ખંભાળિયા પંથકના યુવાન સાથે લુટેરી દુલ્હનનો કિસ્સો છે જાણવા જેવો

રૂ. બે લાખ લીધા બાદ યુવતી તથા પરિવારજનો છૂ...

ખંભાળિયા પંથકના યુવાન સાથે લુટેરી દુલ્હનનો કિસ્સો છે જાણવા જેવો
Symbolic image

Mysamachar.in:દેવભૂમિ દ્વારકા

દેવભૂમિ દ્વારકા જીલ્લાની ખંભાળિયા તાલુકાના દખણાદા બારા ગામે રહેતા એક યુવાન દ્વારા ડીસા તાલુકાની પરિવારને રૂ. 2,00,000 દીધા બાદ યુવતીના લગ્ન થયા પછી 15 દિવસમાં યુવતી તેમજ ડીસા તાલુકામાં રહેતા તેમના પરિવારજનો ગાયબ થઈ જતા આ અંગે યુવતીના કથિત પિતા તેમજ કથિત ભાઈ સામે સલાયા મરીન પોલીસ મથકમાં વિશ્વાસઘાત અંગેનો ગુનો નોંધાયો છે.

આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના દખણાદા બારા ગામે રહેતા રઘુવીરસિંહ મલુજી ભાટી નામના 30 વર્ષના ગરાસીયા યુવાનને લગ્ન કરવાના હોય, તેમના પરિવારજનો દ્વારા ધ્યાનમાં આવ્યા મુજબ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના દશરથસિંહ નામના એક શખ્સના સંપર્કમાં આવ્યા બાદ તેમના જણાવ્યા મુજબ ડીસાના સામઢી ગામે રહેતા એક પરિવારની પરણવાલાયક યુવતીના પિતા બીમાર હોય તેમને રૂપિયા અઢી લાખ આપવા પડશે. તેમ કહી દશરથસિંહએ છોકરીના ફોટા તેમના મોબાઈલમાં મોકલ્યા હતા.

આ પછી દખણાદા બારા ગામના રઘુવીરસિંહ ભાટી તથા પરિવારજનોની ચર્ચા વિચારણા બાદ રૂપિયા બે લાખ આપવાની સંમતિ પછી તેમના પરિવારજનો મોટરકાર મારફતે ગત તારીખ 9 ડિસેમ્બર 2022 ના રોજ ડીસા તાલુકાના સામઢી ગામે ગયા હતા અને આ સ્થળે રહેલા આશરે 65 થી 70 વર્ષના વૃદ્ધ દ્વારા પોતાની ઓળખાણ યુવતીના પિતા અમરસિંહ સોલંકી તથા તેમની સાથે રહેલો આશરે 30 વર્ષનો યુવાન યુવતીનો ભાઈ રણજીતસિંહ અમરસિંહ સોલંકી હોવાની ઓળખાણ આપી, તેમની પાસેથી રૂપિયા બે લાખ મેળવી અને ફૂલહાર કરી યુવતી લક્ષ્મીબા ઉર્ફે પૂજાને પોતાના ગામ લઈ આવ્યા હતા. અહીં તેઓએ તેમના પરિવારના રીત-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. લક્ષ્મીબા ઉર્ફે પૂજા 15 દિવસ અહીં રહ્યા બાદ તેણીનો કથિત ભાઈ રણજીતસિંહ સોલંકી અહીં આવ્યો હતો અને "પૂજાને અમે અમારી સાથે તેડી જઈએ છીએ અને થોડા દિવસ રહીને પરત મૂકી જઈશું"- તેમ કહીને લઈ ગયા બાદ વીસેક દિવસ સુધી તેઓ પરત ન ફરતા અહીંના પરિવારજનોએ ડીસા ખાતે રણજીતસિંહ વિગેરેનો સંપર્ક કર્યો હતો પરંતુ. તેઓએ તેમના ફોન બ્લેકલિસ્ટમાં નાખી દીધા હતા.

આ પછી વધુ તપાસ કરવામાં આવતા કહેવાતા પિતા અમરસિંહ તથા ભાઈ રણજીતસિંહ અંગેની કોઈ જાણકારી મળી ન હતી અને સામઢી ગામે તેમના મકાનમાં પણ તાળા જોવા મળ્યા હતા. આટલું જ નહીં, આ શખ્સો ખોટી રીતે લગ્ન કરાવીને પૈસા પડાવવાનું કામ કરતા હોવાનું પણ તેઓના ધ્યાને આવ્યું હતું. આથી આ સમગ્ર બનાવ અંગે દખણાદા બારા ગામના રઘુવીરસિંહ મુલજી ભાટીની ફરિયાદ પરથી સલાયા મરીન પોલીસે અમરસિંહ સોલંકી તથા રણજીતસિંહ અમરસિંહ સોલંકી સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા સબબ આઈ.પી.સી. કલમ 406, 420 તથા 114 મુજબ ગુનો નોંધ્યો છે.