જામનગરનાં આ નિવૃત અધિકારી પાસે  રૂ.3,000 કરોડની મિલ્કતો.!?

આ પ્રકરણમાં લાંચ રૂશવત વિરોધી શાખાએ વર્ષો સુધી કાંઇ જ ન કર્યું!!

જામનગરનાં આ નિવૃત અધિકારી પાસે  રૂ.3,000 કરોડની મિલ્કતો.!?

Mysamachar.in:ગોધરા

તેનું નામ ચુનીલાલ. જામનગરમાં તેઓ નાયબ કાર્યપાલક ઇજનેર હતાં અને નિવૃત થયા. ચુનીલાલ પાસે એક જ શહેરમાં અંદાજે 400 મિલ્કત હોવાનું કહેવાય છે ! જો કે ફરિયાદ બાદ પણ માત્ર 10-12 મિલ્કતની જ તપાસ થઈ હોવાનું બહાર આવ્યું છે. સંજય માધવાચાર્ય નામના એક RTI કાર્યકરને કારણે ચુનીલાલની કુંડળી જાહેર થઇ છે. ખૂબીની વાત એ પણ છે કે, આખા ગુજરાતમાં ગાજી રહેલાં ગાંધીનગરનાં પૂર્વ કલેક્ટર એસ.કે. લાંગા પણ આ કેસ સાથે સંકળાયેલા છે ! અને એથી પણ મોટી ખૂબીની વાત એ છે કે, વર્ષો સુધી ACB એ આ ચુનીલાલ કેસમાં કાંઇ જ કર્યું નથી.

આજથી અઢી વર્ષ અગાઉ વિરાજગીરી જયંતિગીરી ગોસ્વામીએ સ્પેશિયલ એસીબી કોર્ટ એટલે કે પંચમહાલ એડિશનલ સેશન્સ જજની કોર્ટમાં ફરિયાદ દાખલ કરતાં આ પ્રકરણ બહાર આવેલું. ચુનીલાલ નામના આ અધિકારી ગોધરાનાં વતની છે. નિવૃત થયા ત્યારે તેઓ જામનગર જિલ્લા પંચાયત ખાતે નોકરી કરતાં હતાં.આ અંગે જામનગરના કિશોર નથવાણીએ પણ ફરિયાદ અરજીઓ ઉચ્ચકક્ષાએ કરી હતી.

ચુનીલાલ પર એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેણે કુલ રૂ.2,000 કરોડની આસપાસનાં કૌભાંડ કર્યા છે. ફરિયાદમાં ઉલ્લેખ છે કે, આ અધિકારીએ પોતાની સંપત્તિ સરકારમાં જાહેર નથી કરી. ચુનીલાલ ખેડૂત ન હોવા છતાં પોતે ખેડૂત છે એવું રેકર્ડ ઉભું કરી તેણે ખેતીની જમીનો પણ ખરીદી છે. જેતે સમયે આ ફરિયાદમાં અરજદાર પોલીસ વિભાગમાં અને સ્થાનિક અદાલત કક્ષાએ નિરાશ થયા અને આખરે હાઈકોર્ટમાં ફરિયાદ દાખલ કરી. જેમાં તેણે સ્થાનિક કોર્ટ, પોલીસ અધિકારી તથા ગુજરાત સરકારને પણ પ્રતિપક્ષ તરીકે જોડયા. હાઇકોર્ટ દ્વારા સામાવાળાઓને નોટિસ પાઠવવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, ચુનીલાલનાં પત્ની સહિતનાં ચુનીલાલ સાથે સંકળાયેલા કેટલાંક લોકો વિવાદાસ્પદ પૂર્વ અધિકારી એસ.કે. લાંગાની કૃપાથી ખેડૂત બન્યા છે, એવું તાજેતરમાં જાહેર થયું છે. હવે ફરી ચુનીલાલ ધારાસિયાણી વિરુદ્ધ તપાસ થશે. અગાઉ તપાસનું ફીંડલું વાળી દેવામાં આવ્યું હતું. ફરિયાદીએ અરજીમાં જણાવ્યું છે કે, તેણે ચુનીલાલ તથા તેની સાથે સંકળાયેલા લોકોની રૂ.600 કરોડની સંપત્તિની તપાસ માંગી હતી પરંતુ એસીબીએ જેતે સમયે ચુનીલાલની માત્ર રૂ.5.50 કરોડની જ સંપત્તિની તપાસ કરી, રિપોર્ટ નીલ આપી દીધો હતો. ફરિયાદીનાં જણાવ્યા અનુસાર ચુનીલાલની તથા તેની સાથે સંકળાયેલા લોકોની સંપત્તિની બજારકિંમત આશરે રૂ.3,000 કરોડ થવા જાય છે. જો કે આ માત્ર ફરિયાદીની અરજીનો આક્ષેપ છે. જેમાં સત્ય શું તે તટસ્થ તપાસના અંતે જ સાબિત થઇ શકે.