કરોડોનો વહીવટ ધરાવતી જામનગર ડીસ્ટ્રીક્ટ બેંકની ચુંટણી મામલે આવ્યો ગરમાવો

મોટા માથા મેદાનમા હોઇ પાછલા બારણે હેવી વેઇટ રાજકીય ખેલથી હાલારમાં સર્જાયો રસપ્રદ માહોલ

કરોડોનો વહીવટ ધરાવતી જામનગર ડીસ્ટ્રીક્ટ બેંકની ચુંટણી મામલે આવ્યો ગરમાવો
file image

Mysamachar.in-જામનગર

જામનગર ડીસ્ટ્રીક્ટ કો ઓપરેટીવ બેંકની ચુંટણી માટે આગામી તારીખ 13 ના મતદાન છે અને તારીખ 22 ના એટલે કે કાલે ફોર્મ ચકાસણી છે ત્યારે આ સહકાર ક્ષેત્રે હાલારના બંને જિલ્લામા મોટુ કદ ધરાવતી સંસ્થામા ચુંટણી હોઇ શિયાળામા પણ  ભારે ગરમાવાનો માહોલ સર્જાયો છે સહકાર ક્ષેત્ર આમતો રાજકીય આધાર કે પક્ષીય લેવલથી દૂર રહી ચાલે છે તેવુ કહેવાય છે અને બંધારણ પણ એવુ જ છે છતાય ઇન્ડાયરેક્ટ રીતે રાજકીય રંગ આ ક્ષેત્રને લાગ્યો છે ત્યારે આ બેંક પણ એમાથી બાકાત નથી અને સહકાર ક્ષેત્ર તેમજ ગ્રામ્ય ક્ષેત્ર બંનેનો આ ચુંટણીમા પ્રત્યક્ષ પરોક્ષ પ્રભાવ પડતો જ આવ્યો છે.

- ચુંટણી કાર્યક્રમ મુજબ 13 મીએ મતદાન

ધી જામનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેંક લી. નામક સંસ્થાની વ્યવસ્થાપક સમિતિના સભ્યોની સામાન્ય ચૂંટણી થવાની છે ત્યારે આ અંગેનો ચૂંટણી કાર્યક્રમ જાહેર કરાયો છે, જેમાં ઉમેદવારીપત્રો ગત તારીખ 19 સુધીભરાયા હવે તા.22ના રોજ 11:00 કલાકથી મામલતદાર, જામનગર શહેરની કચેરી, મહેસૂલ સેવા સદન, પહેલા માળે, શરૂ સેકશન રોડ, જામનગર ખાતે ઉમેદવારીપત્રોની ચકાસણી કરવામાં આવશે. અને તા.24ના રોજ 15:00 કલાકે માન્ય ઉમેદવારીપત્રોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. તા.28 થી તા. 01લદરમિયાનમાં જાહેર રજાના દિવસો સિવાય સવારના 11:00 થી 15:00 કલાક સુધીમાં ઉમેદવારીપત્રો પાછા ખેંચી શકાશે.

ત્યારબાદ તા. 02 રોજ 15:00 કલાકે મામલતદાર, જામનગર શહેરની કચેરી, મહેસૂલ સેવા સદન, પહેલા માળે, શરૂ સેકશન રોડ, જામનગર ખાતે હરીફ ઉમેદવારોની આખરી યાદી પ્રસિધ્ધ કરવામાં આવશે. તેમજ મતદાન તા.13 ના રોજ 10:00થી 17:00 કલાક સુધી ડિ.કે.વી. કોલેજ, પી.એન.માર્ગ, જામનગર ખાતે યોજવામાં આવશે અને તા. 16/01/2021ના રોજ ડિ.કે.વી. કોલેજ, પી.એન.માર્ગ, જામનગર ખાતે મતગણતરી પૂર્ણ થયે તુરત જ મતદાનનું પરિણામ જાહેર કરવામાં આવશે આ ચૂંટણી માટે સત્તાધિકારી પ્રાંત અધિકારી જામનગર શહેર ને નિયુક્ત કરાયા છે.

- મોટા માથાઓએ ભર્યા ફોર્મ

જામનગર ડિસ્ટ્રીકટ કો-ઓપેરેટીવ બેંકના ડાયરેકટરોની ચુંટણી માટે પૂર્વ ચેરમેન, ગ્રામ્ય ધારાસભ્ય સહિતના અગ્રણીઓએ ફોર્મ ભર્યા છે. બેંકમાં સતા હસ્તગત કરવા મતદારોને રીઝવવા અત્યારથી ગોઠવણ શરૂ થઇ હોય ચૂંટણીમાં ખરાખરીનો જંગ જામશે. જામનગર ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંકની ચૂંટણી જાહેર થયા બાદ 14 ડીસેમ્બરથી ફોર્મ ભરવાનું શરૂ થયું હતુ અને બેંકના પૂર્વ ચેરમેન અશોકભાઇ લાલ, ગ્રામ્ય ધારાસભ્ય રાઘવજી પટેલ તથા અન્ય અગ્રણી મૂળુભાઇ બેરા, મેરગ ચાવડા અને બ્રિજરાજસિંહ જાડેજા, જીતુભાઇ લાલ, હેમત ખવા વગેરેએ ઉમેદવારોએ નામાંકન પત્ર ભર્યા છે માટે રસાકસી નો માહોલ હાલ બન્યો છે

- 14 ડાયરેક્ટરો માટે થશે મતદાન

ઉલ્લેખનીય છે કે જિલ્લા સહકારી બેંકના 14 ડાયરેક્ટરો માટે મતદાન થાય છે અને સરકારમાંથી બે નિયુક્ત થાય છે આમ કુલ 16 નુ સંખ્યાબળ હોય છે આ 14 વિભાગના ચૂંટણી જંગમાં કુલ માન્ય અને મતદાન માટે એપ્રુવ થયેલી 845 જેટલી મંડળીઓની યાદી પહેલા પ્રસિદ્ધ થઇ હતી (જોકે આખરી સુધારા વધારાને વધ ઘટ થઇ પણ શકે) જેના સભ્યો નોમતદારો તરીકેનો  સમાવેશ થાય છે.

- બે મુખ્ય પક્ષનુ એડી ચોટીનુ જોર

ભલે રાજકીય પક્ષાપક્ષીના બેનર ઉપર આ ચુટણી નથી થતી છતા  અત્યારે બેંકમાં સતા કબ્જે કરવા ભાજપ-કોંગ્રેસ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. આ ચુંટણી અંગે એવુ પણ જાણવા મળે છે કે જામનગર જિલ્લા સહકારી બેંક ભાજપે કબ્જે કરવા માટે થઇને સહકારી ક્ષેત્રના આગેવાનોની એક મીટીંગ ગાંધીનગર ખાતે યોજાઇ હતી, જેમાં ખાસ કરીને ભાજપના સહકારી ક્ષેત્રના આગેવાનો અને રાજયના ભાજપના મોવડી મંડળ સાથે મીટીંગ યોજી ચુંટણી જીતવા માટે ખાસ ચર્ચા-વિચારણાઓ કરવામાં આવી હતી.

મહત્વની વાત એ છે કે સહકારી ક્ષેત્રની ચુંટણી હોય જેમા રાજકીય પક્ષાપક્ષીના બદલે ભાજપે જામનગર ડિસ્ટ્રીકટ બેંક ઉપર કબ્જો કરવા ખાસ વ્યુહરચના ઘડી હોવાનું જાણવા મળે છે બીજી તરફ કોંગ્રેસના મજબુત નેતાઓ જેઓનુ ગ્રામ્ય કક્ષાએ જોર છે તેઓ પણ નમતુ જોખે તેમન હોઇ આ સમગ્ર ચુંટણી જંગ દિવસે દિવસે વધુ ને વધુ રસપ્રદ બની રહ્યો છે અને ખાનગી ગોઠવણ મીટીંગો અને મંડળીઓના સભ્યોને મતદાન કરવા કે ન કરાવાના પણ ખેલ  પડશે તેમ  સમીક્ષકોનુ માનવુ છે.