Mysamachar.in-જામનગર
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ગ્રામજનો અને આગેવાનોના નામે એક ભ્રષ્ટાચારની ફરિયાદ સરકારમા કરી હોવાનુ ચિત્ર ઉપસ્યુ હોઇ ચર્ચાનો ચકડોળ જામ્યો છે, કેમકે તેમા પંચાયત માર્ગ મકાન વિભાગના એક લાટસા’બ ની વાતો લખાઇ છે, તેની જોહુકમી અંગે ઘણુ લખાયુ છે, જો કે આ મામલે તો લગત વિભાગ જ સ્પષ્ટતા કરી શકે વધુ તો આ બાબત એટલે ઘાટી બની છે કે કાલાવડ તાલુકામા શિક્ષણ વિભાગની અમુક ગેરરિતિ સામે આવી ત્યા વળી આરોગ્ય વિભાગની બાબતો ઉછળી ત્યા હવે માર્ગમકાનના કર્મચારીનો મામલો સામે આવતા પ્રશ્ન એ થાય છે કે કાલાવડ તાલુકામા પંચાયત ક્ષેત્રની ગેરરિતીઓ કે કોઇ એકલ દોકલ અધીકારી કે કર્મચારીઓની જોહુકમી સહિતની અનેક બાબતોને કોણ પાળે પોષે છે ? જો કે આ અરજી કોણે લખી શા માટે લખી તે તથ્યની તપાસ થઇ રહ્યાનુ સુત્રો જણાવે છે,
જીલ્લા પંચાયતના પીડબલ્યુડીના એક નાની કક્ષાના અધિકારીની જે મોટી-મોટી વાતો અનામી અરજીમા ફરતી થઇ તેમા જણાવાયા મુજબ રીટાયર થયા બાદ આ અધિકારી નિયમિત ઓફિસમાં આવી વહીવટ કરે છે, કોન્ટ્રકટરોને દબાવે છે હું પાછો આવવાનો છું અને સાઈટ ઉપર ઓફીસની ગાડી લઇને જાય છે અને ઓફિસનું રેકર્ડ એમ.બી,સિમેન્ટ રજીસ્ટર –ડામર રજીસ્ટર તથા અન્ય જરૂરી રેકર્ડ તેના કબજામાં રાખે છે અને ચાવી કોઈને આપતા નથી તેમજ કોન્ટ્રાક્ટરો પાસે બાકી બિલ છે તેની ટકાવારી માંગે છે,તેવા આક્ષેપો થયા છે,
ઉપરાંત આ રજુઆત રાજ્યના નાયબ મુખ્યમંત્રીને કરી હોવાનુ અનામી અરજીમા વંચાય છે તેમા એમ પણ લખ્યુ છે કે તે અધિકારી હસ્તકના કરોડો રૂપિયાના કામોની તપાસ થાય તો મોટા કૌભાંડ નીકળશે. લાખો રૂપિયાના કામો ફક્ત કાગળ ઉપર જ થયા છે. અતિ ભારે વરસાદ થવાથી રીપેરીંગના કામો થયા નથી છતાં હજી બીલો બનાવે છે. આ બધા કામોમાં રીપેરીંગ થયા છે કે નહિ તેની તપાસ કરવો તો સાચી વાત બહાર આવે તેમ છે તેમજ અમુક સરપંચોને અમુક ટકા આપી લાખોના બીલો ગ્રામ પંચાયતના નામે બનાવ્યા છે. ખરેખર કામો થયા જ નથી અમુક મોટા કામ જેવા કે સી.સી.રોડ વગેરેમાં મીની પ્લાન્ટ ની સિમેન્ટ વાપરી કોન્ટ્રાક્ટર સાથે ભાગ-બટાઈ કરેલ છે.
આવી ફરિયાદ સ્થાનિકથી ગાંધીનગર અવાર-નવાર કરેલી છે પરંતુ કઇ નિરાકરણ આવતુ નથી તેમજ બીજા એક સાગરીત સાથે મળીને કાલાવડ પેટા વિભાગના કામો પેટામાં પાર્ટનરમાં રાખે છે અને ઓફિસમાં એક કલાર્ક આ અધિકારીના કહેવાથી બોગસ બીલો બનાવે છે આ ક્લાર્કને અધિકારીએ મળીને ઘણા રૂપિયા બનાવ્યાના આક્ષેપ અરજીમા થયા છે. જેમા ભારપુર્વક જણાવાયુ છે કે છેલ્લા ત્રણ વર્ષની જે બે ઉચ્ચ નેતાઓના નામ લઇ બીજાને દબાવે છે, તેના ત્રણ વર્ષના કામગીરીના ગઠબંધનના અને થયેલા કામો તેમજ ચુકવાયેલા અને ન ચુકવાયેલા બિલ વગેરે તપાસ કરાય તો ઘણા કૌભાંડ નીકળશે તેવો દાવો કરાયો છે.
પરંતુ પ્રશ્ન એ છે કે આ અરજી ખરેખર કોણે કરી? શા માટે કરી? ટાર્ગેટ કોણ છે? આ કહેવાતા ભ્રષ્ટ અધિકારીને કોની ઓથ હતી કે છે? અરજીનુ તથ્ય કોણ તપાસશે? વગેરે સવાલ વચ્ચે આ નિવૃત લાટસા’બની બીજી પણ સ્ફોટક વિગતો પુરી પાડવામા આવશે તેવો ખખડાટ પણ સંભળાય છે પરંતુ હાલ તો ચર્ચા નો ચકડોળ અને આશ્ચર્ય જ ફેલાતુ જાય છે.જ્યાં સુધી આ મામલે સચોટ તપાસ ના થાય અને તથ્યો સામેના આવે ત્યાં સુધી થયેલ આ અરજી પાયાવિહોણી પણ ગણી શકાય જો કે અનામી પણ સ્ફોટક મુદ્દાઓની તપાસ આગામી દિવસોમાં થશે તો કદાચ સત્ય બહાર પણ આવે..
-આ મામલે ઇન્ચાર્જ કાર્યપાલક ઈજનેર મોડ ગોળ ગોળ વાતો કરે છે. અને અજાણ હોવાનું ગાણું ગાય છે.
આ મામલે અમે જામનગર જીલ્લા પંચાયત બાંધકામ વિભાગના ઇન્ચાર્જ કાર્યપાલક ઈજનેર રાજેન્દ્ર મોડની પ્રતિક્રિયા લેવા પ્રયાસ કર્યો તેવો આ મામલે હાલ અજાણ હોવાનું કહી રહ્યા છે(ખરેખર કે કેમ) તે જ જાણે..હા પણ તેવોએ એમ કહ્યું કે આવી રીતે કોઈ રીટાયર્ડ થયા બાદ ઓફિસમાં અધિકારી તરીકે બેસવું કે પછી સરકારી ગાડીનો ઉપયોગ ના કરી શકાય તેવો સ્વીકાર કરી તપાસ કરાવવાની વાત કરી હવે સાહેબ શ્રી ક્યારે અને કેવી તપાસ કરાવશે તે જોવાનું છે.