આ પેઈન્ટ બ્રશ બન્યા હતા નોળિયાની પૂછડીમાંથી કઈ રીતે આ સામે આવ્યું 

અગાઉ પણ વન્યપ્રાણીઓની હેરફેર તેના અંગોની હેરફેર સહિતના કિસ્સાઓ રાજ્યમાં સામે આવ્યા છે 

આ પેઈન્ટ બ્રશ બન્યા હતા નોળિયાની પૂછડીમાંથી કઈ રીતે આ સામે આવ્યું 

Mysamachar.in-અમદાવાદ:

ગુજરાતમાં ગેરકાયદેસર રીતે પ્રાણીઓની હેરાફેરી કરીને તેમને વેચવામાં આવતા હોય છે. પરંતુ પ્રાણીઓને મોતને ઘાટ ઉતારીને તેમના પીંછાનો ઉપયોગ કરવાના સૌથી મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. નોળિયાને મારી નાંખીને તેમાંથી પેઈન્ટ બ્રશ બનાવવાનું કૌભાંડ પકડાયુ છે. અમદાવાદના સરસપુરમાં બી.આર. બ્રશ ઈન્ડસ્ટ્રીઝના નામે પેઈન્ટ બ્રશનો ધંધો કરતા શખસને રંગેહાથ પકડવામાં આવ્યો છે. વાઈલ્ડલાઈફ ક્રાઈમ કંટ્રોલ બ્યૂરોના વેસ્ટ રીજનલ ડેપ્યુટી ડિરેક્ટર યોગેશ વારખડને માહિતી મળી હતી કે કેટલાક શખસો ગુજરાતના અમદાવાદમાં નોળિયાની પૂંછડીમાંથી બનેલા બ્રશ વેચે છે.

નોળિયો શિડ્યૂલ-2 અંતર્ગતનું વન્યજીવ હોવાથી તેને કેદ તેમજ તેનાં અંગોનું વેચાણ પ્રતિબંધિત છે. તેમને માહિતી મળતાં અમદાવાદ સિટી રેન્જના વન્ય અધિકારી સાથે ચર્ચા કર્યા બાદ વાઈલ્ડલાઈફ ક્રાઈમ કંટ્રોલ બ્યૂરો અને રાજ્યના વન વિભાગે સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું. તપાસમાં સરસપુરમાં બી.આર. બ્રશ ઈન્ડસ્ટ્રીઝના માલિક પ્રતીક શાહ સુધી ટીમ પહોંચી હતી અને ડમી ગ્રાહક બનીને નોળિયાના બ્રશ માગ્યા હતા. પ્રતીક શાહે તેમને અલગ અલગ રેન્જના બ્રશ બતાવ્યા હતા, જેમાં 100 મિમી સુધીની સાઈઝ હતી અને એ માટે 300થી 600 રૂપિયાના ડઝનનો હોલસેલ ભાવ આપ્યો હતો. માલ વેચતાં જ તેને રંગેહાથ ઝડપી લેવાયો હતો અને તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ હતી.

વન વિભાગના જણાવ્યા અનુસાર આ બ્રશ બનાવવા માટે ઓછામાં ઓછા 10,000 નોળિયાની હત્યા કરવી પડે. આટલા પ્રમાણમાં નોળિયાનો શિકાર ક્યાં કર્યો એ પૂછવામાં આવતા પ્રતીકે કહ્યું હતું કે તે ઉત્તરપ્રદેશના કેટલાક શખસોના સંપર્કમાં હતો, જે નોળિયાનો શિકાર કરીને વાળ સપ્લાય કરતા હતા, જેમાંથી બ્રશ બનતા હતા અને તે વેચતો હતો.વધુમાં જાણવા મળતી વિગતો મુજબ નોળિયાની પૂંછડીના વાળ એકદમ સુંવાળા હોય છે અને એને કારણે ઘણા કલાકારોમાં વર્ષોથી એવી ખોટી માન્યતા છે કે નોળિયાની પૂંછથી કલા વધુ નિખરે છે. બીજી તરફ હજુ સુધી એવા સિન્થેટિક બ્રશ નથી બન્યા જે વારંવાર ઉપયોગ કરી શકાય, કારણ કે રંગ સાફ કરવા માટે ધોવાય ત્યારે સિન્થેટિક બ્રશના ફાયબર તૂટી જાય છે. જ્યારે નોળિયાના પૂંછના વાળને વારંવાર ધોવા છતાં એ સુંવાળા હોવા છતાં એટલા મજબૂત હોય છે કે તૂટતા નથી, જેથી ઘણો લાંબો સમય સુધી ચાલે છે.