કોર્પોરેશનના એક કસબીનો કસબ.....મેનપાવર એજન્સી સન્નારીના નામે સહી કરે મહાપુરૂષ

બબ્બે વખત સસ્પેન્ડ છતા બિલાડાને દુધના રખોપા કોની કૃપાથી?? ઠેર ઠેર ચર્ચા

કોર્પોરેશનના એક કસબીનો કસબ.....મેનપાવર એજન્સી સન્નારીના નામે સહી કરે મહાપુરૂષ
symbolic image

Mysamachar.in-જામનગર

જામનગર કોર્પોરેશન આમ તો એવુ એક કૌભાંડ કરવાનુ મેદાન પણ છે કે જ્યા કોન્ટ્રાક્ટ બેઇઝથી માંડી લાંચમા ઝડપાયેલ તપાસ બાકી હોય કે સસ્પેન્ડ હોય કે ફરી નોકરીમા લેવાયા હોય તેમાંથી અમુક આંખો મીચી પોતાનો ફાયદો લેવા અમુકના ટેકાથી જમાવટ કરતા હોય છે, અને મબલખ કમાણી કરતા હોય છે જેમા અમુક કિસ્સામા તેરી ભી ચુપ મેરી ભી ચુપની જેમ સમગ્ર ખેલ ચાલતો રહે અને પ્રજાના નાણા વેડફાતા રહે છે, તેવી ચર્ચાઓ ટીકાઓ સાથે જાણકારો કરી રહ્યા છે આવા અમુક કિસ્સા બહાર આવ્યા છે અમુક હજુ ધરબાયેલા છે જે પણ ઉજાગર થવામા છે,

આવી અનેક બાબતો વચ્ચે કોર્પોરેશનના એક કસબીનો એવો નવો કસબ લાંબા સમયથી એકાદ અધીકારીઓની કૃપાથી ચાલે છે જેની રોચક બાબત એ છે કે એક મેનપાવર સપ્લાયની એજન્સી એક સન્નારીના નામે છે તે એજન્સીનુ નામ એક ભગવાનના નામ પરથી છે, આ એજન્સીના જે બીલો બને તેમાં સહી કોર્પોરેશનના એક કર્મચારી જે પુરૂષ નહી મહાપુરૂષ છે તેઓ પેલા સન્નારીના બદલે કરે છે.....!! (એટલે કે તે સહી ડુપ્લીકેટ કરે છે જે ફોજદારી ગુન્હો ગણાય) અને આ કસબ લાંબા સમયથી ચાલે છે જેની અમુક ચબરાકોને જાણ છે તેમ આ કસબી કર્મચારીના નજીકના વર્તુળો માહિતી આપતા જણાવે છે.

વળી આ કસબી સેટીંગના માસ્ટર છે અને મુંછ પર તાવ દેતા દેતા આવુ તો ઘણુ સગેવગે કરવા મીઠાશથી પોતાનુ કામ કઢાવે છે, અને અધિકારીઓ અને પદાધિકારીઓની આગળ પાછળ થવા માટેની અને તેમના ઘરના કામો પણ કરાવી દેવાની આવડત ધરાવે છે, અને મોરની જેમ અનેક કળા કરે છે જે અંગે અમુક તેના આકા અને પાળીતાઓ થાભણભાણા કરે છે તેમ પણ સુત્રોએ આ ઠોસ વિગત આપતી વખતે જણાવ્યુ છે અને ઉમેર્યુ છે કે બબ્બે વખત સસ્પેન્ડ થયેલા આ મહાપુરૂષને બિલાડાને જેમ દુધના રખોપા સોંપાયા હોય તેમ ફરજો સોંપાઇ છે.

આ સમગ્ર બાબતો અંગે અમુક જાણકારો હજુ વધુ પ્રકાશ પાડવા થનગને છે તેમ પણ જાણવા મળે છે. કેમકે અગાઉ ઉજાગર થયેલા વાહન ભાડે રાખવાના કૌભાંડની જેમજ આ કૌભાંડ તલસ્પર્શી તપાસ તો માંગે છે. પરંતુ કેસ ચાલતા હોય તેને એક નંબર બે નંબર બેય પ્રકારની "કેશ" નિયમિત રીતે હાથવગે કરવાની જે આવડત અને કસબ છે. તેમા એના સિવાય પણ અમુક સંડોવાયેલા છે. તેમાંથી જ એક કદાચ બળવો કરી બધો જ પર્દાફાશ  કેમ કરવો તેની તક શોધે છે તેમ પણ જાણવા મળે છે.