સ્પા સંચાલકે પોતાની પત્ની મારફત યુવકને ફસાવ્યો હનીટ્રેપની જાળમાં

બે નકલી પોલીસ અને પતિ પત્નીની પોલીસે કરી ધરપકડ

સ્પા સંચાલકે પોતાની પત્ની મારફત યુવકને ફસાવ્યો હનીટ્રેપની જાળમાં
symbolic image

Mysamachar.in-મોરબી

રાજ્યમાં લગભગ કોઈ જ કોઈ દિવસ એવો જતો હશે જેમાં રાજ્યમાં કયાંક હનીટ્રેપની ઘટના સામે ના આવી હોય..એવામાં રાજકોટ શહેરમાં સ્પા સંચાલકે તેની પત્ની સાથે મળી પત્નીના મોરબી રહેતા વેપારી મિત્રને ફસાવ્યા બાદ દંપતી અને જીઆરડીના બે જવાનોએ ગુનામાં ફિટ કરી દેવાની ધમકી આપી વેપારી પાસેથી રૂ.22500 પડાવી લીધા હતા અને વધુ રૂ.2 લાખનો સોદો નક્કી કર્યો હતો. પોલીસે પાંચેય આરોપીને ઝડપી લીધા હતા.

આ હનીટ્રેપનો ભોગ બનનાર મોરબીના રહીશ સંજય હીરાભાઇ સોમૈયાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજકોટના નાણાવટી ચોકમાં રહેતી અલ્પા આશિષ મારડિયા, તેનો પતિ આશિષ મારડિયા અને ત્રણ અજાણ્યા શખ્સના નામ આપ્યા હતા. સંજય સોમૈયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે ચાર વર્ષથી અલ્પાના પરિચયમાં હતો, પરંતુ ચાર મહિનાથી મિત્રતા છોડી દીધી હતી. થોડા દિવસ પૂર્વે અલ્પાએ ફોન કરતા ફરીથી મોબાઇલ પર વાતચીત શરૂ કરી હતી. થોડા દિવસો પૂર્વે અલ્પાએ ફોન કરીને કહ્યું હતું કે, ‘મારો પતિ તા.7ના બહારગામ જવાનો છે,

તું મારા ઘરે આવજે પ્રેમિકાએ ઘરે બોલાવતાં તે દિવસ સવારે સંજય સોમૈયા પોતાની કાર લઇને રાજકોટ આવ્યો હતો અને અલ્પાના ઘરે ગયો હતો. અલ્પાએ રૂમનું બારણું બંધ કર્યું હતું અને થોડીવાર બાદ તેનો પતિ આશિષ તથા તેનો મિત્ર જય સુરેશ પરમાર ઘરમાં આવ્યા હતા અને અલ્પાની છેડતી કરી છે તેમ કહી વેપારી સંજયને ધમકાવવાનું શરૂ કર્યું હતું, આશિષે ફોન કરતાં જીઆરડી જવાન તરીકે ફરજ બજાવતાં ગાયત્રીનગર મેઇન રોડ પર રહેતો શુભમ નીતિન શિશાંગિયા અને આરકે પાર્કનો રિતેષ ભગવાનજી પટેલ ત્યાં પહોંચ્યા હતા અને બંનેએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી ગુનામાં ફિટ કરી દેવાની ધમકી આપી હતી.

અલ્પા સહિત ચારેય શખ્સે બળજબરીથી વેપારી સંજયના ખિસ્સામાંથી રૂ.22500 કાઢી લીધા હતા અને ફરિયાદ ન થવા દેવી હોય તો રૂ.5 લાખ આપવા પડશે તેવી વાત કરી હતી. લાચાર બનેલા સંજયે રકઝક કરીને રૂ.2 લાખ 10 ઓક્ટોબરના રોજ આપવાનું નક્કી થયું હતું. મહામુસીબતે પ્રેમિકાના ઘરેથી નીકળેલા સંજયે ઘરે જઇને પરિવારજનોને વાત કરી હતી અને પોતાને ફસાવ્યાનું સ્પષ્ટ થતાં ફરિયાદ નોંધાવી હતી.

ગુનો નોંધાતા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના સ્ટાફે અલ્પા, તેનો પતિ આશિષ, જીઆરડીના બે જવાન શુભમ, રિતેષ અને જયને ઝડપી લીધા હતા. સૂત્રધાર આશિષ મારડિયા કેકેવી હોલ પાસે સ્પા ચલાવે છે, અને તેને ત્યાં યુવતીઓ પાસે સ્પા કરાવવા આવતા લવરમૂછિયા સ્પા કરાવીને નીકળે એટલે તેના મિત્રોને બોલાવી લેતો હતો અને તે શખ્સો પોલીસના સ્વાંગમાં એ યુવકોને ધમકાવીને તેની પાસેથી પૈસા પડાવતો હોવાનું બહાર આવ્યું છે.