વિક્રમ માડમ સહિતની ટીમ બની પ્રચાર અભિયાનમાં વ્યસ્ત

GST અને નોટબંધીની વ્યથા ઠાલવતા વેપારીઓ

વિક્રમ માડમ સહિતની ટીમ બની પ્રચાર અભિયાનમાં વ્યસ્ત

Mysamachar.in-જામનગર:

જામનગર લોકસભા કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઇ કંડોરીયા અને કોંગ્રેસની ટીમ દ્વારા ગ્રામીણ વિસ્તારમાં પ્રવાસ કરીને જબરૂ લોક સમર્થન મેળવવામાં આવી રહ્યું છે અને કોંગ્રેસ એક થઈને પૂરજોશમાં પ્રચારમાં લાગી ગઈ છે ત્યારે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કોંગ્રેસના નેતા અને ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ અને કોંગ્રેસની ટીમ પણ મુળુભાઈ કંડોરીયાને જીતાડવા માટે દિવસ-રાત એક કરીને લોકસંપર્કમાં લાગી ગયા છે,

ધારાસભ્ય વિક્રમભાઈ માડમ જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ ગીરીશભાઈ અમેથિયા, જામનગરના પ્રભારી જશવંતસિંહ ભટ્ટી, સંજયભાઈ કાંબરીયા, અશોકભાઈ ત્રિવેદી, લલીતભાઈ પટેલ, એ.કે.મહેતા સહિતના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જામનગર શહેરમાં ડોર ટુ ડોર પ્રચાર કરીને કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપવા અને કોંગ્રેસને શા માટે મત આપશો તેવી પોતાની વાત રજૂ કરી પ્રચાર અભિયાન તેજ કર્યું છે,

ધારાસભ્ય વિક્રમભાઈ માડમ અને કોંગ્રેસની ટીમએ જામનગરના વિવિધ વિસ્તારોમાં લોકસંપર્ક હાથ ધર્યો હતો અને કોંગ્રેસના આ લોકસંપર્કના અભિયાનને સારો એવો પ્રતિસાદ મળ્યો છે જેમાં વેપારી વર્તુળોમાંથી જબરો આવકાર જોવા મળ્યો છે, જે રીતે વેપારીઓ જીએસટીને લઈને પરેશાન થઈ રહ્યા છે તેનો બળાપો પણ કોંગ્રેસના આગેવાનો સમક્ષ ઠાલવીને પરિવર્તન કરવાની વાત પર ભાર મૂક્યો હતો.શહેરી વિસ્તારમાં જ્યારે ડોર ટુ ડોર સંપર્ક કરવા માટે કોંગ્રેસની ટીમ સ્થાનિકો પાસે પહોંચી ત્યારે મહિલાઓએ રાંધણગેસ, શાકભાજી, કઠોળ, પેટ્રોલ-ડીઝલ સહિતના મોંઘવારીના પ્રશ્નોને લઈને ભાજપ સરકાર સામેનો બળાપો કોંગ્રેસના આગેવાનો સમક્ષ વ્યક્ત કરી અને પુનરાવર્તન નહીં પણ પરીવર્તન કરવાની વાતમાં પંજાનો હાથ પકડવાની વાત પણ આગેવાનો સમક્ષ મૂકી હતી,

આમ દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના ગ્રામીણ ક્ષેત્રમાં કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઇ કંડોરીયાને વર્તમાન શાસનથી કંટાળીને પ્રજામાંથી જબરું લોકસમર્થન મળી રહ્યું છે, ત્યારે જામનગર શહેરમાં પણ કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો જ્યારે લોકસંપર્કમાં પહોંચ્યા ત્યારે દરેક વર્ગના લોકો તેમજ વેપારી વર્ગમાં પણ આવકારની લાગણી સાથે કોંગ્રેસને ટેકો આપવાની વાત પર ભાર મૂક્યો હતો,આ જોતાં મુળુભાઇ કંડોરીયાની જીતની આશા ગ્રામીણ વિસ્તારની  સાથોસાથ શહેરી વિસ્તારમાં પણ વધુ પ્રબળ બની રહી હોય તેવું વાતાવરણ જીલ્લામાં નિર્માણ થઈ રહ્યું છે.