રાજકોટમાં થયેલ ચોરીનો ભેદ ખુલતા સામે આવ્યું પ્રેમ પ્રકરણ

જાણવા જેવો છે કિસ્સો

રાજકોટમાં થયેલ ચોરીનો ભેદ ખુલતા સામે આવ્યું પ્રેમ પ્રકરણ

Mysamachar.in-રાજકોટ:

તાજેતરમાં જ જામનગરની યુવતીએ પ્રેમીને પામવા માટે જી.જી.હોસ્પિટલમાંથી નવજાત બાળકની ઉઠાંતરી કરીને આ બાળક તેનું છે તેવું બતાવવા માટે બાળકની ઉઠાંતરી  કર્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો,ત્યારે રાજકોટમાં એક યુવકના પ્રેમમાં ડૂબેલ યુવતીએ પોતાના જ ઘરમાં પ્રેમી સાથે મળીને લાખો રૂપિયાની ચોરી કરી હોવાનો પોલીસ તપાસમાં સ્ફોટક ખુલાસો થતાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આ બનાવ ચર્ચાસ્પદ બન્યો છે,

મળતી વિગત મુજબ રાજકોટ શહેરના ભક્તિનગર વિસ્તારની ગીતાંજલી સોસાયટીમાં આવેલ રહેણાંક મકાનમાંથી ચોરીની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી અને અડધા કરોડ ઉપરની ચોરી થયાના બનાવથી રાજકોટ શહેરની પોલીસની ઊંઘ હરામ થઈ ગઇ હતી અને ફરિયાદ કરનાર સદગૃહસ્થના પરિવારના સભ્યોમાંથી જ કોઈ પહેલેથી જ શંકાના દાયરામાં હોય,ચોરીના પગેરા સુધી પહોંચવા પોલીસે સઘન પૂછપરછ હાથ ધરતા આ ચોરીના બનાવમાં ચોંકાવનારી હકીકત બહાર આવી હતી,

પોલીસ દ્વારા આ ચોરીના બનાવમાં ચોરીની ફરિયાદ કરનાર ફરિયાદીની પુત્રી પ્રિયંકાને રાજકોટના જ અને બેંગ્લોર અભ્યાસ કરતા હેત નામના યુવક સાથે પ્રેમસંબંધ હોવાનું જાણવા મળ્યું હતું, જેથી પોલીસે બેંગલોર ખાતેથી હેતને રાજકોટ લઈ આવીને પૂછપરછ શરૂ કરી હતી,

પોલીસ દ્વારા આગવી ઢબે કરાયેલી પૂછપરછમાં હેત ભાંગી પડ્યો હતો અને પોતે પ્રિયંકા સાથે મળીને આ ચોરી કર્યાનું જણાવ્યું હતું. પ્રિયંકાએ પોતાના જ ઘરમાંથી થોડા દિવસો પૂર્વે આ મુદ્દામાલની ચોરી કરી પોતાને આપ્યો હોવાની કબૂલાત આપીને આ ચોરીનો ખુલાસો કર્યો હતો,

આમ પોલીસે બંને પ્રેમીપંખીડાની ધરપકડ કરી 300 તોલા સોનાના દાગીના, 2 કિલો ચાંદીના દાગીના, તેમજ 40 હજારની રોકડ વગેરે મળીને ૬૪ લાખની ચોરીનો મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે,

આમ રાજકોટ શહેરમાં પ્રેમમાં અંધ બનીને પોતાના જ ઘરમાં ચોરી કર્યાનો બનાવ સામે આવતા હવે આજના આધુનિક જમાનામાં માતાપિતાઑએ પોતાના સંતાનની કાળજી રાખવાનો સમય પાકી ગયો છે નહિતર રાજકોટમાં આવા બનેલા બનાવનો સામનો કરવો પડે તે દિવસો દૂર નથી.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.