દારૂબંધીવાળા ગાંધીના ગુજરાતની આ છે વરવી વાસ્તવિકતા..

અવારનવાર અકસ્માતોની દુર્ઘટના બને છે..

દારૂબંધીવાળા ગાંધીના ગુજરાતની આ છે વરવી વાસ્તવિકતા..
symbolic image

Mysamachar.in-ગુજરાત

દારૂબંધીવાળા ગાંધીના ગુજરાતમાં દારૂ પીને વાહન ચલાવવાને લીધે અથવા તો દારૂ તેમજ નશાના સેવનના કારણે ત્રણ વર્ષમાં 218 જેટલી અકસ્માતની દુર્ઘટના બની છે. એવી એક આંકડાકીય માહિતી છે. વર્ષ 2017માં દારૂ પીને ડ્રાઇવ કરવાના કારણે ગુજરાતમાં 65 અકસ્માત થયા હતા. એ જ રીતે વર્ષ 2018માં 106, વર્ષ 2019માં 47 એમ ત્રણ વર્ષમાં તો 218 અકસ્માત થયા છે! વર્ષ 2019માં ગુજરાતમાં દર સપ્તાહે દારૂ પીને એક અકસ્માતની ઘટના બની છે. જેમાં ઉતરોત્તર વધારો પણ થઈ રહ્યો છે. કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા 14 સપ્ટેમ્બરના વિધિવત રીતે આની માહિતી પૂરી પાડી છે.

જેમાં... કેન્દ્રના રિપોર્ટ મુજબ દેશમાં વર્ષ 2019માં 12,256 અકસ્માત દારૂ પીને વાહન ચલાવવાના કારણે થયા છે. દેશમાં ઉત્તરપ્રદેશ રાજ્ય તેમાં અવ્વલ સ્થાને છે. ઉત્તરપ્રદેશમાં વર્ષ 2019માં 4,496 અકસ્માત સર્જાયા છે. એ જ રીતે એ રિપોર્ટ મુજબ મળતી આંકડાકીય માહિતીમાં પંજાબમાં 1,290, ઓડિશા 1,068, તામિલનાડુ 1047, મધ્યપ્રદેશમાં 1,030 અકસ્માતો થયા છે. મહત્ત્વનુંં એ છે કે, દેશમાં વર્ષ 2017માં 14,071 અને વર્ષ 2018માં 12,018અકસ્માતની ઘટના દારૂ પીને વાહન ચલાવવાના કારણે થઈ હતી. સરકાર દ્વારા દાવો કરાયો છે કે, દારૂ પીને વાહન ચલાવવા પર રોક લગાવવા માટે જેલ અથવા તો દંડની સજા અથવા બંને જોગવાઈઓ કાયદાકીય દૃષ્ટિએ કરવામાં આવી છે.

એટલું જ નહીં પરંતુ પ્રચાર માધ્યમો દ્વારા જન જાગ્રતિના કાર્યક્રમો પણ એ માટે કરવામાં આવે છે. દારૂનો નશો કરતાં છે વ્યક્તિની ચકાસણી માટે વિશિષ્ટ સાધનોની ખરીદી કરવા રાજ્યો ને કેન્દ્ર દ્વારા નાણાંકીય સુવિધા અપાય છે. તેમ છતાંય આવા 'ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ'ના બનાવો અવિરતપણે બની જ રહ્યા છે. એમાંય ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આટલા માહિતી મુજબના અકસ્માતો થતાં હોય તો પછી બીજું આગળ સમજી શકાય એમ છે!  ગુજરાત સરકાર દારૂબંધી હોવાની વાહવાહી લૂંટે છે પરંતુ હકીકતે દારૂબંધીનો કડક અમલ થતો નથી. આ એક વરવી વાસ્તવિકતા છે.