રૂ.30 લાખના હીરા ચોરી થવા મામલે જાણો કોણ નીકળ્યું આરોપી

પાંચ મહિનાથી સતત એની પર નજર રાખનાર એ શખ્સને આખરે તક મળી ગઈ

રૂ.30 લાખના હીરા ચોરી થવા મામલે જાણો કોણ નીકળ્યું આરોપી

Mysamachar.in-સુરત:

ગઈકાલે એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં એક વ્યક્તિ પોતાના કારીગરને માવો આપીને માત્ર દોઢ મિનિટમાં પરત ફર્યા પરંતુ તેને મોટી નુકશાની સહન કરવાનો વારો આવ્યો હતો, આ ઘટના સુરતમાં બની હતી જ્યાં હીરાના વેપારીનું એક્ટિવા ચોરી થયું હતું. જેની ડેકીમાં કિંમતી હીરા બેગમાં મૂકવામાં આવ્યા હતા. વેપારી એના કારીગરને માવો આપી પરત આવ્યા ત્યાં આખું એક્ટિવા જ કોઈ ચોરી થયાનું સામે આવતા મામલો પોલીસમાં પહોચ્યો હતો અને પોલીસે તપાસ હાથ ધરતા આ કેસમાં આરોપી અન્ય કોઈ નહી પરંતુ જે વેપારીનું લાખોના હીરા સાથેનું એકટીવા ચોરાયું તેનો પૂર્વ પાર્ટનર જ ગુન્હેગાર નીકળતા વેપારી પણ એક તબક્કે અચરજમાં પડી ગયો હતો,

ગત સોમવારે સુરત શહેરમાં પરેશ દૂધાત નામના હીરાના વેપારી એક્ટિવાની ડેકીમાં કિંમતી હીરા અને રોકડ રાખીને માર્કેટમાં નીકળ્યા હતા. નારાયણનગર સોસાયટીમાં પોતાની ઓફિસે જતી વખતે એક્ટિવા પાર્ક કરી કારીગરને માવો આપવા ગયા. માત્ર દોઢ મિનિટમાં પરત આવતા એક્ટિવા ચોરાઈ ગયું હતું. રૂ.30 લાખના કિંમતી હીરા અને રૂ.1.16 લાખની રોકડ હતી. આ ચોરી કરનાર આરોપી બીજું કોઈ નહીં પરેશભાઈ દુધાત નામના વેપારીનો જૂનો ભાગીદાર ઘનશ્યામ અને તેને મદદગારી કરનાર રાહુલ હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આરોપી ઘનશ્યામ એક હીરા દલાલ છે અને રાહુલ ટેમ્પો ડ્રાઈવિંગનું કામ કરે છે. ઘનશ્યામે એવી કબૂલાત કરી હતી કે, થોડા વર્ષો પહેલા તે પરેશ દૂધાતનો પાર્ટનર હતો. પરેશના કારણે એને ધંધામાં મોટી ખોટ ભોગવવાનો વારો આવ્યો હતો વધુમાં પરેશ ઘણી વખત ઘનશ્યામનું અપમાન કરી નાંખતો. જે ઘનશ્યામને મગજમાં ખૂંચતું હતું, જેથી ઘનશ્યામે વેર વાળવા માટે એક કારસો રચ્યો તેમાં તે સફળ તો થયો પણ પોલીસના હાથોમાંથી તે ના બચી શકાયો 


આ ગુન્હાને અંજામ આપવા માટે ઘનશ્યામને  ટેમ્પો ડ્રાઈવર રાહુલે મદદ કરી હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે આ કારસાને અંજામ આપવા પૂર્વે બન્ને શખ્સોએ રેકી કરી હોવાનું અને સતત એના પર નજર રાખ્યા બાદ એ જાણી લીધું હતું કે, પરેશ કિંમતી વસ્તુ તથા રોકડ પોતાના એક્ટિવાની ડેકીમાં રાખે છે. એક વખત મોકો જોઈને કામ છે એવું કહીને તેણે પરેશ પાસેથી એનું એક્ટિવા લઈ લીધું. ત્યારબાદ નકલી ચાવી બનાવડાવી ચોરી કરવા માટે ઘનશ્યામ પાંચ મહિનાથી સતત એની પર નજર રાખતો. અને એવામાં ગત સોમવારે મોકાનો લાભ લઇ ઘનશ્યામે મિત્ર રાહુલને કહ્યું કે, એક્ટિવાની બાજુમાં 5 મિનિટ માટે ટેમ્પો મૂકીશ તો રૂ.50,000 આપીશ. રાહુલે આ તકને ઝડપી લઇ અને ઘનશ્યામના કહેવા મુજબ મદદગારી કરી હતી જો કે મામલો પોલીસ પાસે પહોચતા પોલીસે એક બાદ એક કડીઓ જોડતી ગઈ અને આખરે આ ગુન્હામાં આરોપીઓ અન્ય કોઈ નહિ પરંતુ ભોગ બનનારનો પૂર્વ પાર્ટનર જ નીકળતા પોલીસે આ ગુન્હાનો ભેદ ઉકેલી સ્પસ્ટ ચિત્ર શું તે જાહેર કર્યું છે.