આ ખેડૂત કરે છે ડ્રોનની મદદથી ખેતી, પાણી અને ખર્ચ બંનેમાં થાય છે આટલી મોટી બચત

ખરેખર ખેતી ક્ષેત્રે આ એક નવો પ્રયોગ છે.

આ ખેડૂત કરે છે ડ્રોનની મદદથી ખેતી, પાણી અને ખર્ચ બંનેમાં થાય છે આટલી મોટી બચત

Mysamachar.in-બનાસકાંઠા

રાજ્યમાં અનેક ખેડૂતો પરંપરાગત ઢબ છોડીને આધુનિક ખેતી કરી મોટો ફાયદો કમાઈ રહ્યા છે. ટેકનોલોજી આવતા ખાસ કરીને ખેડૂતોના ઘણા કામ સરળ થઈ રહ્યા છે. ઘણા ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો વૈજ્ઞાનિક અભિગમ અપનાવી નવા પાક લણી રહ્યા છે. ખેડૂતોને જેની સામે આર્થિક લાભ પણ મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના ડીસાના એક ખેડૂતે ડ્રોનની મદદથી દવા છાંટવાનું કામ કર્યું છે.

ડ્રોનનો ઉપયોગ આકાશી અવલોકન કરવા અને સુરક્ષા ક્ષેત્રે ગ્રાઉન્ડ પર રહેલા શત્રુઓ પર નજર રાખવા માટે થાય છે. પણ ખેતી ક્ષેત્રે ડીસાના ખેડૂતે એક અનોખો પ્રયોગ કર્યો છે. જેનાથી મજુરી ખર્ચની સાથોસાથ પણીનો પણ મોટો બચાવ કરી શકાયો છે. જિલ્લામાં મોટાભાગના લોકો ખેતી સાથે જોડાયેલા છે. શાકભાજીથી લઈને બીજા અનેક પાકની ખેતી કરવામાં આવે છે. બનાસકાંઠામાં પાણીની તંગીને કારણે ખેતિ માટે પણ પાણીનો કરકસર પૂર્વક ઉપયોગ કરાય છે. ખેડૂતોને સૌથી મોટી મુશ્કેલી અહીંયા દવા છાંટવામાં થાય છે. કારણ કે ખેતરમાં નાંખવાની દવા જો શરીરમાં ચોંટી જાય, શ્વાસમાં જાય તો મોટું નુકસાન થાય. દવા છાંટવાની કામગીરી સામે મસમોટું જોખમ તોળાઈ રહ્યું હતું.

ડીસા તાલુકાના રાણપુર ગામના કનવરજી ખેડૂતે આ મુશ્કેલીનો નીવેડો લાવવા પ્રયત્ન કર્યો. ડ્રોનની મદદથી વીડિયો કે ફોટોગ્રાફી થઈ શકે તો ખેતિ કેમ નહીં? આ વિચાર કરી ડ્રોનની મદદથી દવા છાંટવા પ્રયોગ કર્યો. ડ્રોનમાં નીચેની બાજું નાનકડી ટાંકી ફીટ કરીને એમાં દવા ભરીને ખેતરમાં છંટકાવ કરવામાં આવે છે. ઉપર ડ્રોનના પંખાની હવાથી નીચે પડતી દવા પણ ચોતરફ સરખા ભેગા છંટાય છે. ખરેખર ખેતી ક્ષેત્રે આ એક નવો પ્રયોગ છે. ડ્રોનની મદદથી દવાનો છંટકાવ સારી રીતે થાય છે. પાણી પણ ઓછું ઉપયોગમાં લેવાય છે. હાનિકારક દવા સામે ખેડૂતોને પણ રક્ષણ મળી રહે છે.