શું તમને ખબર છે આચારસંહિતા અમલી બન્યા બાદ રાજ્યમાં થઇ આ કાર્યવાહી..

૩૯૯૧૫ હથિયારો તો જમા લેવાયા..

શું તમને ખબર છે આચારસંહિતા અમલી બન્યા બાદ રાજ્યમાં થઇ આ કાર્યવાહી..

Mysamachar.in-ગાંધીનગર:

૧૦ માર્ચના રોજ કેન્દ્રીય ચુંટણી પંચ દ્વારા લોકસભાની ચુંટણીઓની જાહેરાત કરતાની સાથે જ આદર્શ આચારસંહિતા અમલી બની ચુકી છે,ત્યારે મુખ્ય નિર્વાચન અધિકારી ડૉ. એસ. મુરલી ક્રિષ્ણાએ જણાવ્યું હતું કે, ચૂંટણી આચાર સંહિતા દરમિયાન પક્ષ, પક્ષના કાર્યકર, ઉમેદવાર અંગે રોકડની હેરફેર માટે ચૂંટણી પંચ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

મુખ્ય નિર્વાચન અધિકારી ડૉ. એસ. મુરલી ક્રિષ્ણાએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે,  તપાસ દરમિયાન, ઉમેદવાર કે તેના એજન્ટ કે પક્ષનો કોઈ કાર્યકર અથવા ચૂંટણી સંબંધિત સામગ્રી, પોસ્ટર્સ સાથેના કોઈ વાહનમાં રૂ. ૫૦ હજાર થી વધુ રોકડ મળી આવશે અથવા આ વાહનમાં કોઈ પણ પ્રકારના ડ્રગ્સ, દારૂ, હથિયારો અથવા રૂ.૧૦ હજારથી વધુ કિંમતની એવી ભેટ-સોગાદો મળી આવશે કે, જેનો ઉપયોગ મતદારોને લલચાવવા માટે થવાની સંભાવના હોય અથવા કોઈ ગેરકાનૂની વસ્તુઓ લઈ જવાતી જણાશે તો, તે જપ્તીને પાત્ર રહેશે.

સમગ્ર રાજ્યમાં ચૂંટણી ખર્ચ માટે જિલ્લા કક્ષાએ ચૂંટણી તંત્રને સજ્જ કરાયું છે. દરેક જિલ્લામાં ચૂંટણી ખર્ચના એક નોડલ અધિકારી અને વિવિધ ટીમની રચના કરાઈ છે. ખર્ચની ટીમ પૈકી, ૫૬૩ ફ્લાઈંગ સ્ક્વોડ, ૩૭૮ વીડિયો સર્વેલન્સ ટીમ, ૨૦૭ વીડિયો વ્યુઈંગ ટીમ, ૨૬ એકાઉંટીંગ ટીમ કાર્યરત કરાઈ છે. આ ઉપરાંત, ઈન્કમ ટેક્ષ વિભાગ દ્વારા ૪૦૦થી વધુ અધિકારીઓની નિમણૂક કરી છે. ખર્ચ નિયંત્રણ માટે રાજય કક્ષાના નોડલ અધિકારીઓ પણ નિમાયા છે. પંચ દ્વારા ટુંક સમયમાં ખર્ચ નિરીક્ષકની નિમણુંક થનાર છે.

લોકસભાની ચુંટણી જાહેર થયા બાદ રાજ્યમાં આચારસંહિતા ભંગની ૨૨૩ ફરિયાદ નોંધાઈ, જયારે ૯૯ હજાર બેનરો વહીવટીતંત્ર દ્રારા હટાવવામાં આવ્યા છે, તો રાજ્યમાં  ૫૬૮૯૦ પરવાનેદારોના હથિયાર પૈકી ૩૯૯૧૫ જમા લેવામાં આવ્યા છે, ૫૧૩૨૩ વ્યક્તિ સામે અટકાયતી પગલા લેવામાં આવ્યા છે, પ્રોહિબિશન એક્ટ મૂજબ ૪૦૫, પાસા હેઠળ ૨૦૯ કેસ, રૂ.૩.૨૩ કરોડની કિંમતનો ૧.૧૧ લાખ લીટર દારૂ ઝડપાયો, ૫.૧૭ કરોડથી વધુના વાહન સાથે ૬૭૬૩ની અટકાયત, ફ્લાઈંગ સ્ક્વોડે રૂ.૧.૪૦ કરોડની રકમ જપ્ત કરીને  ૪૪.૫૧ લાખ પરત કરાયા, ૯૫.૪૩ લાખ જપ્ત કરાયાની  સી-વીજિલ એપમાં ચૂંટણીપંચને અત્યારસુધીમાં ૨૧૨ ફરિયાદમાંથી ૭૯ ફરિયાદ પ્રથમ રીતે ડ્રોપ કરવામાં આવી છે, જયારે અન્ય ૧૩૩ ફરિયાદનો નિકાલ કરવામાં આવ્યો હોવાનું પણ તેવોએ જણાવ્યું હતું.
 

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.