આ કોર્પોરેટર 'હું લૂખેશ હતો' એમ પત્રકારો સમક્ષ બોલ્યા !!

'આપ' માંથી BJP માં ગયેલાં સ્થાનિક નેતાનો વિડીયો વાયરલ....

આ કોર્પોરેટર 'હું લૂખેશ હતો' એમ પત્રકારો સમક્ષ બોલ્યા !!

Mysamachar.in:સુરત

સુરત શહેરને કારણે આમ આદમી પાર્ટીને ગુજરાતનાં રાજકારણમાં પ્રવેશની તક સાંપડી. અને હવે, એ જ સુરતનાં આમ આદમી પાર્ટીના નેતાઓ પોતાની જ પાર્ટીને તોડી રહ્યા છે ! લોકોએ પાર્ટી પર મૂકેલાં ભરોસાને આ દલબદલુ નેતાઓ દગો આપી રહ્યા છે ! જો કે આ પાટલીબદલુઓ એમ કહે છે કે તેઓ રાષ્ટ્રની સેવા માટે પક્ષને દગો આપી રહ્યા છે ! અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત મહાનગરપાલિકામાં ગત્ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટર ચૂંટાયા. મતદારોએ પાર્ટીના નામે સ્થાનિક કાર્યકરોને જબ્બર સફળતા અપાવી. આ 27 કોર્પોરેટર પૈકી 12 નગરસેવકોએ પક્ષ તથા મતદારોને દગો આપ્યો અને રાષ્ટ્રની સેવા કરવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા !

થોડાં સમય પહેલાં આમ આદમી પાર્ટીના 10 કોર્પોરેટર પક્ષ છોડી ગયા પછી 21 એપ્રિલે વધુ 2 કોર્પોરેટર 'આપ' છોડી ભાજપાનાં શરણે જતાં સુરત સહિત રાજ્યભરમાં આમ આદમી પાર્ટીમાં સોપો પડી ગયો છે. સુરતનાં બે કોર્પોરેટર કનુ ગેડિયા અને અલ્પેશ પટેલ બીજેપીનાં શરણમાં ગયા છે. આ બે કોર્પોરેટર પૈકી કનુ નામનો કોર્પોરેટર મીડિયા સમક્ષ બોલ્યો : આમ આદમી પાર્ટી માં ગયો એ પહેલાં હું લૂખેશ હતો ! અને એમણે એમ પણ કહ્યું કે, તે કારકિર્દી બનાવવા તથા રાષ્ટ્રની સેવા માટે ભારતીય જનતા પાર્ટીમાં ગયો છે. લૂખેશ મટી નગરસેવક બનેલો આ સ્થાનિક નેતા હવે રાષ્ટ્રની સેવા કરશે. આ વિડીયો સમગ્ર ગુજરાતમાં વાયરલ થયો છે. 'આપ' માં ભંગાણ સર્જવામાં કનુની ભૂમિકા મહત્વની હોવાનું સ્થાનિક મીડિયા કહે છે.