીઓને ભોજનરૂપે અર્પણ કરવામાં આવશે. આવા અનોખા ઉદ્દેશ સાથે નિર્માણ પામતું રોટલિયા હનુમાનજી મંદિર સંભવત ભારતભરમાં આ પ્રકારનું પ્રથમ મંદિર હશે....

અહી  મંદિરની સાથે સાથે સુવિધાસભર સંકુલ પણ આકાર પામી રહયું છે. જેમાં પક્ષીઘર અને મુંગા જીવોની સેવાર્થે સેવા સ્થળ પણ વિકસાવવામાં આવી રહ્યું છે. સિદ્ધહેમ સેવા ટ્રસ્ટ દ્વારા એક અનોખા ઉદ્દેશ સાથે સાડા આઠ ફૂટની હનુમાનજીની પ્રતિમા સાથે રોટલીયા હનુમાનની મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે. આ મંદિર સાથે જોડાયેલ ટ્રસ્ટ વિવિધ સમાજ ઉપયોગી સેવાઓના વિવિધ કાર્યો પણ કરે છે જે સરાહનીય છે,આ અંગે જાણવા મળે છે કે રોટલીયા હનુમાન મંદિર એ શ્રદ્ધા સાથે જીવદયાનું પણ કેન્દ્ર બને એ હેતુથી જગતમાં પ્રથમ એવા આ મંદિરનું નિમાર્ણ કરાયું છે. અહીં માત્ર પ્રસાદ તરીકે જ નહીં, પરંતુ બાધા આખડી રૂપે પણ માત્ર રોટલા કે રોટલી જ ધરાવીને મુંગા જીવોની સેવા કરી શકાય તેવો અમારો ઉદ્દેશ છે...

આગામી 10 એપ્રલિથી 16 એપ્રિલ સુધી એટલે કે રામનવમીથી હનુમાન જયંતિ સુધી રોટલીયા હનુમાન મંદિરનો પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિભાવ પૂર્ણ માહોલમાં યોજાશે. આ મંદિરે દાદાને શ્રીફળ, પેંડા, લાડુ કે અન્ય કોઈ પ્રસાદ ન ચઢાવીને પ્રસાદ તરીકે માત્ર રોટલા કે રોટલી જ ધરાવીને મુંગા જીવોની આંતરડી ઠારવા એક અનોખી પહેલ કરી છે ત્યારે શહેરીજનો પણ આ પહેલને આવકારવા ઉત્સાહિ છે.રોટલીના રૂમના ધાબા ઉપર ખુલ્લામાં હનુમાન દાદાની મૂર્તિ સ્થાપિત કરવા માટે સ્પેશ્યલ અંબાજી ખાતેના કલાકારો પાસે એક જ પથ્થર માંથી 8.5 ફૂટની ઊંચી મૂર્તિ બનાવવામાં આવી છે.જે 16 એપ્રિલે સ્થાપિત કરાશે જેનું નિર્માણકાર્ય આખરી તબક્કામાં છે.