તંત્ર જાગો અને સપાટો બોલાવો, જોડિયા વિસ્તારમાં બેફામ રેતીચોરીના રેકેટ, વધુ એકનો જીવ ગયો 

આ પૂર્વે પણ સરકારી અધિકારીઓ, અને અન્ય લોકો બન્યા છે હુમલાનો ભોગ 

તંત્ર જાગો અને સપાટો બોલાવો, જોડિયા વિસ્તારમાં બેફામ રેતીચોરીના રેકેટ, વધુ એકનો જીવ ગયો 

Mysamachar.in-જામનગર:

જામનગર જીલ્લાના ધ્રોલ અને ખાસ તો જોડિયા આસપાસના ગામોમાં મોટાપાયે રેતીચોરીના રેકેટ ચાલી રહ્યા છે, એવું નથી કે ખાણખનીજ સહિતના તંત્રને આ અંગે જાણ નથી પણ “સકારણ” ખાણખનીજ સહીત તમામ સ્થાનીક તંત્ર વર્ષે એકલ દોકલ રેઇડ સિવાય આંખ આડા કાન કરે છે, અહી ચાલતા રેતીચોરીના રેકેટના આક્ષેપ સાથે થોડાસમય પૂર્વે ધ્રોલના એક ગામના આઘેડે સીએમ કાર્યાલયમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો, અને ગઈકાલે પણ રેતીચોરીના રેકેટને કારણે થયેલ અદાવતમાં એક આઘેડ પર ફાયરીંગ કરવામાં આવતા તેને જીવ ગુમાવ્યો છે જ્યારે અન્ય એકની હાલત ગંભીર છે, ત્યારે સવાલ એ થાય છે કે તંત્ર સક્રિય રીતે ક્યારે જાગશે અને આ વિસ્તારોમાં ચાલતા રેતીચોરીના રેકેટને ડામી દેવા આગળ આવશે...

જો ગઈકાલની વાત કરવામાં આવે તો જામનગર જીલ્લાના જોડિયા તાલુકાના બાલંભા ગામે આજે ખનીજના ધંધામાં લોહી રેડાયું છે. ગામના ઉપસરપંચ પર ફાયરીંગ કરી કરપીણ હત્યા નીપજાવવામાં આવી છે. જયારે મૃતકના ભાઈને ઈજાઓ પહોંચતા જામનગર જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે જ્યાં તેની સારવાર ચાલી રહી છે, બાલંભા ગામના ઉપસરપંચ કાન્તીલાલ માલવિયા તેમજ નીલેશભાઈને આરોપીઓ અયુબ જુસબભાઇ જસરાયા તથા અસગર હુસેનભાઇ કમોરા બે દિવસ પહેલા કાન્તીલાલની લીઝની ઓફીસે આવી તમારે રેતીની લીઝ ચલાવવી હોય તો અમોને પૈસા આપવા પડશે નહીતર બે દિવસમાં તમારો નિકાલ થઇ જશે તેવી ધમકી આપી જતા રહેલ હતા..

જે બાબતનુ મનદુખ રાખી અયુબ જુસબભાઇ જસરાયા તથા અસગર હુસેનભાઇ કમોરા ગઈકાલે બપોરના સુમારે બંદુક સાથે તથા બે અજાણ્યા માણસો તલવાર તથા ધારીયા સાથે આવી કાન્તીલાલ માલવીયાને છાતીના ડાબા ભાગે ગોળી મારી મોત નિપજાવી તેમજ ફરીયાદી નિલેશભાઇના જમણા હાથના અંગુઠા તથા પ્રથમ આંગળી વચ્ચે અજાણ્યા બે ઇસમમાંથી એક ઇસમે ધારીયાનો ઘા મારી ગંભીર ઇજા પહોંચાડતા તેને સારવાર અર્થે જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, બનાવની જાણ થતા જામનગરથી ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને જોડિયા પોલીસે હત્યા, આર્મ્સએક્ટ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.