Mysamachar.in-જામનગર:
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ત્રણેય મુખ્ય પક્ષો માટે આ ચૂંટણી અન્ય ચૂંટણીઓની સરખામણીમાં વિશેષ મહત્વ ધરાવે છે. કારણ કે, ભાજપાનાં રાષ્ટ્રીય મોભીઓ માટે આ ચૂંટણી 2024 ની લોકસભા ચૂંટણી પૂર્વેનો સૌથી મહત્ત્વનો લિટમસ ટેસ્ટ છે. ગુજરાતમાં કોન્ગ્રેસ માટે અસ્તિત્વનો સવાલ છે. અને, આમ આદમી પાર્ટી અનેરા ઉત્સાહ અને જોરદાર મહેનત તથા બહોળા લોકપ્રતિભાવનું મનોવાંછિત પરિણામ મેળવવા આતુર છે. આ સ્થિતિમાં ચૂંટણી ઉમેદવારોની પસંદગી અતિ મહત્વનો મુદ્દો બની રહ્યો છે. સમગ્ર રાજ્યમાં હજારો વરરાજાઓ કંકોત્રીમાં નામ છપાવવા આકાશ પાતાળ એક કરી રહ્યા છે. ત્રણ પૈકી શાસકપક્ષમાં વધુ મોટો મેળો જામ્યો છે, દાવેદારો મોટી સંખ્યામાં થનગની રહ્યા છે. નવાં ચહેરાઓને આ વખતે વધુ ન્યાય મળવાનાં રિપોર્ટને કારણે દાવેદારોની સંખ્યામાં જબ્બર ઉછાળો જોવા મળી રહ્યો છે.
જો કે સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે, કેટલાંક દાવેદારો માત્ર નામ ટેકવવા, નામ ચર્ચામાં દોડાવવા તથા કોન્ટ્રાકટર રિંગ માફક આડકતરો ફાયદો અંકે કરવા દાવેદારી કરી રહ્યા છે. અને, સૂત્રોએ ત્યાં સુધીની વિગતો આપી છે કે, શાસકપક્ષના કેટલાંક દાવેદારો એવાં પણ છે જેઓના પન્નાની સરખામણીએ અરમાનો અતિશય મોટાં છે. ઘણાં દાવેદારો એવાં પણ છે જેઓ અન્ય છાવણીમાંથી આ છાવણીમાં માત્ર ટિકિટની લાલચે આવ્યા છે. ટિકિટ નહીં મળે તો તેઓની સક્રિયતા નિરાશાને કારણે સ્વાભાવિક રીતે જ તળિયે જતી રહેશે. કેટલાંક મહેનતુ અને નિષ્ઠાવાન તથા સિનિયર કાર્યકરો લોટરી લાગી શકે છે એવી આશા સેવી રહ્યા છે. કેટલાંક દાવેદારો આંતરિક હુંસાતુંસી અને ખટપટ આગળ વધારવા, આક્રમક દેખાવા પૂરતો દાવો કરી રહ્યા હોવાનું પણ જાણવા મળે છે. આ બધાં પરિબળોને કારણે પસંદગીકારો એક તરફ દાવેદારોની મોટી સંખ્યા અંગે મીઠી મૂંઝવણ અનુભવી રહ્યા હશે તેવું સમજાઈ રહ્યું છે. અને, નિર્ણયો પણ કપરાં અને આડઅસરો નિપજાવનારા પૂરવાર થઈ શકે છે.
બીજી બાજુ, કોન્ગ્રેસ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં હવે બસ માત્ર મુહૂર્ત જોઈ રહી હોવાની સ્થિતિ છે ત્યારે જામનગર જિલ્લામાં શું થાય છે ? તેનાં પર કાર્યકરોથી માંડી સૌની નજર છે. પસંદગીકારો માટે અહીં પણ સ્થિતિ તો અઘરી જ છે, કેમ કે ગુજરાત કોન્ગ્રેસ 2017 જેવો રસાકસીપૂર્ણ જંગ અને લાંબા સમયનો સતાવિરહ અટકાવવા આકાશપાતાળ એક કરી રહી છે.
આમ આદમી પાર્ટીની સ્થિતિ સાવ અલગ છે. નવી પાર્ટી હોવાને કારણે નીવડેલાં મૂરતિયાઓની ગેરહાજરી છે. નવા દાવેદારોની ખરી ક્ષમતા અને સજ્જતા તથા લોકપ્રિયતા ચકાસવા ઝીણું કાંતવું પડશે તેમજ બે જામેલાં પ્રતિસ્પર્ધીઓને માત આપવા શતરંજ અલગ રીતે ખેલવી ફરજિયાત છે. જો કે, પ્લાનિંગ અને મહેનતમાં આ પાર્ટી પણ ઉત્સાહ અને ચોકસાઈથી આગળ વધી રહી છે. જામનગરની પાંચ પૈકી એક બેઠકમાં તો તેઓએ સૌ પ્રથમ ઉમેદવાર પણ જાહેર કરી દીધાં છે. આ પાર્ટીમાં દાવેદારો ગુપ્ત રીતે આગળ વધી રહ્યા છે ?! એવો પ્રશ્ન પણ પૂછાઈ રહ્યો છે. એકંદરે આ ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ હોવાથી પરિણામમાં અનિશ્ચિતતા ભરપૂર રહેશે. ક્યાંય, કશું વનસાઈડ ચાલવાની સંભાવનાઓ ઘટવા તરફ ઝડપથી આગળ વધી રહી છે. જોઈએ હવે, ધણીએ શું ધાર્યું છે ?!