Mysamachar.in-અમદાવાદ
આજના સમયમાં લોકો સોશ્યલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે, જેમાં જાણીતા તો કોઈ વખત અજાણ્યા લોકોની ફ્રેન્ડશિપ રીક્વેસ્ટ આવતી હોય છે, પણ અજાણી મહિલાઓની રીક્વેસ્ટ આવે તો તુરત જ સારો ફોટો જોઇને એ રીક્વેસ્ટ એક્સેપ્ટ કરવી ભારે પડી શકે છે, થયું એવું કે અમદાવાદમાં એક વેપારીને ફેસબુક પર આવેલી સ્વરૂપવાન અજાણી યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારવાનું ભારે પડી ગયું. આ યુવતીએ પહેલા વેપારી સાથે સોશિયલ મીડિયા પર વાતો કરી જે બાદ પોતાનો મોબાઇલ નંબર આપ્યો અને ફોન પર વાતો કરી. જે બાદ યુવતીએ વેપારીને મળવા બોલાવ્યો અને બીજા જ દિવસે પાંચ લાખ રૂપિયાની માગણી કરી અને ના આપવા પર રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી આપવાનો આ ગંભીર મામલો પોલીસ મથક સુધી પણ પહોચ્યો છે,
શહેરના રબારી કોલોની નજીક રહેતા એક વેપારીએ પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે મુજબ ઓગસ્ટ 2020 મહિનામાં તેમના ફેસબુક એકાઉન્ટ પર રાધિકા મોદી નામની એક યુવતીએ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. વેપારીએ આ ફ્રેન્ડ રિક્વેસ્ટ એસેપ્ટ કર્યા બાદ બંને વચ્ચે મેસેન્જર પર વાતચીત થતી હતી. ત્યારબાદ થોડા સમય બાદ યુવતીએ તેનો મોબાઈલ નંબર વેપારીને આપ્યો હતો અને મોબાઇલથી પણ વાતચીત થવા લાગી. આ દરમિયાન યુવતીએ કહ્યું હતું કે, તે પોતે સુરતની છે પરંતુ તેની બહેન અમદાવાદ રહે છે. આથી તે અમદાવાદ આવશે ત્યારે વેપારીને મળવા માટે બોલાવશે.
ગત 21મી સપ્ટેમ્બરે યુવતીએ વેપારીને વટવા બ્રિજ નીચે મળવા માટે બોલાવ્યો હતા. અહીં તેના બનેવી જોઈ જશે તેમ કહીને યુવતી વેપારીને અસલાલી પાસેના એક ગેસ્ટ હાઉસ નીચે લઈ ગઈ હતી. જ્યાં બંને થોડો સમય વાતચીત કરીને છૂટા પડયા હતા. બીજા દિવસે વેપારીના ફોન પર મહિલા પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો હતો કે, આ યુવતીએ તેની વિરુદ્ધમાં અરજી આપી છે. પરંતુ આ લોકો અત્યાર સુધી માં કેટલા રૂપિયા પડાવી લીધા છે અને આ ગેંગ માં અન્ય કેટલા લોકો સામેલ છે અને કોઈ મહિલા પોલીસ ની સંડોવણી છે કે કેમ તે તમામ દિશા માં તપાસ કરવા માં આવી રહી છે.
જોકે બાદમાં રાધિકા મોદી અને જીતેન્દ્ર મોદી નામનો વ્યક્તિએ વેપારીને મહિલા પોલીસ સ્ટેશન બહાર બોલાવ્યો હતો. અહીં જીતેન્દ્રએ જણાવ્યું કહ્યું હતું કે, પોતે ક્રાઈમ બ્રાંચમાં નોકરી કરતો હતો અને હાલ નિવૃત્ત છે અને સેવાનું કામ કરે છે. જો તમારે સમાધાન કરવું હોય તો રૂપિયા પાંચ લાખ આપવા પડશે. અઢી લાખ અમને અને અઢી લાખ રૂપિયા પોલીસને વહીવટ કરવો પડશે. જોકે, ફરિયાદીએ ગભરાઈને રૂપિયા પાંચ લાખ આપી દેતા અરજી પરત ખેંચી હતી અને સમાધાન કર્યું હતું. આ ગેંગે બીજી ફેબ્રુઆરીએ વધુ એક વેપારીને આ રીતે ફસાવી રૂપિયા પડાવ્યા હોવાની જાણ થતાં પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ચાર આરોપી વિરુદ્ધમાં ફરિયાદ નોંધવામાં આવી છે.