જામનગર મનપાની સ્ટે.કમિટીની બેઠકમાં રખડતા ઢોર, સફાઈ સહિતના મુદ્દે અધિકારીઓને અરીસો બતાવતા સભ્યો
પ્રજાહિતમાં અધિકારીઓનો ઉધડો લેતા સભ્યો

Mysamachar.in-જામનગર:
જામનગર મનપાની સ્ટે.કમિટીની બેઠક આજે મળી હતી, જેમાં ચર્ચાઓ દરમિયાન સોલીડ વેસ્ટ વિભાગ અને એસ્ટેટ વિભાગ પર શાશકપક્ષના સભ્યોએ જ તડાપીટ બોલાવી હોવાનું આંતરિક સુત્રો જણાવે છે, જાણવા મળતી વિગતો મુજબ એસ્ટેટ વિભાગની નબળી કામગીરીને લઈને સભ્યોએ કહ્યું કે દબાણો દુર કરવામાં એસ્ટેટ શાખા કાઈ ખાસ રસ દાખવતી નથી અને પરિણામે શહેરભરમાં આડેધડ રેકડીઓના પથારા જોવા મળી રહ્યા છે, વધુમાં તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે કેટલાક વેપારીઓ આડેધડ ફૂટપાથો પર કમાનો અને મંડપ બાંધે છે અને રસ્તા પર રેકડીઓના ખડકલા હોય તો વાહનચાલકો અને રાહદારીઓ ચાલે ક્યાં તેવો વેધક સવાલ પણ એસ્ટેટ અધિકારી સામે ઉઠ્યો હતો,
તો રસ્તે રઝળતા ઢોરને લઈને પ્રસિદ્ધિના મોહમાં અંધ બનેલ ઢોરડબ્બા વિભાગ અને લગતને આજે શાશકપક્ષના સભ્યોએ અરીસો બતાવતા કહ્યું કે "આવો અમારા વિસ્તારમાં તમને બતાવીએ કે ઢોર પકડવાની કામગીરી કેવી ચાલે છે," વધુમાં ઘાસચારાના વિક્રેતાઓ પાસેથી જે ઘાસ જપ્ત કરો છો તેને બીજા સાઈડમાં ઘાસ છુપાવેલ હોય છે તો તેની સામે ફોજદારી સહિતની કાર્યવાહી કરવા પણ માંગ ઉઠી હતી.તો આગામી દિવસોમાં જયારે તહેવારો નજીક છે ત્યારે શહેરમાં સફાઈ ઝુંબેશ સઘન બને તે માટે પણ સોલીડ વેસ્ટ વિભાગ ઊંઘ ઉડાડે તેવું સભ્યોએ સૂચન કર્યું હતું. આમ આજની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મોટાભાગની ચર્ચા એસ્ટેટ સોલીડ વેસ્ટ વિભાગને લઈને જ ચાલી હતી.