ગર્લફ્રેન્ડનો ફોટો ફોનમાંથી ડીલીટ કરવાની વાત હત્યા સુધી પહોચી

ત્રણ શખ્સોએ ભેગા મળીને

ગર્લફ્રેન્ડનો ફોટો ફોનમાંથી ડીલીટ કરવાની વાત હત્યા સુધી પહોચી

Mysamachar.in:સુરત

આજના સોશ્યલ મીડિયાની વિવિધ એપના યુગમાં કોણ યુવતી કે યુવક કોની સાથે સંકળાયેલ છે, તે તેના એકાઉન્ટ પરથી આસાનીથી જોઈ શકાય છે, એવામાં આવી જ એક વાત જેમાં પોતાની ગર્લફ્રેન્ડનો ફોટો ડીલીટ કરવાની વાત એટલી તો વણસી ગઈ કે બનાવ હત્યામાં પરિણમી ગયો. વાત કઈક એવી છે કે વેડરોડ બહુચર નગર ખાતે ગર્લફ્રેન્ડનાં ફોટા ડીલીટ કરવા મામલે ઓરિસ્સાવાસી મિત્રો વચ્ચે ઝઘડો થયો હતો. જે બાદ ત્રિપુટી દ્વારા ચપ્પુ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. સારવાર હેઠળ રહેલાં યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતા ચોક બજાર પોલીસે હત્યાના ગુના હેઠળ ત્રણ ઈસમોની ધરપકડ કરી છે.

સુરતના વેડરોડ અખંડ આનંદ કોલેજ સામેની આનંદપાર્ક સોસાયટી માં આવેલી માં તારીણી મેસમાં રહી નોકરી કરતો 24 વર્ષીય ઓરિસ્સાવાસી લીંગારાજમાગી બહેરા ઈન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ ધરાવે છે. પોતાનાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી તેની ગર્લફ્રેન્ડનાં ફોટા તેના મિત્ર રામકૃષ્ણ ઉર્ફે કાલીયા તારીણી બહેરાએ તેનાં મોબાઈલમાં રાખ્યા હોવાની જાણ થતાં તેણે ગત સાંજે રામકૃષ્ણ બહેરાને તેનાં મોબાઈલમાંથી ગર્લફ્રેન્ડનાં ફોટા ડીલીટ કરવા માટે જણાવ્યું હતું. જે મામલે બન્ને વચ્ચે ચકમક થઇ હતી અને રામકૃષ્ણ એ પોતાનાં મોબાઇલમાં ગર્લફ્રેન્ડનાં ફોટા નહીં હોવાનુ જણાવ્યું હતું.

આમ છતાં વિશ્વાસ નહીં આવતાં ફરીવાર રાત્રે 9.30 વાગ્યાનાં અરસામાં લીંગારાજ તેનાં મિત્ર બલરામ લક્ષમણ સ્વાઇન સાથે રામકૃષ્ણ બહેરાને ત્યાં પહોંચ્યો હતો. ત્યાં રામકૃષ્ણ તેનાં ભાઈ રાજેન્દ્ર અને કીટુ બહેરા બહુચર નગર સોસાયટીનાં નાકે આવેલી આર.કે ઇલેક્ટ્રોનિક્સ નામની દુકાન પાસે ઊભા હતાં. લીંગારાજ સાથે પહોંચેલા મિત્ર બલરામ સ્વાઈન દ્વારા ફોટો ડિલીટ કર્યો છે કે નહીં તે જોવા માટે રામકૃષ્ણ પાસે મોબાઈલ માંગ્યો હતો. જેથી ત્રણેય ભાઈઓએ મળી લીંગારાજ અને બલરામ સાથે ઝઘડો કર્યો હતો.

થોડા જ સમય માં ઝઘડો ખુબજ વકરી ગયો હતો. આથી રામકૃષ્ણે લીંગારાજ અને બલરામ સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. જેમાં રામકૃષ્ણ અને તેના બે ભાઈઓ દોડી આવી બલરામ અને લીંગારાજ પર ચપ્પુથી હુમલો કરી દીધો હતો. જેમાં બલરામ લક્ષ્મણ સ્વાઇનનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે. જ્યારે અન્ય એક યુવક લીંગારાજ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ છે. જે બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી હુમલો કરનાર ત્રણે ભાઈઓ અને ડીટેઇન કર્યા હતા. બનાવ પગલે ચોક બજાર પોલીસ દ્વારા લીંગારાજની ફરિયાદ લેવામાં આવી હતી. દરમિયાન મોડી રાત્રે સારવાર દરમિયાન યુવકનું મોત થઈ જતા પોલીસે ત્રણેય બહેરા ભાઈઓ સામે હત્યાનો ગુનો નોંધી ત્રણે ભાઈઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.