Mysamachar.in-વડોદરાઃ
આજે મહિલાઓ પુરુષોને દરેક સ્થળે ટક્કર આપી રહી છે, જેમાં બોર્ડર, ડોક્ટર કે રમતજગત હોય, જો કે તમામ સ્થળોએ પુરુષ સમોવડી બનેલી મહિલાઓને ડગલે ને પગલે કડવા અનુભવોનો સામનો આજે પણ કરવો પડી રહ્યો છે. વડોદરામાં ફિટનેસ જીમમાં જતી યુવતીની ખુદ જીમ ટ્રેનરે છેડતી કરી હોવાની ઘટના સામે આવી છે. અહીં યુવતીએ ટ્રેનર વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ દાખલ કરાવી છે, જેમાં છેડતી, ધમકી સહિતના આરોપ લગાવવામાં આવ્યા છે. એટલું જ નહીં આરોપી ટ્રેનરે એસિડ હુમલાની ધમકી આપી હોવાનું પણ ફરિયાદમાં જણાવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
શહેરમાં યુવતીએ મકરપુરા પોલીસમાં માણેજા શીવાભી લકઝુરીયા કોમ્પલેક્ષમાં આવેલા ફિટનેસ ઝોન નામના જીમના ટ્રેનર દિવ્યકાંત સોલંકી ઉર્ફે ડીકે, મેનેજર નિલેશ વસાવા અને માલીક સંકેત કોઠી સામે ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણીએ આરોપ લગાવ્યો કે ફિટનેસ જીમ જોઇન કર્યા બાદ તેને ટ્રેનર દિવ્યકાંતે કસરતનું માર્ગદર્શન અને મીઠી વાતો કરીને મિત્રતા કરી નજીક જવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં એક દિવસ દિવ્યકાંતે યુવતીને કહ્યું કે તું મારી સાથે ચાલ મારે વાત કરવી છે તેમ જણાવી ટેરેસ પર લઇ ગયો હતો. હું ઘેરથી કંટાળી ગયો છું, મારા પિતા મને ટોર્ચર કરે છે અને કંકાસ કરે છે તેવી જુઠી વાતો કરીને યુવતી સાથે અડપલાં કર્યા હતા, જેથી યુવતી તેને ધક્કો મારી જતી રહી હતી. ત્યાર પછી પણ લેડીઝ રુમના દરવાજા પાસે ડીકેએ યુવતીને પકડીને અડપલાં કર્યા હતા. યુવતીએ બુમો પાડી હતી પણ મેનેજર નિલેશ મદદે આવ્યો ન હતો. જીમના માલીક સંકેત કોઠીએ પોલીસ અમારું કંઇ બગાડશે નહી તારી પાસે કોઇ પુરાવા નથી થાય તે કરી લે તેવી ધમકી આપી હતી.
એસિડ હુમલાની આપી ધમકી
ફરિયાદ દાખલ કરાવ્યા બાદ આરોપી ટ્રેનરે યુવતીનો પીછો ન છોડ્યો અને મોબાઇલ પર ધમકીઓ આપવાનું શરૂ કરી દીધું. જેમાં તેણે યુવતીના મોબાઇલ પર મેસેજ કર્યા કે ''મેને દો તીન બાર તેરે સે જબરદસ્તી કી, મે ગુસ્સે મે થા તો એસા હો ગયા થા, મુજે માફ કર દે ઓર કેસ વાપસ લેલે'' ''મેને ઓર નિલેશને તુમ્હે પરેશાન સીર્ફ સંકેત કે કહેને પર હી કીયા બીકોઝ તુમને જીમકી કમ્પલેન કી થી ઓર વો અપના જીમ બચાને કુછ ભી કરેગા. અગર તીનો કો કુછ હુઆ તો યાદ રખના કી જીસ ચહેરે પે ઇતના ઘમંડ હે ઉસ ચહેરે કો એસિડ ડાલ કર બીગાડ દુંગા નહી તો તેરી મમ્મી અને સિસ્ટરકા ચહેરા બિગાડ દુંગા''. હાલ પોલીસે યુવતીની ફરિયાદના આધારે તપાસનો દોર શરૂ કર્યો છે.