5 માસથી 6 વર્ષના બાળકના નાકમાં ફસાયેલ બેટરીસેલ તબીબે સફળતાપુર્વક કાઢ્યો 

રમતા બાળકો પર વાલીઓએ ખાસ નજર રાખવા જેવો કિસ્સો 

5 માસથી 6 વર્ષના બાળકના નાકમાં ફસાયેલ બેટરીસેલ તબીબે સફળતાપુર્વક કાઢ્યો 

Mysamachar.in-રાજકોટ:

બાળકો રમતા રમતા કોઈ વસ્તુ ગળામાં ઓગાળી જાય કે પછી નાકમાં નાખી દે તો કેવી વિકટ સ્થિતિ સર્જાઈ તેનો એક કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે, રાજકોટમાં વસવાટ કરતા 6 વર્ષીય આર્યન ચૌહાણ નામનો બાળક પાંચેક માસ પૂર્વે રમતા રમતા બેટરીસેલ પોતાના નાકમાં નાખી દીધો હતો, જે ફસાઈ જતા તેને તકલીફો શરુ થઇ હતી, જે બાદ રાજકોટ સ્થિત ડો.ઠક્કરની હોસ્પિટલ ખાતે પહોચેલા તેના પિતાના જણાવ્યા મુજબ છેલ્લા 5 મહીનાથી આર્યનને શરદી મટતી નહોતી. તેના જમણી બાજુના નાકમાંથી પીળુ ઘટ્ટ દુર્ગંધ મારતું પ્રવાહી નીકળતું હતું. તેમજ બાજુનું નાક બંધ થઈ જતું અને અને દુખાવો પણ થતો હતો. વારંવાર દવાઓ લેવા છતાં ફરક ન જણાતા હોસ્પિટલ ખાતે એક્સ-રે કરાવતા માલુમ પડ્યું કે તેના નાકમાં તો જમણી બાજુ કંઈક મેટલની વસ્તુ ફસાયેલી છે. આથી ઓપરેશન કરતા બેટરી સેલ નીકળ્યો હતો.


આજથી આશરે 5 મહિના પહેલા આર્યને રમતા રમતા નાકમાં બેટરી સેલ નાખી દીધો હતો. આથી તબીબે કોઈ પણ જાતનો વિલંબ કર્યા વિના દૂરબીન વડે તાત્કાલિક ઓપરેશન કરી પાંચ મહિનાથી આર્યનના નાકમાં ફસાયેલો બેટરી સેલ ગણતરીની મિનીટોમાં જ કાઢી આપી બાળકનો જીવ બચાવ્યો હતો.ડો ઠક્કરના જણાવ્યા મુજબ આ કેસની વિકટ પરિસ્થિતિ એ હતી કે બાળકની ઉંમર માત્ર 6 વર્ષ છે. બેટરી સેલ જેવી ખૂબ જ જોખમી વસ્તુ કે જે ગણતરીના કલાકોમાં જ જેમાંથી નીકળતા ઝેરી કેમિકલ તે નાકના પડદાને તથા અંદરની ચામડીને નુકસાન કરે છે. આથી બાળકના જીવનું જોખમ ઉભું કરે છે.

પાંચ મહિના જેટલા લાંબા સમયથી નાકમાં ફસાયેલા સેલને કાઢવામાં પણ તકલીફ પડે છે. કેમ કે તે નાકની અંદર આસપાસની ચામડી સાથે ચોંટી ગયો હતો. જે આપણેને પરિસ્થિતિની ગંભીરતાનો ખ્યાલ આપે છે.આવા સંજોગોમાં તબીબની સમયસૂચકતાથી અને કુનેહપૂર્વક દૂરબીન વડે ગણતરીની મિનિટોમાં જ બાળકના નાકમાં પાંચ મહિનાથી ફસાયેલો બેટરી સેલ કાઢી આપી બાળકનો જીવ બચાવ્યો હતો. આમ નાના બાળકો જ્યારે રમતા હોય ત્યારે તેનું ખાસ ધ્યાન રાખવું કે તે શેનાથી રમે છે ? શું મોઢામાં કે નાકમાં કે કાનમાં નાખે છે. કેમ કે ક્યારેક સામાન્ય બાબત પણ આ રીતે ગંભીર સ્થિતિમાં ફેરવાઈ જાય તો બાળકને તો ભોગવવાનો વારો આવે છે જે પણ તેનો પરિવાર પણ સાથે મુશ્કેલીમાં મુકાઈ જાય છે.