Mysamachar.in-ગુજરાત:
કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે, ખેડૂતોને સહાયરૂપ થવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ભારત સરકાર દ્વારા યુરીયા ખાતરના ભાવમાં છેલ્લા કેટલાક વર્ષોથી કોઇ જ વધારો કરવામાં આવેલ નથી. પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં ડી.એ.પી અને એન.પી.કે ખાતરના તેમજ તેના કાચામાલમાં છેલ્લા કેટલાક સમયમાં ઘણો વધારો થયેલ છે. જેના પરિણામે ખાતરની પડતર કિંમતમાં ખુબ વધારો થવા પામ્યો હતો.
આ ભાવવધારાનો બોજ સીધો ખેડૂતો ઉપર ના આવે તે માટે ભારત સરકાર દ્વારા ડી.એ.પી. ખાતરમાં હાલ મળતી સબસીડી રૂ. 1650 પ્રતિ બેગ હતી, તેમાં વધારો કરી રૂ. 2501 પ્રતિ બેગ કરવામાં આવેલ છે. આમ, પ્રતિ બેગ રૂ.850ની માતબર સબસીડીનો વધારો કરવામાં આવ્યો છે. જેનો લાભ રાજયના ખેડૂતોને પણ થશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે ઉમેર્યુ કે, રાજ્યમાં ડીએપી ખાતરનો અંદાજે 5 લાખ મે.ટન વાર્ષિક વપરાશ થાય છે. જેના કારણે રાજ્યના ખેડૂતોને વધારાની રૂ. 850 કરોડની સબસીડીનો ફાયદો થશે.