1000 જેટલી કારના કાચ તોડી નાખ્યા, કેટલીય કારમાંથી ચીજવસ્તુઓની ચોરી કરી ચુકી છે આ પિતા-પુત્રની જોડી

ચોરીના પૈસાથી વૈભવી લાઈફ સ્ટાઈલનો શોખ ધરાવે છે બન્ને 

1000 જેટલી કારના કાચ તોડી નાખ્યા, કેટલીય કારમાંથી  ચીજવસ્તુઓની ચોરી કરી ચુકી છે આ પિતા-પુત્રની જોડી

Mysamachar.in-સુરત:

રાજ્યના અલગ અલગ શહેરોમાં પાર્ક કરવામાં આવેલ કારના કાચ તોડી મ્યુઝિક સિસ્ટમ, લેપટોપ સહિત કિંમતી ચીજવસ્તુઓની વધતી ચોરીની ઘટનાઓનો ભેદ ઉકેલવામાં સુરત પોલીસને સફળતા મળી છે, ચોરીના 200 જેટલા ગુનાને અંજામ આપી ચૂકેલા પિતા -પુત્રની સુરત ક્રાઈમ બ્રાન્ચે કરજણથી ધરપકડ કરતા 75 જેટલા ગુનાઓના ભેદ ઉકેલાઈ ગયો છે.સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા વર્કઆઉટ કરી કરજણ પોલીસને સાથે રાખી હોટલમાં છાપો મારી બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. મૂળ મહારાષ્ટ્ર નવી મુંબઈના તળોજા ખાતે રહેતા આરોપી જમીન મોહમ્મદ કુરેશી અને સાહિલ જમીલ મોહમ્મદ કુરેશીની ધરપકડ કરી સુરત લઈ આવવામાં આવ્યા હતા.

વધુ પૂછપરછમાં બંને આરોપીઓ સંબંધમાં પિતા-પુત્ર હોવાની હકીકત સામે આવી હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીઓ પાસેથી હોન્ડા સિટી કાર, રિવોલ્વર, હોન્ડા સિટી કાર, 16 નંગ મ્યુઝિક સિસ્ટમ, બે મોબાઈલ, લેપટોપ સહિત 5.51 લાખની મત્તાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.આરોપીઓ ચોરીની ઘટનાને અંજામ આપવા માટે મુંબઈ સ્થિત પોતાના નિવાસસ્થાનથી હોન્ડા સિટી કારમાં નીકળતા હતા. ત્યારબાદ સુરત સહિત રાજ્યના અલગ-અલગ શહેરોમાં રેકી કરી પોતાના ગુનાને અંજામ આપતા હતા. ખાસ ચોરી કરવા માટે બંને પિતા-પુત્ર દ્વારા સ્ક્રૂ ડ્રાઇવર વડે કારનો કાચ તોડી ત્યારબાદ મ્યુઝિક સિસ્ટમ સહિતની ચોરી કરતા હતા. બંને પિતા-પુત્ર કાર લઈ ગુજરાત તેમજ અન્ય મહારાષ્ટ્રના મુંબઈ, પુણે ,નાસિક કર્ણાટક અને બેંગલોર વગેરે રાજ્યોમાં ચોરીના ગુનાને અંજામ આપી ચૂક્યા છે.

ત્યારબાદ ચોરીનો મુદ્દા માલ મુંબઈના ચોર બજારમાં સસ્તા ભાવે વેચી દેતા હતા. જે ચોરીના પૈસાથી વૈભવી લાઈફ સ્ટાઈલનો ઠાઠ ભોગવતા હતા આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં 200થી વધુ ગુનાઓમાં બંને પિતા પુત્રની સંડોવણી બહાર આવી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછમાં બંને પિતા-પુત્ર 1000 જેટલી કારના કાચ તોડી મ્યુઝિક સિસ્ટમની ડિસ્પ્લેની ચોરી કરવામાં આવી છે. જ્યારે હાલમાં 75થી વધારે ગુનાઓના ભેદ પણ ઉકેલાઈ ગયા છે.બન્ને પિતા પુત્ર સામે અગાઉ પણ ગુન્હાઓ દાખલ થયેલ હોવાનું સામે આવ્યું છે.