કોરોના વાયરસ સંક્રમણ સામે આ છે રક્ષણાત્મક ઉપાયો

આયુર્વેદિક સારવાર તેની વ્યાપક કુદરતી ઉપચાર પદ્ધતિઓ માટે લોકપ્રિય છે

કોરોના વાયરસ સંક્રમણ સામે આ છે રક્ષણાત્મક ઉપાયો
file image

Mysamachar.in-જામનગર

કોરોના વાયરસનું સંક્રમણ ભારત સહિત 148 દેશોમાં ફેલાયેલ છે. કોવિડ-19 એ વાયરસ જનિત સૌથી લાંબા સમય સુધી ચાલનાર રોગ છે. આ નવા ચેપ અને રોગની શરૂઆત ડિસેમ્બર 2019 માં ચીનના વુહાન શહેરથી થઈ હતી. આજે કોરોના વાયરસ આખી દુનિયામાં છવાયેલો છે અને તેનાથી બધા ખૂબ જ ડરી ગયા છે. એક પછી એક, દેશો સતત તેમની જગ્યાએ લોક ડાઉન અથવા કર્ફ્યુ લાદી રહ્યા છે જેથી આ વાયરસનો ફેલાવો ઘટાડી શકાય. શરીરની કુદરતી સંરક્ષણ પ્રણાલી (રોગપ્રતિકારક શક્તિ)ને વધારવા અને ઉત્તમ સ્વાસ્થ્ય જાળવવામાં આયુર્વેદ શાસ્ત્ર મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. આપણે બધા જાણીએ છીએ કે રોગનું નિવારણ અને બચાવ તે ઉપચાર કરતા કેટલું મહત્વનું છે. કોવિડ-19 માટે બજારમાં ઘણી બધી દવાઓ ઉપલબ્ધ છે, તેમ છતાં, આ સમયમાં આપણી રોગપ્રતિકારક શક્તિ વધારનાર ઉપાયો કરવા ખુબજ જરૂરી છે.

આયુર્વેદ એ એક પ્રાચીન તબીબી વિજ્ઞાન છે. આયુર્વેદનું મુખ્ય ધ્યાન વ્યક્તિના જીવનના ભાવનાત્મક અને શારીરિક સ્વરૂપને ઓળખવા અને તેના પર કેન્દ્રિત કરવાનું છે. આયુર્વેદના બે હેતુ છે તંદુરસ્ત વ્યક્તિઓના સ્વાસ્થ્યને બચાવવા માટે અને બીમાર વ્યક્તિઓના વિકારોને દૂર કરવા અને તેમને સ્વસ્થ બનાવવા. આયુર્વેદિક સારવાર તેની વ્યાપક કુદરતી ઉપચાર પદ્ધતિઓ માટે લોકપ્રિય છે જે બિમારીઓ ને દૂર કરે છે અને માનવ શરીર અને મનની સુખાકારીમાં સુધારો કરે છે. આયુષ મંત્રાલય, નવી દિલ્હી દ્વારા રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે નીચે આપેલ સ્વ-સૂચિત માર્ગદર્શિકાની ભલામણ કરવામાં આવે છે. આ સૂચનાઓ સામાન્ય સાહિત્ય, વૈજ્ઞાનિક સંશોધન અને પ્રકાશનો દ્વારા આધારભૂત છે.

સામાન્ય પગલાં

-દિવસ દરમિયાન ગરમ પાણી પીવું 
-આયુષ મંત્રાલયની સલાહ પ્રમાણે દરરોજ 30 મિનિટ યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનની પ્રેક્ટિસ કરવું. (# ઘરે યોગ કરો#ઘરે રહો#સલામત રહો) 
-રસોઈમાં હળદર, જીરું, ધાણા અને લસણ જેવા મસાલા નો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે.

પ્રતિરક્ષા વધારવા આયુર્વેદિક ઉપાય

-સવારે 10 ગ્રામ (1 ચમચી) ચ્યવનપ્રાશ લેવું. ડાયાબિટીસના દર્દીઓએ સુગર મુક્ત ચ્યવનપ્રાશ લેવું જોઈએ. 
-દિવસમાં એક કે બે વાર તુલસી, તજ, કાળા મરી, સૂંઠ અને કાળી દ્રાક્ષ માંથી બનાવેલ હર્બલ ચા-ઉકાળો પીવો. જો જરૂર જણાય તો, સ્વાદ માટે ગોળ અથવા તાજા લીંબુનો રસ ઉમેરી શકાય. 
-ગુડૂચી ઘનવટી 500 મિલિગ્રામ-અશ્વગંધા ગોળી 500 મિલિગ્રામ દરરોજ બે વખત ભોજન પછી નવશેકું પાણી સાથે લઈ શકાય. 
-ગોલ્ડન મિલ્ક-એટલે 150 મિલી ગરમ દૂધમાં અડધી ચમચી હળદર મેળવીને દિવસમાં એક કે બે વાર લેવું જોઈએ. 
સરળ કાર્યાત્મક પ્રક્રિયાઓ 
-અનુનાસિક નસ્ય પ્રયોગ-સવાર-સાંજ બંને નસકોરા (પ્રતિમર્શ નસ્ય) માં તલનું તેલ-નાળિયેર તેલ અથવા ઘી લગાડવું. 
-કવલ અને ગંડૂષ-મોઢામાં એક ચમચી તલનું તેલ અથવા નાળિયેર તેલ નાખી શકાય. રાખવું તેને પીવું નઈ, ફક્ત 2 થી 3 મિનિટ સુધી મોઢામાં હલાવવું અને ગરમ પાણીના કોગળા કરી શૂકવું. આ દિવસમાં એક કે બે વાર કરી શકાય છે.

ગંભીર ઉધરસ-ગળામાં દુખાવો

-દિવસમાં એકવાર તાજા ફુદીનાના પાન અથવા અજમો ગરમ પાણીમાં નાખી નાસ લેવી જોઈએ. 
-ઉધરસ-ગળામાં દુખાવાની સ્થિતિમાં, લવિંગ પાવડર, ગોળ-મધ સાથે મેળવીને 2-3 વાર લઈ શકાય છે. 
આ પગલાં સામાન્ય રીતે સામાન્ય સૂકી ઉધરસ અને ગળાના દુખાવાની સારવાર કરે છે. જો કે, આ લક્ષણો ચાલુ રહે તો નિષ્ણાત ચિકિત્સકની સલાહ લેવી શ્રેષ્ઠ છે. ઉપરોક્ત બાબતે વધુ માહિતી માટે શ્રી ગુલાબકુંવરબા આયુર્વેદ ચિકિત્સાલયના ઓ પી ડી વિભાગનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.