ચોરીની લક્ઝુરીયસ કાર ગેરેજ સંચાલક ખરીદી પાણીના ભાવે વેચી મારતો

આ રીતે રાજકોટ પોલીસે ઝડપી પાડ્યું કૌભાંડ

ચોરીની લક્ઝુરીયસ કાર ગેરેજ સંચાલક ખરીદી પાણીના ભાવે વેચી મારતો

Mysamachar.in-રાજકોટ

આજના સમયમાં લક્ઝુરીયસ કાર લેવી કોનું સપનું ના હોય..? અને એમાં પણ આવી કાર જો પાણીના ભાવથી મળી જાય તો...હા આ વાત સાચી છે.. રાજકોટમાં પોલીસે એક ગેરેજ સંચાલકને શંકાને આધારે પૂછપરછ કરતા આ સંચાલકે બહારના રાજ્યમાંથી ચોરી કરેલ શખ્સો પાસેથી કાર લાવી અને અહી પાણીના ભાવે વેચી દેતો હોવાનું સામે આવ્યું છે. રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ ટીલાળા ચોકડી વાવડી ગામના રસ્તા પાસે આવેલા પારસોલી મોટર ગેરેજમાં ચોરાઉ કાર હોવાની માહિતી ક્રાઈમ બ્રાન્ચને મળી હતી, જેથી પોલીસે ગેરેજ સંચાલક લોધિકાના કોઠા પીપળિયા ગામના રાહુલ ઘીયાડને સકંજામાં લઇ ગેરેજમાં પડેલી કાર અંગે પૃચ્છા કરતા ભાંડો ફૂટી ગયો હતો. રાહુલ ઘીયાડે ગેરેજમાં ચોરાઉ સ્કોર્પિયો, ઇનોવા અને ઓટોમેટિક મારુતિ બ્રેજા કાર વેચવા રાખી હોવાની કબૂલાત આપી હતી.

પોલીસે રાહુલની અટકાયત કરી રૂ.23 લાખની ઉપરોક્ત ત્રણેય કાર કબજે કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આવું સામે આવ્યું છે કે કબજે થયેલી કાર ગાઝિયાબાદ અને નોઇડામાંથી ચોરી થયાનું સ્પષ્ટ થયું હતું. નોઇડામાં ચાલુ વર્ષમાં 15 લક્ઝરિયસ કાર ચોરી થઇ છે અને લક્ઝરિયસ કાર ચોરતી ગેંગ રૂ.2.50 લાખથી માંડી રૂ.3.50 લાખમાં મોંઘી કાર આવા શખ્સોને આપી દેતા હોય છે અને રાહુલ જેવા લોકો મનફાવે તેવી રકમ વસૂલતા હોય છે. પરપ્રાંતીય વાહન ચોર ગેંગે ચોરેલી કાર રાજકોટ ઉપરાંત ગુજરાતના અન્ય શહેરોમાં પણ આ રીતે વેચાતી હોવાની પોલીસને શંકા છે. જો કોઇ વ્યક્તિ સેકન્ડ હેન્ડ કાર ખરીદ કરવા આવે અને કાર પસંદ પડ્યા બાદ કારની આરસીબુક સહિતના દસ્તાવેજ માગે ગેરેજ સંચાલક રાહુલ પાસેથી માંગે તો રાહુલ કહેતો કે ફાઇનાન્સ કંપનીએ પરત ખેંચેલી કાર છે અને સસ્તામાં આપવાની છે,આમ આ રીતે ચોરાઉ કાર ધાબડી દેવાનું આ કૌભાંડ ખુલ્લું પડી ગયું છે.