રાજ્યમાં કોરોનાની વકરતી પરિસ્થિતિ પર હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન આ મુદ્દાઓ રહ્યા મહત્વના

મીડિયાની કામગીરીના વખાણ

રાજ્યમાં કોરોનાની વકરતી પરિસ્થિતિ પર હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન આ મુદ્દાઓ રહ્યા મહત્વના

Mysamachar.in-અમદાવાદ

રાજ્યમાં કોરોનાની વકરેલી સ્થિતિના કારણે ઈમરજન્સી જેવી સ્થિતિ ઉભી થઈ હોવાનું હાઈકોર્ટનું તારણ છે. રાજ્યમાં કોરોનાના વધતા આંકડા, ઈન્જેક્શનની અછત, હોસ્પિટલોમાં બેડની સંખ્યા અને સ્મશાન ગૃહોની સ્થિતિના મુદ્દાને હાઈકોર્ટે સુઓમોટો જાહેર હીતની અરજી ગણી છે. ત્યારે આજે આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં ટૂંક સમયમાં સુનવણી હાથ ધરાઈ હતી. જેમાં ચીફ જસ્ટિસે કોરોના કાળમાં મીડિયા દ્વારા કરાયેલી કામગીરીને વખાણી હતી.

કોવિડ-19ની સ્થિતિ સંભાળવામાં ગુજરાતની હેલ્થ મશીનરી નિષ્ફળ રહી હોવાના અહેવાલોની ગંભીર નોંધ લેતાં ગુજરાત હાઈકોર્ટે આ અંગે સુઓમોટો નોંધ લેતાં હાઈકોર્ટે “કોવિડ નિયંત્રણમાં અનિયંત્રિત ઉછાળો અને સંચાલનના ગંભીર મુદ્દાઓ” શીર્ષક હેઠળ નવેસરથી જાહેરહિતની અરજી (PIL) નોંધીને ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસ ભાર્ગવ ડી. કારિયાની બેંચે તેની આજે સુનાવણી હાથ ધરી છે. ગુજરાત સરકાર તરફથી એડ્વોકેટ જનરલ કમલ ત્રિવેદી રજૂઆત કરી હતી.

આ સુનાવણી દરમિયાન કોર્ટનું આકરું વલણ જોવા મળ્યું જેમાં...

-સામાન્ય માણસને RTPCR ટેસ્ટના રિઝલ્ટ માટે 4, 5 દિવસ, જ્યાંરે VIP કોઈ હોય તો સાંજ સુધીમાં રિપોર્ટ મળી જાય છે. આવી માહિતી પણ અમને મળી છે.

-“ટેસ્ટિંગના રિપોર્ટ ત્રણ દિવસે કેમ મળે છે”

-ઓગસ્ટમાં કેસો ઘટી ગયા પછી ફેબ્રુઆરી પછી સરકાર ભૂલી ગઈ કે કોરોના છે

-રેમડેસિવિર માત્ર હોસ્પિટલમાં મળે એવું કેમ? ઘરે સારવાર લેતા દર્દીઓ માટે કેમ નહિ?

- એક જ સેન્ટર પરથી ઈન્જેકશન મળવું પબ્લિક ના હિતમાં નથી. પબ્લિકએ લાંબી લાઇનમાં કેમ ઉભું રહેવું પડે છે?

-કોઈને રેમડેસીવીર જોઈએ છે તો કેમ ખરીદી નથી શકતું? કોઈને પૈસા ખર્ચવાની મજા થોડી આવે?

-રોજના 27000 ઇન્જેક્શન ક્યાં જાય છે... બધાને ઇન્જેક્શન મળવા જ જોઈએ.

-મેં જાણ્યું છે કે હોસ્પિટલ દાખલ કરવાની ના પડે છે, તમે કહો છો કે બેડ, ઓક્સિજન, ઈન્જેકશન પૂરતા છે તો 40 એમ્બ્યુલન્સ કેમ લાઇનમાં છે.

-VIP લોકોને તરત રિઝલ્ટ્સ મળી જાય છે. સામાન્ય લોકોને કેમ નહી?”

-સાથે જ હાઈકોર્ટે કહ્યું કે, ગુજરાતમાં કરફ્યૂનો અમલ નથી થતો. વહેલી સવારે લોકો રસ્તા પર જોવા મળે છે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન ક્યાંય નથી થતું. જે લોકો સ્વયભૂ બંધ પાળે છે તે લોકો બીજા બધા કરતા ઘણા હોશિયાર છે.

હાઇકોર્ટ સમક્ષ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ રજૂઆત કરી છેકે, ભારતમાં પ્રતિ દિવસ 1,75,000 વાયલ રેમડેસિવીરની આવશ્યકતા છે. ગુજરાત સરકાર એક દિવસમાં 30 હજાર વાયલ મેળવે છે. આજે પ્રતિદિન 1.25 લાખ ટેસ્ટ કરવામા આવે છે ટેસ્ટીંગની ક્ષમતા પણ વધારી દીધી છે. સાથે જ ખાનગી લેબોરેટરી વધારી છે અને 70 હજાર આર.ટી.પી.સી.આર ટેસ્ટ કરીએ છીએ. રાજય સરકારના પ્રયત્નોથી ઝાયડસ કેડિલાએ રેમડિસીવર ઈન્જેકશનના ભાવો પણ ઘટાડ્યા છે જેથી સામાન્ય માણસોને ઈમરજન્સીમાં મળી રહે છે.

રેમડેસિવિર ઇન્જેક્શનની આવશ્યકતા સામાન્ય સંજોગોમાં હોતી નથી તો પણ હોમ આઈસોલેશન થયેલા દર્દીઓ પણ રેમડેસિવીરનો આગ્રહ રાખે છે. એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ વધુમાં જણાવ્યું કે, ધન્વન્તરી અને સંજીવની રથ એમ્બ્યુલન્સ દ્વારા ડોકટર હેલ્થ વર્કર પણ ઘરે-ઘરે ટેસ્ટીંગ અને ટ્રેકિંગ યોગ્ય રીતે કરે છે. 141 ખાનગી હોસ્પિટલોને કોવિડ ડૈઝીગ્શેટેડ તરીકે જાહેર કરાઈ છે. રાજયમા ઉપલબ્ધ ઓક્સિઝનના જથ્થા પૈકી 70 ટકા જથ્થો અનામત રાખતુ દેશનું એક માત્ર રાજય ગુજરાત છે.