આમાં આગ જ લાગે ને..ફાયર વિભાગના સ્ટેશન ઓફિસરે NOC આપવા 40,000 માગ્યા 

એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યો

આમાં આગ જ લાગે ને..ફાયર વિભાગના સ્ટેશન ઓફિસરે NOC આપવા 40,000 માગ્યા 

Mysamachar.in-રાજકોટ:

રાજ્યમાં ફાયર સેફટી અને ફાયર NOCને લઈને નામદાર ગુજરાત હાઈકોર્ટ પણ કડક વલણ અખત્યાર કરે છે, પણ આ લોકોના જીવ સાથે જોડાયેલ આ ગંભીર વિભાગમાં જ લાંચિયાઓ હોવાનો પુરાવાઓ આજે રાજકોટથી સામે આવ્યો છે, જેમાં ફાયર NOC આપવા પેટે 40,000ની લાંચ લેતા સ્ટેશન ઓફિસરને એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યો છે.રાજકોટ શહેર ફાયર સ્ટેશનમાં સ્ટેશન ઓફીસર વર્ગ-3 તરીકે ફરજ બજાવતા કિરીટ હરપાલભાઇ કોલી આજે બસ સ્ટેન્ડની પાછળ આવેલ કનક રોડ,ફાયર સ્ટેશન કચેરી ખાતેથી લાંચ લેતા ઝડપાયા છે.

આ કેસના  ફરીયાદીએ બે ટાવર બિલ્ડીંગોમાં ફાયર સેફટી ઇકવીપમેન્ટ લગાડવાનુ કામ રાખેલ હોય, જે કામ પૂર્ણ થયે ફાયર સેફટી વિભાગની એન.ઓ.સી.અર્થે રાજકોટ મહાનગરપાલીકા હેઠળના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વીસીસ વિભાગમા એન.ઓ.સી.મળવા અરજી કરેલ હોય,જે અનુસંધાનેની એન.ઓ.સી.તૈયાર થઇ ગયેલ હોય જે એન.ઓ.સી. ફરીયાદીને આપવાના અવેજ પેટે ઝડપાયેલ આરોપી કિરીટ હરપાલભાઇ કોલીએ એક ટાવર બિલ્ડીંગની ફાયર એન.ઓ.સી.આપવાના 25000 લેખે બન્ને ટાવર બિલ્ડીંગની ફાયર એન.ઓ.સી. આપવા માટે 50,000 ની લાંચની માંગણી કરેલ અને રકઝકના અંતે બન્ને ટાવરની ફાયર એન.ઓ.સી.આપવા માટે 40,000 લાંચની રકમની માંગણી કરેલ જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપેલ. જે ફરીયાદીની ફરીયાદ આધારે આજરોજ એસીબીએ લાંચના છટકાનું આયોજન કરતા આ આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, ફરીયાદી પાસેથી 40,000 ની લાંચની માંગણી કરી, સ્વીકારી ઝડપાઇ ગયો હતો, આ કાર્યવાહી મદદનીશ નિયામક એસીબી રાજકોટ એકમ એ.પી.જાડેજાના માર્ગદર્શન મુજબ  પી.આઈ.મયુરધ્વજસિંહ એમ.સરવૈયા અને તેમની દ્વારા કરવામાં આવી હતી.