ખેડૂતોને દેવામાફીનું વચન જામનગર લોકસભા બેઠક પર કોંગ્રેસનું જીતનું કારણ બની શકે છે.

કોંગ્રેસ આવે છે,ભાજપ હારે છે,જનતા જીતે છે

ખેડૂતોને દેવામાફીનું વચન જામનગર લોકસભા બેઠક પર કોંગ્રેસનું જીતનું કારણ બની શકે છે.

Mysamachar.in-જામનગર-દેવભૂમિ દ્વારકા:

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લોકસભાની ચૂંટણી રાજકીય રંગ પકડતી જાય છે,ત્યારે રાજકીય પક્ષ પ્રચાર-પ્રસાર કરવામાં ખૂબ જ મહેનત કરીને મતદારોને રીજવવા માટે અનેક કાવાદાવા વચ્ચે જોર લગાડી રહ્યા છે.તેવામાં ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી હોય ગ્રામીણક્ષેત્ર ઉપરાંત શહેરી વિસ્તારમાં કોંગ્રેસનું ચિત્ર સુધરી રહ્યું છે અને કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઇ કંડોરીયા જનસમર્થન મેળવવામાં ભાજપના ઉમેદવાર કરતા આગળ નીકળી ગયા છે,

કેમ કે સામાન્ય મધ્યમવર્ગની મહિલાથી માંડીને રિક્ષાવાળા,વેપારીઓ,ગૃહિણીને કોંગ્રેસના ઘોષણાપત્રમાં શિક્ષણક્ષેત્રે, જીએસટી, મહિલાઓને ૩૩ ટકા અનામત આપવાની બાબતો, ખાદ્યસુરક્ષા કાયદાની વાતો પસંદ પડી છે અને યુવાનોને મોબાઈલ ક્રાંતિ,ઇન્ટરનેટ ક્રાંતિ,રોજગારીની વગેરે બાબતોની ભારે અસર જોવા મળી છે,

કોંગ્રેસની જુદી-જુદી ટીમો સતત પ્રવાસ કરીને ગામે-ગામ લોકસંપર્કમાં કોંગ્રેસની ફેવરમાં જનમત ઉભો કરવા માટે એડીચોટીનું જોર લગાડતા સફળતાને નજીકથી જોવાઈ રહી છે, જામનગર ગ્રામ્ય વિસ્તારના પ્રવાસ બાદ મુળુભાઇ કંડોરીયા ગુરૂવારે ફરીથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચોખંડા, સણખલા, ગુંદા,કાટકોલા,પીપરટોડા વગેરે ગામોની મુલાકાત લઈને લોકસંપર્ક કરીને પ્રચાર અભિયાન તેજ કર્યું હતું અને જ્યાં નજર કરો ત્યાં લોકોના ટોળા મુળુભાઇના સમર્થનમાં ઉતરી પડ્યા હોય તેવી તસ્વીરો સામે આવી છે,ત્યારબાદ ભણગોર ખાતે જંગી જાહેર સભામાં સ્થાનિકો,આગેવાનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને મુળુભાઇ કંડોરીયાની જંગી જાહેર સભા વધુ એક વાર સફળ રહી હતી, આ સભામાં મંચ પર ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, જામજોધપુરના ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયા, જામનગર જિલ્લા પંચાયતના સદસ્ય નાથાભાઈ ગાગલીયા, હરદાસભાઈ ખવા સહિતના કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહીને ભાજપ સરકારની નિષ્ફળતા સામે આ વખતે જવાબ આપવાનો સમય આવી ગયો છે અને જંગી મતદાન કરીને ભાજપના સુપડા સાફ કરવા માટે જન મેદનીને આહ્વાન કર્યું હતું અને લોકોમાં ઉઠતો રોષ ભાજપને જાકારાની નિશાની સમાન છે,દેવભૂમિ દ્વારકા જિલ્લાનો પ્રવાસ પૂર્ણ કરીને બપોરના મુળુભાઇ કંડોરીયાએ જામનગર જિલ્લાનો પ્રવાસ હાથ ધરીને જામનગર ગ્રામ્ય વિસ્તારમાં આવતા ફલ્લા ગામે કોંગ્રેસના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું કાર્યકરો અને વિશાળ જનમેદનીની હાજરીમાં ઉદઘાટન કરીને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું અને લોકસંપર્ક દરમ્યાન મુળુભાઇ કંડોરીયાએ કાર્યકરો સાથે બેઠક યોજી હતી,

ફલ્લા કાર્યાલયના ઉદ્ઘાટન બાદ ધ્રોલ ખાતે ગાંધીચોકમાં મુળુભાઇ કંડોરીયાની જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઇ કંડોરીયાએ ભાજપ સરકારની નિષ્ફળતા સામે સવાલો ઉઠાવી જણાવ્યુ હતું કે GSTના કારણે વેપાર-ધંધા ભાંગી પડ્યા છે અને ખેડૂતોના ખેતઓજારો પર પણ GST નાખવામાં આવ્યો છે, તે સહિતના મુદ્દે ભાજપ પર પ્રહારો કર્યા હતા.તેમજ ધ્રોલ તાલુકો અછતગ્રસ્ત હોવા છતા પશુઓના ઘાસચારાની કે પાણીની કોઈ વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી નથી તેવો આક્ષેપ કરીને પાકવીમા, ખેત પેદાશોના ભાવ ન મળતા હોવાથી ખેડૂતોની હાલત ખરાબ છે,ત્યારે તમારો મત કિંમતી છે તેને વેડફશો નહીં, તેવી ટકોર કરીને મુળુભાઇએ અંતે જણાવ્યુ હતું કે સાંસદ તરીકે ચૂંટાયા બાદ ધ્રોલને મોર્ડન સીટી જેવુ પણ બનાવવાની ખાતરી આપી હતી,જ્યારે ધારાસભ્ય પ્રવીણભાઈ મૂછડીયા,પ્રદ્યુમનસિંહ જાડેજા, નગરપાલિકાના સદસ્ય કલ્પેશ હડીયલ,સહકારી આગેવાન રઘુભાઈ મુંગરા વગેરે સભામાં સંબોધન કરીને વિવિધ મુદ્દાઓ સાથે ભાજપ પર બેરોજગારી,ખેડૂતોના પ્રશ્ને પ્રહારો કર્યા હતા અને ૨૦૧૪માં આપેલા વચનો ભુલાવીને પ્રજાનું ધ્યાન ભટકાવવા માટે અન્ય મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરીને ભાજપ પ્રજાને ગુમરાહ કરી રહી છે,

ત્યારે કોંગ્રેસ આ વખતે તમામ વર્ગને સાથે રાખીને પ્રજાલક્ષી સરકાર બનાવવા કટીબદ્ધ છે,ત્યારે પરીવર્તન લાવીને કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઇ કંડોરીયાને જંગી લીડ સાથે વિજય બનાવવા અપીલ કરી હતી,આ જાહેરસભામાં ધ્રોલ શહેર કોંગ્રેસ પ્રમુખ વિરમભાઈ વરૂ, મહામંત્રી રજનીભાઈ ટંકારીયા,વોર્ડ નં.૧ના કારાભાઈ વરૂ,વસંતભાઈ વાઘેલા,જામનગર ડી.કો.બેન્કના પૂર્વ ચેરમેન ગોવિંદભાઈ અમૃતિયા, મૂળરાજસિંહ જાડેજા,તાલુકા કોંગ્રેસના અગ્રણી હિતેષભાઈ કાસુંદ્રા,જીજુભા જાડેજા, ખીમજીભાઈ કગથરા, રાજભા ઝાલા સહિતના કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

કોંગ્રેસનો ખેડૂતોની દેવામાફીનો મુદ્દો જામનગર લોકસભાની બેઠકમાં કરાવશે ફાયદો..

૨૦૧૭માં ગુજરાતમાં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો દેખાવ નબળો રહેતા ૯૯ બેઠકથી સંતોષ માનવો પડયો હતો, તેની સામે કોંગ્રેસે વિધાનસભામાં વધુ બેઠક મેળવીને સારો દેખાવ કર્યો હતો. જેમાં ગ્રામીણ ક્ષેત્રમાં ભાજપના સુપડા સાફ થઈ જતા સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની મળીને કુલ સાત બેઠકોમાંથી કોંગ્રેસને કાલાવડ,જામજોધપુર,જામનગર ગ્રામ્ય અને ખંભાળિયા બેઠક પર કબજો કર્યો હતો. વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો ખેડૂતોના દેવા માફીનો મુદ્દો ખૂબ ગાજ્યો હતો,જેના કારણે કોંગ્રેસને સફળતા મળી હતી,પરંતુ ગુજરાતમાં સત્તામાં આવી ન શકી જેની સામે મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં કોંગ્રેસ સત્તા પર આવતા તાબડતોબ ખેડુતોના દેવા માફ કરવામાં આવ્યા છે,

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી આવી પડતા ફરીથી ખેડૂતોને દેવામાફી મામલે કોંગ્રેસે તત્પરતા દેખાડી છે અને ખાસ કરીને જામનગર જિલ્લામાં આ વખતે અનિયમિત અને અપૂરતો વરસાદ હોય જામનગર જિલ્લાના ધ્રોલ અને જોડિયા દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા અને કલ્યાણપુર તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવેલ છે અને ખેડૂતોની પરિસ્થિતિ હાલ તો દયનીય હોય આર્થિક સંકડામણના કારણે ખેડૂતોને આપઘાત તરફ દોરી જવાના કિસ્સા વારંવાર સામે આવી રહ્યા છે,ત્યારે જામનગર લોકસભાની બેઠક પર ખેડૂતોના દેવામાફીની કોંગ્રેસે કરેલ વાતની ખેડૂતોમાં ભારે અસર જોવાઈ રહી છે.