ક્રાઈમબ્રાંચે નશાવાળી ચોક્લેટનો મોટો જથ્થો પકડ્યો, એક પેકેટ દીઠ મળતા આટલા રૂપિયા

એક પેકેટમાં હતા કુલ આટલા નંગ, પાનવાળો એક નંગના પૈસા ઉઘરાવતો

ક્રાઈમબ્રાંચે નશાવાળી ચોક્લેટનો મોટો જથ્થો પકડ્યો, એક પેકેટ દીઠ મળતા આટલા રૂપિયા

Mysamachar.in-રાજકોટ:

રાજ્યમાં નશાનો વેપલો એક યા બીજી રીતે વધી રહ્યો છે. ખાસ કરીને જ્યારે રાજ્યની બહારના શખ્સો ગુજરાતમાં આવતા હોય છે ત્યારે આવો જથ્થો જપ્ત થાય છે. રાજકોટ ક્રાઈમ બ્રાંચે નશાવાળી ચોકલેટ સાથે બિહારના એક શખ્સ રાજેન્દ્ર પ્રસાદ ગુપ્તાની ધરપકડ કરી છે. જે પાનની દુકાને માલ સપ્લાય કરીને નશાનો વેપલો કરતો હતો. આ શખ્સ ઉત્તર પ્રદેશથી આવી ચોક્લેટ લાવતો અને અહી તે વેચાણ કરતો હતો. ક્રાઈમ બ્રાંચે આ શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

રાજકોટ શહેરમાંથી અઠવાડિયામાં બીજી વખત નશાયુક્ત પદાર્થનો મોટો જથ્થો પકડાયો છે. ક્રાઈમ બ્રાંચ પીઆઈને મળેલી એક ચોક્કસ બાતમીના આધારે યોજના બનાવી આ શખ્સની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટની તિરૂપતિ સોસાયટી શેરી નં.11માં રહેતા પ્રભાતસિંહ ચુડાસમાના મકાનમાં વ્યક્તિ ભાડે રહેતો હતો. જેનું નામ રાજેન્દ્ર પ્રસાદ ગુપ્તા છે. પોલીસે ચોકલેટનું વેચાણ થતા સ્થળે દરોડા પાડી આરોપીને ઝડપી લીધો છે. રાજેન્દ્ર ગુપ્તા છેલ્લા 15 વર્ષથી રાજકોટમાં રહે છે. મજૂરીકામ કરે છે. છેલ્લા દોઢ વર્ષથી તે ઉત્તર પ્રદેશથી આવી ચોક્લેટ લાવીને શહેરમાં વેચાણ કરતો હતો. પોલીસે દરોડા દરમિયાન 7 કોથળા ભરી આવો જથ્થો જપ્ત કર્યો છે. જેમાંથી જુદી-જુદી કંપનીના 798 પેકેટ હતા. એક પેકેટમાં કુલ 40 નંગ હતા. આરોપી પાનના ગલ્લાવાળાને ત્યાં પેકેટ આપતો. જે એક પેકેટ 75થી 100 રૂ.માં વેચાતું જ્યારે એક ચોક્લેટ રૂ.10ના ભાવથી વેચાતી હતી. આ ચોક્લેટમાં ગાંજો મિક્સ કરવામાં આવતો હતો. હાલ પોલીસે આવી તમામ ચોક્લેટ જપ્ત કરી કેટલા ટકા મિશ્રણ કરાયું છે એ અંગે તપાસ શરૂ કરી છે.