Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
બે-ચાર નાનકડાં અને ટેમ્પરરિ અપવાદોને બાદ કરતાં 1960 થી શરૂ કરીને 2022 એટલે કે, 62 વર્ષનો ઈતિહાસ સાક્ષી રહ્યો છે કે, ગુજરાતમાં લાંબી રેસના ઘોડાં તરીકે શાણા ગુજરાતીઓ બે પક્ષનાં રાજકારણમાં જ માને છે. સરકારો બને અને પડે, તડજોડની રાજનીતિને ઉતેજન મળે અને ગુજરાતનો સ્થાયી તથા સત્તત વિકાસ અવરોધાય એવી ભાંગફોડિયા રાજનીતિ ગણતરીબાજ વેપારી માનસ ધરાવતી ગુજરાતી પ્રજાને ક્યારેય પસંદ પડી નથી. અને, આ કારણોથી જ ગુજરાતમાં પ્રથમ કોન્ગ્રેસ અને પછી ભાજપા શાસનમાં લાંબી ઇનિંગ્સ રમી શક્યા છે. આ વખતે પ્રથમ વખત ત્રિપાંખિયો જંગ દેખાઈ રહ્યો છે, પરંતુ અંદરખાને એવું જોવા મળી રહ્યું છે કે, ગુજરાતીઓ સ્થાનિક અને મજબૂત એવાં બે પક્ષો પર પસંદગી ઉતારશે.અને રાજયને વધુ એક વખત સ્થિર સરકાર આપશે. સંખ્યાબંધ રાજકીય નિરીક્ષકો આ પ્રકારના મતને સમર્થન આપી રહ્યા છે.
ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ ખેલાશે તેમાં શાસકોની મજબૂતી અને સમૃદ્ધિ મોટો રોલ અદા કરશે. બીજી બાજુ મુખ્ય વિપક્ષે ગત્ ચૂંટણીમાં શાસનને જબ્બર ટક્કર આપેલી. પાછલાં પાંચ વર્ષ દરમિયાન, રાજ્યની આર્થિક તથા સામાજિક સ્થિતિમાં ઘણાં પરિવર્તનો નોંધાયા છે. આ સ્થિતિમાં, મતદાનનાં દિવસોમાં હાલનાં શાસકપક્ષ અથવા વિપક્ષ, બેમાંથી એકની તરફેણમાં સમગ્ર રાજ્યમાં જોરદાર વાવાઝોડું ફૂંકાય એવી શક્યતાઓ પણ કેટલાંક વિશ્લેષકો નિહાળી રહ્યા છે. જો આમ થાય તો, ત્રીજો અને નવો તથા મજબૂત ઉમેદવારો ન ધરાવતો પક્ષ સાવ હાંસિયામાં પણ ધકેલાઈ જાય, એવું પણ બની શકે.
આપણે સૌ જાણીએ છીએ કે, લાંબા શાસનોને કારણે કોન્ગ્રેસ તથા ભાજપા પાસે શક્તિશાળી નેતાઓની અને લાખ્ખો કાર્યકરોની મોટી ફૌજ છે. લાખો મતદારો આ બંને પક્ષો સાથે દાયકાઓથી જોડાયેલાં છે, કમિટેડ છે. આ સ્થિતિમાં ત્રીજાં પક્ષને સ્થાનિક આગેવાનો અને કાર્યકરો મેળવવામાં પણ લોઢાના ચણા ચાવવા પડી રહ્યા હોવાની સ્થિતિ છે ! ત્રીજાં પક્ષની પાસે મજબૂત, અનુભવી અને વ્યૂહરચનાઓ ગોઠવી શકે તેવાં કસાયેલા માર્ગદર્શકોનો પણ અભાવ છે. બધું ઝટ ભેગુ કરી લેવાની ગણતરીએ ધડાધડ ઉમેદવારો જાહેર કરી રહેલાં ત્રીજાં પક્ષને સક્ષમ ઉમેદવારોનાં પણ સાંસા છે. ઉમેદવારોની પસંદગી કરતાં પહેલાં હોમવર્ક કરવાનો સમય પણ તેઓને મળ્યો નથી. આ પક્ષ પાસે પાયાનાં કાર્યકરોની પણ અછત છે. પ્રચાર પ્રસારની કસાયેલી વ્યૂહરચના પણ જોવા મળતી નથી. અને, પ્રત્યેક મતદાર સુધી પહોંચવા જબ્બર નેટવર્ક જોઈએ, એ ક્યાં ?!
વળી ત્રિપાંખિયો જંગ હોવાથી બે મુખ્ય પક્ષોનાં કમિટેડ મતોને તોડીને પોતાની તરફ આકર્ષિત કરવા એ પણ અઘરૂં કામ છે. એકાદ બે ચહેરાને કારણે ગુજરાત જેવું સમૃદ્ધ અને શાણુ રાજ્ય કબજે કરી લેવાનું સપનું દેખાવમાં સુંદર લાગે પરંતુ ધરાતલ પર મજબૂતીથી પગ ખોડવો એમ ક્યાં આસાન હોય છે ?! હાલનો શાસકપક્ષ કેડર ધરાવે છે છતાં તેને ભૂતકાળમાં સતા સુધી પહોંચવા ઘણાં પાપડ વણવા પડ્યા હતાં, વર્ષો સુધી પસીનો વહાવવો પડ્યો હતો. અને આજે તો સ્થિતિ એ છે કે, જામનગર સહિત સમગ્ર રાજ્યમાં બે મજબૂત પક્ષોને પાછળ રાખી આગળ નીકળવાની વાત છે, આ વાત એમ સાવ સહેલાઈથી શક્ય કેવી રીતે બની શકશે ?
જામનગર સહિત હાલારની વાત કરીએ તો, ભાજપા અથવા કોન્ગ્રેસ સાતેય બેઠકો પર એટલાં મજબૂત છે કે, ત્રીજાં પક્ષને હાલારમાં ખાતું ખોલાવવાની પણ તક ન આપે. આ ઉપરાંત અત્યારથી નવાં પક્ષમાં ચૂંટણી સંબંધે અસંતોષની આગ લપકારા લઈ રહી છે. મતદારો મતદાનને આડે માત્ર ગણતરીના દિવસો હોવાં છતાં તેલ અને તેલની ધાર જોઈ રહ્યા છે. ભાજપા અને કોન્ગ્રેસ દ્વારા બધાં ઉમેદવારો પણ જાહેર કરવામાં આવ્યા નથી. આ સ્થિતિમાં હાલારની સાત બેઠકો માટે સાત મજબૂત ઉમેદવારો શોધવા એ પણ નવાં પક્ષ માટે સાત કોઠા વીંધવા જેવું ભારેખમ કામ છે અને પછીયે મતદારો આ નવાં અને બિનઅનુભવી ઉમેદવારોને સ્વિકારે કે કેમ ?! એ પ્રશ્ન પણ ગંભીર લેખી શકાય. ઓલઓવર ગુજરાતમાં ગમે તે ચિત્ર સર્જાય, કમ સે કમ હાલારમાં તો ભાજપા અને કોન્ગ્રેસ વચ્ચે ‘ સીધી ફાઈટ ‘ જ લડાશે એવું અત્યારે સમજાઈ રહ્યું છે.