મહિલાના એકાઉન્ટમાંથી ફ્રોડના નાણાં રિકવર કરનાર પોલીસ સંકટમાં !
પ્રિયા નામધારી આ મહિલા પોલીસ અધિકારીઓને અદાલતમાં 'ઢસડી' ગઈ......

Mysamachar.in-વડોદરા:
સાયબર ક્રાઈમની એક ફરિયાદના અનુસંધાને તપાસ અને કાર્યવાહી કરનાર પોલીસ ખુદ આ કેસમાં ભેખડે ભરાઈ ગઈ છે.! આ મામલામાં જેના એકાઉન્ટમાંથી પોલીસે ફ્રોડના નાણાં રિકવર કરી ફરિયાદીને આપ્યા, એ મહિલા ખુદ અદાલતમાં પહોંચી ગઈ અને કહ્યું કે, મારો 'શિકાર' કરી લેવામાં આવ્યો છે.
મામલો વડોદરાનો છે. એક સાયબર ક્રાઈમની તપાસ દરમિયાન એક મહિલાનું બેન્ક એકાઉન્ટ પોલીસ દ્વારા ફ્રીઝ કરવામાં આવેલું. આ મહિલા કહે છે, તપાસના આ કેસમાં તેણી વિકટીમ બની ગઈ છે. આ મહિલાના એકાઉન્ટમાંથી ફરિયાદીના બેંક એકાઉન્ટમાં ચોક્કસ રકમ જમા કરવાનો અદાલતે આ કેસમાં જેતે સમયે આદેશ કર્યો હતો, અદાલતના આ આદેશને આ મહિલાએ પડકાર આપ્યો.
આ કેસમાં IT પ્રોફેશનલ ભાવિક મહેતાએ અમદાવાદ ખાતે સાયબર ક્રાઈમ બ્રાંચમાં ફ્રોડની ફરિયાદ દાખલ કરાવી હતી. રૂપિયા 12.78 લાખની છેતરપિંડીની ફરિયાદ હતી. તપાસ દરમિયાન પોલીસે પંદર દિવસમાં વડોદરાની મહિલા પ્રિયા મીરને ટ્રેસ કરી લીધી અને તેણીના બેંક ખાતાંમાંથી રૂપિયા 8.31 લાખ ફરિયાદીના બેંક ખાતાંમાં જમા કરાવી દીધાં. જેતે સમયે આ મહિલાનું બેન્ક એકાઉન્ટ પોલીસે ફ્રીઝ પણ કરાવેલું. બે મહિના બાદ, આ મહિલા અદાલતમાં પહોંચી. નાણાં ટ્રાન્સફર કરવાના હુકમને પડકાર ફેંક્યો. અને DCP તથા PSI વિરુદ્ધ ફરિયાદ અરજી કરી જેમાં જણાવ્યું કે, તેણીને શિકાર બનાવવામાં આવી છે. પોલીસ અધિકારીઓ વિરુદ્ધ અદાલતને ગેરમાર્ગે દોરવાનો આરોપ મૂક્યો.
તે દરમિયાન આ મહિલા અમદાવાદ અને વડોદરા પોલીસની મુલાકાત લઈ ચૂકી હતી. ત્યારબાદ હાઈકોર્ટ પહોંચી. તેણીએ સેશન્સ અદાલતને જણાવ્યું કે, તેણીનો પતિ ડિજિટલ એસેટ મેનેજમેન્ટનો વ્યવસાય કરે છે. પતિના ભાગીદારે બિઝનેસ ડિલ તરીકે ત્રણ કટકે તેણીના એકાઉન્ટમાં રૂપિયા 9 લાખ જમા કરેલાં. તેણીએ દાવો કર્યો, આ નાણાં ફરિયાદી મહેતાના નથી અને અદાલતને ગેરમાર્ગે દોરવામાં આવી છે અને નાણાં રિકવરીનો ઓર્ડર મેળવવામાં આવ્યો છે.
અદાલતે મહિલાની દલીલો અને પુરાવાઓ માન્ય રાખી, નાણાં રિકવરીના અગાઉના અન્ય અદાલતના ઓર્ડર અને કાર્યવાહીઓને રિવર્સ કરવા આદેશ આપ્યો. મહિલાએ કહ્યું, અદાલત સમક્ષ ખોટાં પુરાવાઓ રજૂ કરવા બાબતે બંને પોલીસ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહીઓ કરવામાં આવે. આ સાયબર ક્રાઈમ કેસ અમદાવાદ અને વડોદરામાં ચર્ચાસ્પદ બન્યો છે. ખુદ DCP વિરુદ્ધ ફરિયાદ થતાં ચકચાર મચી ગઈ છે.