પોલીસને ખબર પડી ગઈ કે ખંભાળિયા પંથકમાં મોટાપાયે વિદેશી દારૂ બિયરનો જથ્થો પહોચવાનો છે અને....

એક શખ્સ ઝડપાયો,  સાત ફરાર, 269 પેટી દારૂ સહિત કુલ રૂપિયા 32.53 લાખનો મુદ્દામાલ કબજે -

પોલીસને ખબર પડી ગઈ કે ખંભાળિયા પંથકમાં મોટાપાયે વિદેશી દારૂ બિયરનો જથ્થો પહોચવાનો છે અને....
તસ્વીર:કુંજન રાડીયા

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

દારુ ઘૂસાડનાર બુટલેગરો કોઈપણ રીતે દારુ ઘુસાડી દે છે પણ જયારે પોલીસને ગંધ આવી જાય તો આવા દારૂના જથ્થા જ્યાં પહોચવાના હોય તેને બદલે પોલીસ મથકે પહોચી જાય છે, દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયા પંથકમાં બુટલેગરો દ્વારા દારૂની ડિલિવરી મેળવી અને વેચાણ થાય તે પૂર્વે ખંભાળિયા પોલીસે ગત મોડી સાંજે દારૂ તથા બિયરના તોતિંગ જથ્થા પર કબજો મેળવ્યો હતો. આ પ્રકરણમાં પોલીસે 2772 બોટલ પરપ્રાંતીય શરાબ, 1080 બીયરના ટીન મળી, કુલ રૂપિયા 12.17 લાખની કિંમતના દારૂ સહિત કુલ રૂ. 32.54 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

ખંભાળિયા પંથકમાં બુટલેગરો તથા પ્યાસીઓ માટેના ચિંતાજનક એવા આ પ્રકરણની વિગત મુજબ ખંભાળિયા પંથકમાં દારૂ સામે કડક કાર્યવાહી કરવાના હેતુથી પી.આઈ. પી.એમ. જુડાલના માર્ગદર્શન હેઠળ ગત સાંજે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફના પ્રદિપસિંહ જાડેજા, કાનાભાઈ લુણા તથા યોગરાજસિંહ ઝાલાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા-ભાણવડ રોડ પર લલીયા ગામના પાટીયા પાસેથી પસાર થતી નંબર પ્લેટ વગરની ગ્રે કલરની એક ઈકકો મોટરકારને અટકાવી ચેકિંગ કરતા આ કારમાંથી બે પેટી વિદેશી દારૂ મળી આવ્યો હતો. આથી પોલીસે કારના ચાલક એવા જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં તિરૂપતિ સોસાયટી ખાતે રહેતા પ્રફુલ પરસોતમભાઈ સીતાપરા નામના આધેડની પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો તે ખંભાળિયા-ભાણવડ રોડ પર આવેલા ભાણખોખરી ગામના પાટિયા પાસે રાખવામાં આવેલા એમ.એચ. 50 એન. 1709 નંબરના અશોક લેલન ટેમ્પોમાંથી લઈને જતો હોવાનું કબૂલ્યું હતું.

આથી પોલીસે તાકીદે આ સ્થળે દોડી જઈ અને ચેકિંગ કરતા આ ટેમ્પો બંધ હાલતમાં હતો. જ્યાં કોઈપણ વ્યક્તિ જોવા મળી ન હતી. જે અંગે પોલીસે પ્રફુલ સીતાપરાની પૂછપરછ કરતા આ ટેમ્પો જામજોધપુરનો યુસુફ સુલેમાન રાવકરડા નામનો શખ્સ લઈને આવ્યો હોવાનું અને પોલીસનું વાહન જોઈને તે નાસી છુટયો હોવાનું જણાવ્યું હતું. ટેમ્પોના ચેકિંગમાં પોલીસને સુતરના બોરા જોવા મળ્યા હતા. આ ટેમ્પામાં સૂકા ઘાસનો ભૂકો હોવાથી તેને ઉચકાવીને જોતાં તેમાંથી વિદેશી દારૂ તથા બિયરનો તોતીંગ જથ્થો હોવાનું પોલીસને ધ્યાને આવ્યું હતું. આથી પોલીસ દ્વારા દારૂ-બિયર ભરેલો આ આખો ટેમ્પો અહીંના પોલીસ મથકમાં લઈ આવવામાં આવ્યો હતો. જ્યાં ગણતરી કરવામાં આવતા તેમાં જુદી-જુદી બ્રાન્ડની 750 મિલિનો 2520 બોટલ પરપ્રાંતિય શરાબ, બે લીટરની 60 બોટલ તથા 180 એમ.એલ. ના 192 ચપલા મળી આવ્યા હતા. આમ, કુલ રૂપિયા 11,17,200 ની કિંમત 2772 બોટલ વિદેશી દારૂ ઉપરાંત રૂપિયા 1,00,800 ની કિંમતની 1080 ટીન બિયરનો જથ્થો મળ્યો હોવાનું જાહેર થયું છે.

દારૂ સાથે ઝડપાયેલા જામજોધપુરના પ્રફુલ સીતાપરાની વધુ પૂછપરછમાં દારૂનો આ જથ્થો તેણે હાલ ગોવા ખાતે રહેતા અને મુળ કચ્છના મહેશ ઉર્ફે દિપેશ પટેલ અને ભુજના સાગર ઉર્ફે લાલો આહીર પાસેથી મંગાવ્યો હોવાનું જણાવ્યું હતું. જેમાં પાર્ટનરશીપમાં જામજોધપુરના યુસુફ સુલેમાન દ્વારા મંગાવી અને આ દારૂ તે ખંભાળિયા તાલુકાના કેશોદ ગામે રહેતા દિલીપસંગ મહોબતસંગ કેરની વાડીના રહેણાક મકાનમાં રાખી, વેચાણ કરવામાં આવનાર હોવાનું કબૂલ્યું હતું.

દારૂ-બિયરનો આ જથ્થો જમીર હારુન પટેલ, સમીર જુનસ સંદે અને ફરીદખાન રસીદખાન નામના ત્રણ શખ્સો ઉપલેટા સુધી લઈ આવ્યા હતા. જ્યાં એક હોટલમાં તેઓ રોકાયા બાદ આરોપી પ્રફુલ અને યુસુફ ખંભાળિયા સુધી લઈ આવ્યા હતા. આ શરાબ સલામત સ્થળે પહોંચે અને વેચાણ થાય તે પૂર્વે પોલીસે ઝડપી લીધો હતી.

પોલીસે રૂપિયા 11.17 લાખની કિંમતના દારૂ, રૂ. એક લાખની કિંમતના બિયર, રૂપિયા 21,510 રોકડા, રૂપિયા 10 હજારની કિંમતના બે નંગ મોબાઈલ ફોન તેમજ રૂપિયા 15 લાખની કિંમતના મહારાષ્ટ્ર પાસિંગના ટેમ્પો અને પાંચ લાખની કિંમતની નંબર પ્લેટ વગરની ઈક્કો મોટરકાર મળી, કુલ રૂપિયા 32.54 લાખનો મુદ્દામાલ કબજે કરી, પ્રફુલ પરસોતમ સીતાપરાની અટકાયત કરી હતી. જ્યારે યૂસુફ સુલેમાન (રહે. જામજોધપુર), મહેશ ઉર્ફે દીપેશ પટેલ, સાગર ઉર્ફે લાલો આહીર (રહે. ભુજ) જમીર હારુન પટેલ, સમીર જુનુસ સંદે, ફરીદખાન રસીદખાન અને દિલીપસંગ મોહબ્બતસંગ કેર (રહે. કેશોદ, તા. ખંભાળિયા) નામના સાત શખ્સોને હાલ ફરાર ગણી આ શખ્સોને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

ઝડપાયેલા શખ્સના રિમાન્ડ સહિતની જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. આ સમગ્ર કામગીરી અહીંના પી.આઈ. પી.એમ. જુડાલ,  એસ.આઈ. રાયટર દિપકભાઈ રાવલિયા, પી.જે. ભાટીયા, જેઠાભાઈ પરમાર, પ્રદિપસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ નટુભા, યોગરાજસિંહ દિલીપસિંહ ઝાલા, કાનાભાઈ લુણા અને ગોવિંદભાઈ પિંડારીયા દ્વારા કરવામાં આવી હતી.દારૂ આ તોતિંગ જથ્થો ઝડપાઇ જતાં બુટલેગરો તથા દારૂ પીનારાઓમાં ભય સાથે દોડધામ પ્રસરી છે.