શિક્ષકોએ શિક્ષણમંત્રીનું સન્માન સાવ 'અનોખી' રીતે કર્યું.!

કાર્યક્રમમાં મહેમાન તરીકે બોલાવી, કાઠિયાવાડી ભાષામાં કહીએ તો 'પોંખી' જ લીધાં..

શિક્ષકોએ શિક્ષણમંત્રીનું સન્માન સાવ 'અનોખી' રીતે કર્યું.!

Mysamachar.in:બોટાદ:

આપણી સંસ્કૃતિમાં કહેવાયું છે, શિક્ષક કભી સાધારણ નહીં હોતા. રાજ્યનાં શિક્ષણમંત્રીને શિક્ષકોએ આ અનુભવ કરાવી દીધો. શિક્ષકોએ આ 'સોટી' ગત્ રવિવારે સાળંગપુર ખાતે ઉગામી ! શિક્ષકોએ આ કાર્યક્રમ શિક્ષણમંત્રીને સન્માનિત કરવા માટે આયોજિત કર્યો હતો. અને પછી, મંત્રીને આ રીતે ' પોંખી ' લેતાં વાતને વાળવા, વાતાવરણ હળવું જ જાળવી રાખવા મંત્રીએ શિક્ષકોની લાગણીઓ અને માંગણીઓ અંગે હસતાં મોઢે કહ્યું: આપણે જોઈ લઈશું, સાથે બેસીને...

વાત જાણે એમ બની હતી કે, ગત્ રવિવારે સાળંગપુર ખાતે રાજ્યનાં નવનિયુક્ત શિક્ષણમંત્રી કુબેર ડીંડોરનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ સન્માન સમારોહ રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા યોજાયો હતો. સન્માન સમારોહ પૂર્વે શિક્ષક સંઘની રાજય કારોબારીની બેઠક પણ બોલાવવામાં આવી હતી.

બાદમાં યોજાયેલાં મંત્રીનાં સન્માન સમારોહમાં શિક્ષક સંઘનાં નેશનલ સેક્રેટરી કમલાકાન્ત ત્રિપાઠીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે, સંઘની જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગણી પડતર છે. જે અનુસંધાને આગામી 23 જાન્યુઆરીએ ગુજરાત સહિત દેશભરમાં સરકાર સમક્ષ આ માંગણી ફરી વખત રજૂ કરવામાં આવશે.

શિક્ષણમંત્રીને સન્માન માટે બોલાવી શિક્ષકોએ આ રીતે આંદોલનનું જે રણશિંગું ફૂંક્યું , એ આખી વાત જ મંત્રી માટે અનપેક્ષિત એટેક પૂરવાર થયો હોવાની લાગણી સાથે મંત્રીએ પછી શિક્ષકોને એવી ખાતરી આપવી પડી કે, શિક્ષકોની જૂની પેન્શન યોજના અંગે સરકાર ચર્ચા વિચારણા મારફતે કોઈ ઉકેલ શોધવાનો પ્રયાસ કરશે. સમગ્ર મામલો મંત્રણાના ટેબલ પર લઈ જવા ઘટતું કરવામાં આવશે.

આમ આ સન્માન સમારોહ શિક્ષણમંત્રી માટે એક અર્થમાં પ્રથમ ગ્રાસે મક્ષિકા પૂરવાર થયો ! આ કાર્યક્રમમાં જામનગરનાં દિગ્વિજયસિંહ જાડેજા (પ્રમુખ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ) સહિતનાં સંઘનાં હોદેદારો અને શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. 

અત્રે નોંધનીય છે કે, જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગણી સંઘ દ્વારા ઘણાં વખતથી ઉપાડવામાં આવી છે. પરંતુ ગુજરાત સરકાર આ દિશામાં, દિલ્હીની લીલી ઝંડી સિવાય આગળ કેવી રીતે વધી શકે ?! એ હકીકત પણ સૌ જાણે છે. ટૂંકમાં, ગુજરાતની નવી સરકાર સમક્ષ આ પ્રથમ આંદોલન હશે, જેનો એકડો ખુદ શિક્ષકો ઘૂંટશે !! એ સંકેત શિક્ષણમંત્રી અને સરકાર સુધી પહોંચાડવામાં ગુરૂજનો સફળ રહ્યા.