પૂર્વ પતિનું પરાક્રમ, ઘરમાં ઘુસી કર્યું ફાયરીંગ, પૂર્વ પત્નીની નીપજાવી હત્યા, પોતે પણ આપઘાત કરવાનો હતો જો કે...

પૂર્વ પતિનું પરાક્રમ, ઘરમાં ઘુસી કર્યું ફાયરીંગ, પૂર્વ પત્નીની નીપજાવી હત્યા, પોતે પણ આપઘાત કરવાનો હતો જો કે...

Mysamachar.in-રાજકોટ:

સૌરાષ્ટ્રના રાજકોટમાં એક સનસનીખેજ અને ફિલ્મી સ્ટોરી જેવી વારદાત સામે આવી છે, જેનાથી સનસનાટી મચી જવા પામી છે, જાણવા મળતી વિગતો પ્રમાણે રાજકોટના કાલાવડ રોડ પર વિમલનગર નજીક રવિ પાર્ક વિસ્તારમાં રહેણાંક મકાનમાં પતિ-પત્ની જમતા હતા એવામાં ક્યાંકથી અચાનક જ પૂર્વ પતિ ત્યાં આવી ચડ્યો અને છાતીમાં ગોળી ધરબી મહિલાને મોતને ઘાટ ઉતારી દેતા આ મામલે ચકચાર મચી ગઈ હતી. જોકે ગોળી મારી આરોપી ભાગી રહ્યો હતો ત્યારે સ્થાનિક યુવાને તેનો પીછો કરી પોલીસને જાણ કરી હતી. આથી પોલીસે ફિલ્મી ઢબે આરોપીને ગણતરીની મિનીટોમાં જ માધાપર ચોકડી પાસેથી પકડી પાડ્યો હતો. પોલીસ તપાસમાં આરોપીના થેલામાંથી સાઇનાઇડની ગોળીઓ મળી હતી અને મહિલાને 7 માસનો ગર્ભ હોવાનું પણ ખુલ્યું છે.

રાજકોટ પોલીસના જણાવ્યા મુજબ આરોપીની હાલ પૂછપરછ ચાલુ છે. આરોપીનું નામ આકાશ મોર્ય છે. આરોપી ખાસ ગોરખપુરથી માત્રને માત્ર હત્યા કરવા માટે આવ્યો હતો. તેણે હત્યા કર્યા બાદ ખૂન કરવા વાપરેલું હથિયાર ઘટના સ્થળ પર મૂકી જતો રહ્યો હતો. આરોપી આકાશ મોર્યએ મહિલા સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. આ કોર્ટ મેરેજના કાગળ હજુ વેરીફાઈ કરવાના બાકી છે. તે ગોરખપુરથી પ્રથમ અમદાવાદ ટ્રેનમાં આવ્યો હતો અને ત્યારબાદ અમદાવાદથી રાજકોટ બસમાં બેસીને આવ્યો હતો. આરોપીએ ખૂન કરવા વાપરેલું હથિયાર રૂ.5,500 રૂપિયામાં ખરીદ કરેલ હતું.વધુમાં જણાવ્યું હતું કે, આરોપીએ ઘરમાં પ્રવેશ્યા બાદ પૈસાની માંગણી કરી હતી. આરોપીના મતે તેણે ઘર ખર્ચ માટે રૂ.3.5 લાખ આપ્યા હતા. હાલ આરોપીના થેલામાંથી સાઇનાઇડની ગોળીઓ મળી આવી છે. આરોપીએ કબૂલાત કરી છે કે હત્યા બાદ તે સાઇનાઇડ ખાઈને આત્મહત્યા કરવાનો હતો

સરિતા નામની મહિલાના લગ્ન ચાર વર્ષ પહેલા ગોરખપુરના આકાશ રામાનુજ મૌર્ય સાથે લગ્ન થયા હતા. બાદમાં છૂટાછેડા થતા સરીતાએ રાજકોટમાં પંકજ નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા. આજે પંકજ અને સરીતા બપોરે જમી રહ્યાં હતા ત્યારે આકાશ ગોરખપુરથી આવ્યો હતો અને પૈસાની લેતીદેતીમાં માથાકૂટ થઈ હતી. બાદમાં આકાશે સરીતા પર દેશી કટ્ટાથી ફાયરિંગ કરી હત્યા કરી નાસી ગયો હતો.સ્થાનિક યુવાન કૃણાલે આરોપીનો પીછો કરી પોલીસને જાણ કરી હતી. આકાશ ઇન્દિરા સર્કલ નજીક રિક્ષામાં બેસી જતો હતો ત્યારે કૃણાલે તેનો સતત પીછો કરી રિક્ષા નંબર પોલીસને આપ્યા હતા. આથી પોલીસે રિક્ષાનો પીછો કરી માધાપર ચોકડીએથી આકાશની ઝડપી લીધો હતો અને હાલ પૂછપરછ ચાલુ છે. હત્યા પાછળનું કારણ જાણવા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરાઇ છે.